Narendra Giri: પાંચ ડૉક્ટરોની પેનલ આજે કરશે પોસ્ટમૉર્ટમ, પ્રયાગરાજમાં બધી સ્કૂલો રહેશે બંધ
પ્રયાગરાજઃ અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીનુ 20 સપ્ટેમ્બરે શંકાસ્પદ સ્થિતિમાં મોત થઈ ગયુ હતુ. આ મામલે પ્રયાગરાજ પોલિસે વિશેષ તપાસ દળ(એસઆઈટી)ની રચના કરી છે. વળી, આજે એટલે કે 22 સપ્ટેમ્બરે સીએમના નિર્દેશ પર મહંત નરેન્દ્ર ગિરીના શબનુ પોસ્ટમૉર્ટમ પાંચ ડૉક્ટરો કરશે. આના માટે પેનલની રચના કરવામાં આવી છે જેમાં બે વિશેષજ્ઞ એમએલએન મેડિકલ કૉલેજ, બે ડૉક્ટર જિલ્લા હૉસ્પિટલ અને સીએમઓને આધીન તૈનાત એક ડૉક્ટરને શામેલ કરવામાં આવ્યા છે. બધાને પોસ્ટમૉર્ટમના એક કલાક પહેલા બોલાવવામાં આવ્યા છે.
વળી, મહંત નરેન્દ્ર ગિરીના સમાધિ કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓની ભીડને જોતા શિક્ષણ વિભાગે પ્રયાગરાજમાં મોટો નિર્ણય કર્યો છે. શિક્ષણ વિભાગે આદેશ જાહેર કરીને ધોરણ 1થી 12 સુધીના બધા બોર્ડના વિદ્યાલયો અને કોચિંગ સંસ્થાઓમાં રજા જાહેર કરી દીધી છે. જિલ્લા વિદ્યાલય નિરીક્ષક આર એન વિશ્વકર્મા તરફથી જાહેર કરવામાં આવેલ એક આદેશમાં કહેવામાં આવ્યુ છે કે બુધવાર(22 સપ્ટેમ્બર)ના રોજ બધા વિદ્યાલયોમાં રજા રહેશે. આ દરમિયાન શિક્ષણ કાર્ય ઑનલાઈન કરવામાં આવશે. વાસ્તવમાં, મહંત નરેન્દ્ર ગિરીના શબનુ પોસ્ટમૉર્ટમ થયા બાદ બપોરે 12 વાગે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
મહંત નરેન્દ્ર ગિરીની સમાધિ તેમના ગુરુની સમાધિ પાસે જ રાખવામાં આવશે. આ ઈચ્છા ખુદ નરેન્દ્ર ગિરીએ પોતાની સુસાઈડ નોટમાં વ્યક્ત કરી હતી. એટલુ જ નહિ, મહંત નરેન્દ્ર ગિરીએ સુસાઈડ નોટમાં પોતાના ઉત્તરાધિકારી તરીકે સંત બલબીર ગિરીનુ નામ લખ્યુ હતુ. મહંત નરેન્દ્ર ગિરીએ લખ્યુ કે પ્રિય બલવીર ગિરી, મઠ મંદિરની વ્યવસ્થાનો પ્રયત્ન કરજે, જે રીતે હું કરતો હતો. સાથે જ તેમણે પોતાના અમુક શિષ્યોનુ ધ્યાન રાખવાની પણ વાત કહી. આ સાથે તેમણે મહંત હરી ગોવિંદ પુરી માટ તેમણે લખ્યુ કે તમને નિવેદન છે કે મઢીના સંત બલવીર ગિરીને જ બનાવજો. સાથે જ મહંત રવિન્દ્ર પુરી માટે તેમણે લખ્યુ કે તમે હંમેશા સાથ આપ્યો, મારા મર્યા બાદ પણ મઠના ગૌરવને જાળવી રાખજો.
ડૉક્ટરોના નામ રાખવામાં આવશે ગુપ્ત, વીડિયોગ્રાફી પણ કરાવાશે
તમને જણાવી દઈએ કે મહંતના શબનુ પોસ્ટમૉર્ટમ કરનાર બધા ડૉક્ટરોના નામ અધિકારીઓ સિવાય કોઈને જણાવવામાં નહિ આવે. ફરજ પર 20 ડૉક્ટરોને સવારે આઠ વાગે બોલાવવામાં આવ્યા છે પરંતુ પોસ્ટમૉર્ટમમાં કયા ડૉક્ટરો શામેલ છે તે કોઈને જણાવવામાં આવ્યુ નથી. અધિકારીઓએ નક્કી કર્યુ છે કે આ હાઈ પ્રોફાઈલ કેસમાં પોસ્ટમૉર્ટમ દરમિયાન દરેક ક્ષણની વીડિયોગ્રાફી કરાવવામાં આવશે. સ્થળ પર જ રિપોર્ટ સીલ થશે. સીએમઓ ડૉ. નાનક સરને પોસ્ટમૉર્ટમની તૈયારીઓ બાબતે કંઈ બોલવાનો ઈનકાર કર્યો. તેમણે જણાવ્યુ કે હાલમાં સવારે દસ વાગે પોસ્ટમૉર્ટમનો સમય નિર્ધારિત છે જેમાં મઠના કાર્યક્રમના કારણે ફેરફાર થઈ શકે છે.