QUAD મીટિંગમાં બોલ્યા પીએમ મોદી, 'હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સાથે મળીને કરીશુ કામ'
નવી દિલ્લીઃ અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડીસીમાં સ્થિત વ્હાઈટ હાઉસમાં ક્વાડ સમૂહની બેઠક થઈ. જેમાં ભારત તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન, જાપાની પીએમ યોશિહિદે સુગા અને ઑસ્ટ્રેલિયાઈ પીએમ સ્કૉટ મૉરિસને ભાગ લીધો. કોરોના મહામારી, અફઘાન સંકટ અને ચીનની ચાલબાજી વચ્ચે આ બેઠક ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. બેઠકની શરૂઆત પીએમ મોદીના સંબોધનથી થઈ. જેમાં તેમણે પહેલી ફિઝિકલ ક્વાડ સમિટની ઐતિહાસિક પહેલ માટે બાઈડેનને અભિનંદન પાઠવ્યા.
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યુ કે આપણે 2004ની સુનામી બાદ ઈંડો-પેસિફિક ક્ષેત્રની મદદ માટે એક સાથે આવ્યા હતા. આજે જ્યારે વિશ્વ કોવિડ મહામારીનો સામનો કરી રહ્યુ છે ત્યારે આપણે એક વાર ફરીથી ક્વાડ રૂપે સાથે મળીને માનવતાના હિતમાં એકઠા થયા છે. આપણુ ક્વાડ વેક્સીન ઈનિશિએટિવ ઈંડો-પેસિફિક દેશોની મોટી મદદ કરશે. તેમણે કહ્યુ કે પોતાના સંયુક્ત લોકતાંત્રિક મૂલ્યોના આધારે ક્વાડે પૉઝિટિવ વિચાર, પૉઝિટિવ અપ્રોચ સાથે આગળ વધવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે સપ્લાઈ ચેન હોય કે વૈશ્વિક સુરક્ષા, ક્લાઈમેટ એક્શન હોય કે કોવિડ રિસ્પૉન્સ કે ટેકનોલૉજીમાં સહયોગ, આ બધા વિષયો પર મને મારા સાથીઓ સાથે ચર્ચા કરવામાં ખુશી થશે. તેમણે ભરોસો અપાવ્યો કે ક્વાડ એક રીતે ફોર્સ ફૉર ગ્લોબલ ગુડની ભૂમિકામાં કામ કરશે.
બાઈડેને કહી આ વાત
વળી, પીએમ મોદીના સંબોધન બાદ જો બાઈડેને કહ્યુ કે વૈશ્વિક આપૂર્તિને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં વેક્સીનની વધુ 1 બિલિયન ડોઝના ઉત્પાદનની અમારી પહેલ ટ્રેલ પર છે. આ ઉપરાંત આજે, અમે પોતાના પ્રત્યેક ક્વાડ દેશોના છાત્રો માટે સંયુક્ત રાજ્ય અમેરિકામાં અગ્રણી સ્ટેમ કાર્યક્રમોમાં ઉન્નત ડિગ્રી મેળવવા માટે એક નવી ક્વાડ ફેલોશિપ શરૂ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે જ્યારે અમે 6 મહિના પહેલા મળ્યા હતા ત્યારે અમે સ્વતંત્ર અને ખુલ્લા ઈંડો-પેસિફિકના અમારા એજન્ડાને આગળ વધારવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આજે મને એ વાતનુ ગર્વ થઈ રહ્યુ છે કે અમે આ દિશામાં ઉત્કૃષ્ટ પ્રગતિ કરી રહ્યા છે.
શું બોલ્યા જાપાની પીએમ?
જાપાનના પ્રધાનમંત્રી યોશીહિદે સુગાએ કહ્યુ કે ક્વાડ 4 દેશો દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ પહેલ છે જે મૌલિક અધિકારોમાં વિશ્વાસ રાખે છે અને જેમનો વિચાર છે કે ઈંડો-પેસિફિકને સ્વતંત્ર અને ખુલ્લુ હોવુ જોઈએ. વળી, ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કૉટ મૉરિસને કહ્યુ કે અમે એક સ્વતંત્ર અને ખુલ્લા હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં વિશ્વાસ કરીએ છીએ કારણકે અમે જાણીએ છીએ કે આનાથી એક મજબૂત અને સમૃદ્ધ ક્ષેત્રનુ નિર્માણ થશે.
કેવી રીતે થઈ શરૂઆત?
2007માં જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબેએ ક્વાડની અવધારણાની રજૂઆત કરી હતી પરંતુ ઑસ્ટ્રેલિયા ચીનના દબાણમાં આવી ગયુ અને તેની રચના ટાળી દીધી. પછી 2012માં જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેની પહેલ પર હિંદ મહાસાગરથી પ્રશાંત મહાસાગર સુધી સમુદ્રી સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે ઑસ્ટ્રેલિયા, ભારત અને અમેરિકાએ સાથે મળીને એક ડેમોક્રેટિક સિક્યોરિટી ડાયમંડ સ્થાપિત કરવા માટે વિચાર રજૂ કર્યો. ત્યારબાદ નવેમ્બર 2017માં હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં કોઈ પણ બહારની શક્તિના પ્રભાવને ખતમ કરવા માટે ક્વાડ સમૂહની સ્થાપના થઈ. જેમાં અત્યાર સુધી ભારત, અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયા શામેલ છે.