નરેન્દ્ર મોદીનું 'હાઉડી મોદી' જેવું ભવ્ય સ્વાગત બાઇડનના સમયમાં જોવા મળ્યું?
ભારતના વડા પ્રધાન અમેરિકાનો મહત્ત્વનો પ્રવાસ પૂરો થઈ ગયો છે.
આ રાજકીય પ્રવાસ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનની સાથે મોદીની પહેલી જ વાર વ્યક્તિગત દ્વિપક્ષીય બેઠક થઈ છે.
આ બેઠક ખૂબ હળવાશપૂર્ણ વાતાવરણમાં થઈ અને બંને દેશોએ પોતપોતાના વ્યૂહાત્મક મહત્ત્વને જાળવી રાખીને પોતાની ભાગીદારીને વધુ મજબૂત કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
ક્વાડ દેશોની શિખર બેઠક પણ પહેલી જ વાર આમનેસામને થઈ છે.
એમાં ખાસ કરીને હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ભારત અને અમેરિકા, ઑસ્ટ્રેલિયા, જાપાને સાથે મળીને આ ક્ષેત્રમાં આવાગમનની સ્વતંત્રતાને સુનિશ્ચિત કરવા માટે એકબીજાના સહકારમાં રહીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
આ કામગીરી માટે ઘણાં ક્ષેત્રોમાં ચારેય દેશના સહયોગ માટે વર્કિંગ ગ્રૂપ પણ બનાવાયું છે, જેના કામની સમીક્ષા પણ કરવામાં આવી હતી.
છેલ્લા છ મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ પહેલી વિદેશયાત્રા હતી.
વૈશ્વિક મહામારી કોરોનાને કારણે દુનિયાભરમાં કંઈ કેટલાય પ્રતિબંધો મુકાયા છે, એ પ્રતિબંધોએ વડા પ્રધાનની વિદેશયાત્રાને માટે પણ અવરોધ ઊભો કર્યો હતો.
છેલ્લે 2019માં જ્યારે મોદી અમેરિકા ગયેલા તો તે સમયે ડૉનાલ્ડ ટ્રમ્પનો શાસનસમય હતો અને મોદી અને ટ્ર્મ્પ વચ્ચે ઘણા સારા સંબંધ હતા.
બંને એકબીજા સાથે સારી દોસ્તી નિભાવતા હતા. મોદી ટ્રમ્પના માનમાં વખાણનાં ફૂલ વેરતાં હતાં અને ટ્રમ્પ મોદીને 'મહાન દેશના મહાન નેતા' જેવા ઇલકાબથી નવાજતા હતા.
એ વખતે પણ સપ્ટેમ્બરના મહિનામાં જ ટેક્સાસના હ્યુસ્ટન શહેરમાં હાઉડી-મોદી કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મોદીની સાથે સાથે ટ્રમ્પે પણ ભાગ લીધો હતો અને ત્યાં કાર્યક્રમના સભાસ્થળે હાજર રહેલા 50 હજારથી પણ વધુ ભારતીય મૂળના લોકોનું દિલ ટ્રમ્પે પણ જીતી લીધું હતું.
એ કાર્યક્રમમાં ઘણા અમેરિકન સાંસદો અને સૅનેટરો ઉપરાંત ગવર્નર આદિએ પણ હાજરી નોંધાવી હતી અને બધાએ અમેરિકા અને ભારતના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા બદલ મોદીની ભરપૂર પ્રશંસા કરી હતી.
- UN મહાસભામાં PM નરેન્દ્ર મોદીનું ભાષણ, 'ભારત આગળ વધશે તો દુનિયા આગળ વધશે'
- અફઘાનિસ્તાનમાં જાહેરમાં મૃતદેહો લટકાવ્યાના અહેવાલ, તાલિબાનો 'ફરી હાથ-પગ કાપવાની સજા કરશે'
ઘણા દિવસો સુધી અમેરિકાના અખબારોમાં હાઉડી-મોદીની ચર્ચાઓ થતી રહી હતી અને ટીવી ન્યૂઝમાં પણ એ જ ચર્ચાએ ધૂમ મચાવેલી કે મોદી અને ટ્રમ્પે, એ કાર્યક્રમમાં કઈ રીતે હજારોની ભીડને સંબોધન કર્યું હતું.
એ વખતે પણ, કેટલાક લેખો મોદીના સમયમાં ભારતમાં થયેલા માનવ અધિકારોના ઉલ્લંઘનનો ઉલ્લેખ કરતા હતા. લગભગ એક મહિના પહેલાં જ કાશ્મીરમાં આર્ટિકલ 370ની સમાપ્તિની જાહેરાત કરાઈ હતી અને ત્યાં આમનાગરિકોને પ્રતિબંધોનો સામનો કરવો પડ્યો હતો.
અમેરિકાના એક સમાચારપત્રમાં પ્રગટ થયેલા એક લેખમાં મોદીને 'ભારતના ટ્રમ્પ' કહેવાયા હતા.
તેમ છતાં, 2019માં જ જ્યારે મોદી અમેરિકાના હ્યુસ્ટન અને ન્યૂયૉર્ક ગયા, તો ત્યાં હજારો લોકોએ તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું.
હાઉડી-મોદી કાર્યક્રમમાં જ મોદીએ અમેરિકાની 2020ની રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે પોતાના એક આગવા અંદાજમાં ટ્રમ્પની વકીલાત કરી હતી. એમણે હકડેઠઠ ભરાયેલા હૉલમાં સંબોધન કરતાં જણાવેલું કે 'અબ કી બાર ટ્રમ્પ સરકાર'.
આ સાંભળીને બાજુમાં જ ઊભેલા ટ્રમ્પ ગદગદિત થઈ ગયેલા.

પરંતુ, 2020ની ચૂંટણીમાં એમનો સામનો જો બાઇડન સાથે થયો. બાઇડન જીતી ગયા અને અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે પદ ગ્રહણ કરી લીધું.
એ ચૂંટણી અભિયાનમાં જો બાઇડન અને કમલા હૅરિસે ભારતમાં મોદી સરકારમાં માનવ અધિકારના ઉલ્લંઘન બાબતની આકરી ટીકા કરી હતી.
બાઇડનના અમેરિકામાં મોદીની યાત્રા કેટલી અલગ?
હવે 2021માં જ્યારે મોદીએ અમેરિકા-પ્રવાસ કર્યો છે તો પરિસ્થિતિ ઘણી જુદી છે.
આ વખતે મહામારીને લીધે મોદી કોઈ મોટો કાર્યક્રમ યોજી નથી શક્યા અને હજારોની ભીડ એકઠી કરવાની ક્ષમતા ધરાવનાર મોદીએ માત્ર થોડા લોકોને મળીને જ કામ ચલાવી લેવું પડ્યું.
વૉશિંગ્ટનની આસપાસના વિસ્તારોમાંથી ઘણી બસો ભરીને સેંકડો લોકો આવ્યા હતા અને મોદીના સ્વાગત માટે વ્હાઇટ હાઉસની બહાર એકઠા થયા હતા.
તેમનામાં ઘણો ઉત્સાહ હતો. કેટલાક તો એટલા માટે ઉદાસ દેખાતા હતા, કેમ કે તેમને લાગતું હતું કે તેઓ મોદીને મળી નહીં શકે. તોપણ મોદીના ફોટોવાળાં મોટાં મોટાં પ્લે-કાર્ડ્સ અને તેમના સમર્થનમાં લખેલાં સૂત્રોવાળાં બેનર્સ પકડીને એ લોકો વારેવારે મોદીના સમર્થનમાં જોરશોરથી સૂત્રો ગજાવતા હતા.
ત્યાં જ, એક જૂથ એવું પણ હતું જે મોદીનો વિરોધ પ્રકટ કરતું હતું. તે લોકો મોદી-વિરોધી સૂત્રો લખેલાં બેનર્સ અને પોસ્ટર્સ પકડીને જોશભેર સૂત્રો પોકારતા હતા.
એમાંના મોટા ભાગના લોકો શીખ સમુદાયના હતા. એમાંના કોઈ કોઈ પીળા રંગનો ઝંડો લઈને ઊભા હતા જેના પર અંગ્રેજીમાં ખાલિસ્તાન લખેલું હતું.
એક વાર તો પરસ્પર વિરોધી બંને જૂથો સામસામે આવી ગયાં હતાં અને ઝપાઝપીની શંકાને કારણે પોલીસે વચ્ચે ઊભા રહેવું પડ્યું હતું.
આ દરમિયાન, બાઇડન સરકારે કેટલાક સ્પષ્ટ સંકેતો આપ્યા કે હવે, ટ્રમ્પ વખતે હતો તેવા અંદાજમાં કશું નહીં થાય.
વ્હાઇટ હાઉસમાં પણ, મોદી જ્યારે દ્વિપક્ષીય બેઠક માટે પહોંચ્યા તો રાષ્ટ્રપતિ બાઇડને બહાર આવીને એમનું સ્વાગત ન કર્યું, બલકે ઓવલ ઑફિસમાં મોદીને લઈ જવાયા, જ્યાં તેઓ એમને પૂર્વગ્રહ વિના મળ્યા.
અમેરિકા અને ભારત વચ્ચે મહત્ત્વની ભાગીદારીને બંને નેતાઓએ વધારે મજબૂત કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
જુદાં જુદાં ક્ષેત્રોમાં, જેમ કે, વેપાર, સુરક્ષા, તકનીક અને ઊર્જામાં પરસ્પર સહયોગ વધારવા અને જળવાયુ પરિવર્તન અને કોવિડ મહામારી સામે સાથે મળીને રક્ષાત્મક પગલાં ભરવા માટે પણ બંને દેશોએ તૈયારી દર્શાવી છે.
વિશ્વમાં આ સમયે પરિસ્થિતિ એવી છે કે ભારત અને અમેરિકાનાં રણનીતિને લગતાં હિતો પણ જોડાયેલાં છે અને બંનેને એકબીજાના સમર્થનની જરૂર છે.
મોદી-બાઇડન દ્વિપક્ષીય મુલાકાતમાં બધું ગણતરીપૂર્વક થઈ રહ્યું હતું અને દરેક શબ્દને જોખી-તોળીને વાતચીત થઈ રહી હતી.
કોરોનામાં મોદીની જાદુઈ ઝપ્પી ગાયબ
દેખીતું છે કે, સાથોસાથ મહામારીની અસર પણ દરેક જગાએ દેખાઈ. એટલા માટે, ના તો મોદીની પેલી જગમશહૂર જાદુઈ ઝપ્પી જોવા મળી અને તોલમાપના અંદાજની કૂટનીતિમાં ના તો મોદીએ બાઇડનને મહાન નેતા આદિ જેવો કોઈ ખિતાબ આપ્યો.
એવું લાગતું હતું કે મોદી એવો પ્રયાસ જરૂર કરશે, જેમાં, બાઇડનને મહાન નેતાની ઉપાધિ આપી દે.
બલકે, ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસ અને રાષ્ટ્રપતિ જો બાઇડને મોદી સાથેની મુલાકાતમાં લોકતાંત્રિક મૂલ્યોને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
મોદી સાથેની મુલાકાતમાં બાઇડને કહ્યું કે, "મહાત્મા ગાંધીના આદર્શો, જેવા કે અહિંસા, સન્માન અને સહિષ્ણુતાની આજના સમયમાં ખૂબ જ આવશ્યકતા છે."
મોદીએ પણ ગાંધીજીના સિદ્ધાંતોનો ઉલ્લેખ કર્યો અને તેનાથી વિશ્વને થતા લાભ જણાવ્યા.
આમ જુઓ તો અમેરિકાનાં અખબારોમાં મોદીની અમેરિકાયાત્રાનાં ખાસ કોઈ ઉલ્લેખ-નોંધ નથી લેવાયાં. કેટલાંક સમાચારપત્રોમાં મોદીને અપાયેલી લોકતાંત્રિક મૂલ્યો વિષયક સલાહોની નોંધ જરૂર લેવાઈ.
લૉસ એન્જલસ ટાઇમ્સમાં છપાયેલા સમાચારનું શીર્ષક હતું : 'કમલા હૅરિસે ઐતિહાસિક મુલાકાતમાં મોદીને માનવાધિકાર માટે હળવું દબાણ કર્યું'.
બીજા એક અમેરિકન મૅગેઝિન પોલિટિકોના લેખમાં ભારતમાં માનવ અધિકારોના ઉલ્લંઘનના મામલે બાઇડન સરકારે કરેલાં આંખમીંચામણાંની ચર્ચા કરવામાં આવી.
એ લેખમાં હ્યુમન રાઇટ્સ વૉચ એજન્સીની એશિયા એડ્વોકેસી ડાયરેક્ટર જૉન સિફ્ટનનું બયાન પણ સામેલ કરાયું હતું, જેમાં તેઓએ પૂછ્યું છે કે, "બાઇડન સરકાર ભારતમાં માનવ અધિકારોના ઉલ્લંઘનની બાબતમાં આટલું બધું ચૂપ કેમ છે? અમેરિકન અધિકારીગણ બધું હળવાશથી કેમ લઈ રહ્યા છે? રણનીતિ શી છે?"
- તાલિબાનના રાજમાં બાળકને જન્મ આપવો એક મહિલા માટે કેટલું મુશ્કેલ બની ગયું છે?
- કૅનેડામાં ફરીથી જસ્ટિન ટ્રુડોની સરકાર પણ બહુમત નહીં
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=yUwejY1AQ-I
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો