Dubai Expo 2020: કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ઇન્ડિયા પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું!
દુબઈ, 01 ઓક્ટોબર : કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે શુક્રવારે દુબઈ એક્સ્પો 2020 માં ભારતીય પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદઘાટનની શરૂઆત ભારતીય પેવેલિયનના પગથિયા પર નાથુ લાલ સોલંકી પરિવાર દ્વારા શંખના અવાજથી શરૂ થઈ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુબઈ એક્સ્પોમાં ઈન્ડિયા પેવેલિયનના લોન્ચિંગ પર શુભેચ્છાઓ પણ પાઠવી છે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યુ કે, આ ઇવેન્ટ વિશ્વમાં નવા ઉભરતા ટેકનોલોજીથી ચાલતા અને આત્મવિશ્વાસથી ભરપૂર ભારતને ઉજાગર કરશે. દુબઈ એક્સ્પો 2020 એ ભારતની ક્ષમતા દર્શાવવાની તક છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતની છબી બદલાઈ છે. એક્સ્પોમાં ટેકનોલોજીની દુનિયામાં ભારતની નવી તસવીર જોવા મળશે, તેમજ અવકાશની દુનિયામાં ભારતનું નવું ચિત્ર જોવા મળશે.
તેમણે કહ્યું કે, ભારત ઉર્જા અને પર્યાવરણ ક્ષેત્રે અગ્રેસર છે. હવે દુનિયા જાણે છે કે ભારતનો સમય આવી ગયો છે. વિશ્વને ભારતમાં વિશ્વાસ છે. યુએઈ અને ભારત સમાન હિતો ધરાવે છે. અમે સ્પર્ધામાં નથી, અમે એકબીજાના પૂરક છીએ. યુએઈના રોકાણકારો અને તેના નેતાઓ વેપાર કરવા અને ભારત સાથે વ્યાપાર વધારવા માટે ખૂબ જ સકારાત્મક છે.
કોરોના મહામારી બાદ આ વિશ્વનું સૌથી બીજા નંબરનું સૌથી મોટું આયોજન હશે. આ એક્સ્પોમાં 180 દેશોના પેવેલિયન બનાવવામાં આવ્યા છે. તેમાંથી એક ભારત પણ છે. તેને બનાવવા માટે 500 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ ગુંબજ બનાવવા માટે 550 ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 1 ઓક્ટોબરથી 31 માર્ચ 2022 સુધી ચાલનારા આ મેગા એક્સ્પોમાં ભારતીય પેવેલિયન સમગ્ર વિશ્વને આકર્ષી રહ્યું છે.