મહારાષ્ટ્ર : કોરોનાની ત્રીજી તરંગની સંભાવના અંગે મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું છે કે, જો રાજ્યમાં રોગચાળાની નવી લહેર આવે છે, તો તે તેનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. જો કે, કોરોના વાયરસના 'ડેલ્ટા પ્લસ' વેરિઅન્ટના વધતા જતા કેસને કારણે રાજ્ય સરકારની ચિંતા વધી છે. મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 27 નવા કેસ મળી આવ્યા છે, ત્યારબાદ આ વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 103 થઈ ગઈ છે.
આ 27 નવા કેસમાંથ ગઢચિરોલી અને અમરાવતીમાં 6 કેસ, 5 કેસ નાગપુરમાં, 4 કેસ અહમદનગરમાં, 3 કેસ યવતમાલમાં, 2 કેસ નાસિકમાં અને ભંડારા જિલ્લામાં એક કેસ મળી આવ્યો છે.
આ અગાઉ રવિવારના રોજ જાહેર કરવામાં આવેલી અખબારી યાદીમાં BMCએ જણાવ્યું હતું કે, મુંબઇમાં રિપોર્ટ માટે મોકલવામાં આવેલા 188 સેમ્પલમાંથી 128ની અંદર ડેલ્ટા વેરિએન્ટ મળી આવ્યું છે. આલ્ફા વેરિએન્ટના 2 કેસ અને કપ્પા વેરિએન્ટના 24 કેસ પણ મળી આવ્યા છે. કોરોનાનું ડેલ્ટા વેરિઅન્ટ દેશમાં કોરોના વાયરસની બીજી લહેર માટે જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
કસ્તુરબા હોસ્પિટલમાં જીનોમ સિક્વન્સીંગ લેબની સ્થાપના
BMC એ ચિંચપોકલી વિસ્તારમાં આવેલી કસ્તુરબા હોસ્પિટલમાં નવી જીનોમ સિક્વન્સિંગ લેબની સ્થાપના કરી છે. 4 ઓગસ્ટના રોજ આ લેબના ઉદ્ઘાટન બાદ BMC એ પ્રથમ વખત અહીં કોરોના સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ કર્યું છે. BMC અનુસાર આ લેબમાં એક સમયે 384 સેમ્પલના રિપોર્ટ કરી શકાય છે અને તે સેમ્પલનું પરિણામ ચાર દિવસમાં આપી શકાય છે.
મુંબઈમાં કોરોનાના 225 નવા કેસ નોંધાયા
ઉલ્લેખનીય છે કે, સોમવારના રોજ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 3,643 નવા કેસ મળી આવ્યા હતા, જેમાંથી 225 દર્દીઓ મુંબઈમાં નોંધાયા હતા. મુંબઈમાં કોરોનાને કારણે 4 લોકોના મોત પણ થયા હતા. મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ સોમવારના રોજ નિવેદન આપ્યું હતું કે, રાજ્ય સરકાર કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.