તાલિબાનના કબ્જાના 50મા દિવસે કાબુલમાં મસ્જિદ પાસે વિસ્ફોટ, અનેક લોકોના મોત
કાબુલ : તાજેતરમાં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તાલિબાન સત્તા પર આવ્યા બાદ એરપોર્ટ પર મોટો વિસ્ફોટ થયો હતો, જેમાં લગભગ 180 લોકો માર્યા ગયા હતા. ખોરાસને આ વિસ્ફોટની જવાબદારી લીધી હતી. તાલિબાનના કબ્જાના 50 દિવસ બાદ કાબુલ ફરી એકવાર હચમચી ઉઠ્યું છે.
કાબુલમાં રવિવારના રોજ મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એક મસ્જિદની બહાર થયો હતો, જેમાં ઘણા લોકોના મોતની આશંકા છે. એએફપી ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ રવિવારના રોજ કાબુલમાં એક મસ્જિદ પાસે થયેલા વિસ્ફોટમાં કેટલાક નાગરિકોના મોત થયા હોવાના અહેવાલ છે.
ઇદગાહ મસ્જિદના પ્રવેશ દ્વાર પર વિસ્ફોટ
એએફપી ન્યૂઝ એજન્સી દ્વારા એક વરિષ્ઠ તાલિબાન અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, અફઘાનિસ્તાનની રાજધાનીમાં એક મસ્જિદની બહાર થયેલા વિસ્ફોટમાં અનેક નાગરિકોના મોત થયા છે. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે વિસ્ફોટની પુષ્ટિ કરતા કહ્યું કે, બ્લાસ્ટ કાબુલની ઇદગાહ મસ્જિદના પ્રવેશદ્વાર નજીક થયો છે.
બ્લાસ્ટની જવાબદારી હજૂ સુધી કોઈએ સ્વીકારી નથી
આ વિસ્ફોટમાં ઘણા લોકો માર્યા ગયા હોવાના અહેવાલો છે, તેમજ ઘણા લોકો ઘાયલ થયા છે, જો કે હજૂ સુધી કોઈ આતંકવાદી સંગઠને વિસ્ફોટની જવાબદારી લીધી નથી. મળતી માહિતી મુજબ જે મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો તે જ મસ્જિદમાં તાલિબાન પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદની માતા માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગોળીબારનો અવાજ પણ સંભળાયો હતો
બોમ્બ ધડાકા અંગે તાલિબાન સરકાર દ્વારા હજૂ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. તે જ સમયે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ત્યાંથી ફાયરિંગનો અવાજ પણ સંભળાયો હતો. હાલમાં મોટી સંખ્યામાં સૈનિકો અને કટોકટી સેવાઓ સ્થળ પર તૈનાત છે. ઘણા ઇજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.