નવી દિલ્લીઃ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી તેમજ રાજસ્થાન અને હિમાચલ પ્રદેશના પૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહના અંતિમ સંસ્કાર આજે બુલંદશહર જનપદના નરોરા સ્થિત ગંગા કિનારે બાંસી ઘાટ પર કરવામાં આવશે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો પણ અંતિમ સંસ્કારમાં શામેલ થવાની સંભાવના છે.
અતરોલીથી પાર્થિવ શરીરને બુલંદશહરના નરોરામાં સ્થિત બચ્ચા પાર્કમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે જ્યાં સ્થાનિક અને બહારથી આવતા લોકો શ્રધ્ધાંજલિ અર્પણ કરી શકશે ત્યારબાદ બાંસી ઘાટ પર અંતિમ સંસ્કારની તૈયારી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે કલ્યાણ સિંહની અંતિમ યાત્રામાં યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, સીએમ યોગી અને ભાજપના દિગ્ગજ નેતાઉમા ભારતી શામેલ થશે. વીવીઆઈપી માટે ચાર હેલીપેડ બનાવવામાં આવ્યા છે.
કલ્યાણસિંહની અંતિમ યાત્રા સવારે 9 વાગે અલીગઢ અહલ્યાબાઈ હોલકર સ્ટેડિયમથી નીકળશે. ત્યારબાદ બુલંદશહરના નરોરા રાજ ઘાટ સુધી 2 વાગ્યા સુધી પહોંચશે. બપોરે 2 વાગે નરોરામાં ગંગા ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આજે ઉત્તર પ્રદેશમાં શાળા અને કોલેજો બંધ છે. રાજ્યભરમાં એક દિવસની રજાનુ એલાન કરવામાં આવ્યુ છે.
બુલંદશહરના નરોરામાં પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહના અંતિમ સંસ્કાર માટે 25 કિલો ચંદનની લાકડાના વ્યવસ્થા કરવામાં આવી છે. આર્ય સમાજના 11 આચાર્ય અંતિમ સંસ્કાર વૈદિક રીતિ રિવાજથી સંપન્ન કરાવશે. ચંદન, પીપળા અને કેરીના લાકડાનો ઉપયોગ કરવામાં આવશે.