વોશિંગ્ટન : તાલિબાનોએ રાજધાની કાબુલ સહિત દેશનો મોટાભાગનો ભાગ કબ્જે કર્યો છે. યુએસ અને કેટલાક યુરોપિયન દેશોએ તાજેતરની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકાના રિપબ્લિકન સાંસદ સ્ટીવ ચાબોટે આ સ્થિતિ માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું છે. સ્ટીવ ચાબોટે આરોપ લગાવ્યો છે કે, અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જામાં પાકિસ્તાન અને તેની ગુપ્તચર સંસ્થાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
અફઘાન લોકો પાસે તાલિબાન શાસનથી ડરવાના વાજબી કારણો છે
રિપબ્લિકન સાંસદ સ્ટીવ ચાબોટે જણાવ્યું હતું કે, ઇસ્લામાબાદને અફઘાનિસ્તાનના લોકો માટે અસહનીય ક્રૂરતા લાવનારા સંગઠનની જીતનો જશ્ન મનાવતો જોવો ઘૃણાસ્પદ છે. રવિવારના રોજ 'હિન્દુ પોલિટિકલ એક્શન કમિટી'ના ઓનલાઈન કાર્યક્રમમાં' ઈન્ડિયા કોકસ'ના સહ અધ્યક્ષ ચાબોટે અફઘાનિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓને આવકારવાના ભારતના પગલાની પ્રશંસા કરી હતી, જેમની પાસે તાલિબાન શાસનથી ડરવાના વાજબી કારણો છે.
પાકિસ્તાને અફઘાન પર કબ્જો કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી
અમેરિકી સાંસદે આગળ જણાવ્યું કે, તેનાથી વિપરીત આપણે બધા જાણીએ છીએ કે, પાકિસ્તાન અને ખાસ કરીને તેની ગુપ્તચર સંસ્થા ISI એ તાલિબાનના પગ ફેલાવવા અને દેશ પર કબ્જો કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. પાકિસ્તાન દ્વારા ધાર્મિક લઘુમતીઓ પર અત્યાચાર ગુજારવામાં આવે છે. જો આપણે આપણા સાથી નાગરિકોને આ દુરુપયોગ વિશે જાણ કરીએ તો તે વધુ સારું રહેશે. અપહરણ, બળજબરીથી ધર્માંતરણ અને સગીર હિન્દુ છોકરીઓના વૃદ્ધ મુસ્લિમ પુરુષો સાથે બળજબરીથી લગ્ન કરવાની ઘૃણાસ્પદ પ્રથા આવા દમનને પ્રકાશિત કરે છે. આ આક્ષેપો માત્ર અફવા નથી, તેમાં વાસ્તવિકતા છે.
અમેરિકન સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે
રિપબ્લિકન સાંસદ એ જણાવ્યું હતું કે, મુખ્ય સમાચાર સંસ્થાઓ અને માનવાધિકાર જૂથોએ આ પ્રથાઓનો ખુલાસો કર્યો છે, જેમાં છોકરીઓને કિશોરાવસ્થામાં તેમના પરિવારથી અલગ કરીને લગ્નની ફરજ પાડવાની હૃદયસ્પર્શી વાતોનો સમાવેશ થાય છે. આ સતામણીઓ ઘણીવાર અવગણવામાં આવે છે. અમેરિકામાં લગભગ છ મિલિયન હિન્દુઓ છે અને હિન્દુઓ નિર્વિવાદપણે દેશભરના સમાજનો અભિન્ન ભાગ છે. હિન્દુઓ મજબૂત કાર્ય નીતિ અને ઉચ્ચ શિક્ષણ મેળવીને અમેરિકન સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ ગુણો હિંદુઓને દેશભરના સમુદાયોમાં મહત્વની ભૂમિકા ભજવવા દે છે અને તેમને તે સમુદાયોને ઘણી રીતે મદદ પણ કરે છે.
આ પહેલા US પ્રસિડેન્ટ બાઇડને દોષનો ટોપલો અસરફ ગની પર ઢોળ્યો હતો
વ્હાઈટ હાઉસમાંથી પોતાના સંબોધનમાં બાઇડને કહ્યું કે, તેમણે અશરફ ગની જેને અમેરિકા સાથે વાટાઘાટ કરાયેલા કરારમાં અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા તેમને અમેરિકન દળો દેશ છોડે પછી તાલિબાન સાથે ગૃહયુદ્ધ લડવા માટે તૈયાર રહેવાની ચેતવણી આપી હતી, પણ તેમને કોઇપણ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
તાલિબાન સરકાર બનાવવાની તૈયારીમાં છે, ટૂંક સમયમાં જાહેરાત કરશે
કાબુલ : સ્વતંત્રતા દિવસ નિમિત્તે જ્યારે ભારતમાં આઝાદીની ઉજવણી કરવામાં આવી રહી હતી, તે જ સમયે તાલિબાને અફઘાનિસ્તાન પર પોતાનો કબ્જો જાહેર કર્યો હતો. ભારત માટે રાજદ્વારી રીતે સૌથી મહત્ત્વના દેશ અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબ્જા બાદ માત્ર ભારત જ નહીં, પરંતુ અન્ય ઘણા દેશોની ચિંતા વધી છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે, તાલિબાન ટૂંક સમયમાં અફઘાનિસ્તાનમાં નવી સરકારની રચનાની જાહેરાત કરી શકે છે. ભૂતકાળમાં એક પત્રકાર પરિષદમાં તાલિબાનને વૈશ્વિક શક્તિઓ દ્વારા તેમની સરકારને માન્યતા આપવા માટે કહેવામાં આવ્યું હતું.
તાલિબાને ચીન પાસેથી મદદ માગી છે
તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીને ચીનના સરકારી મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ચીને અફઘાનિસ્તાનમાં શાંતિ અને સમાધાનને પ્રોત્સાહન આપવા માટે રચનાત્મક ભૂમિકા ભજવી છે અને દેશના પુનઃનિર્માણમાં યોગદાન આપવા માટે આવકાર્ય છે અને અફઘાનિસ્તાનમાં ચીનનું હાર્દિક સ્વાગત છે. તાલિબાન માને છે કે, અફઘાનિસ્તાનના પુનઃનિર્માણમાં ચીન ખૂબ મોટી ભૂમિકા ભજવી શકે છે. યુએસ પ્રતિબંધોથી ચીન પ્રભાવિત થશે નહીં.
અફઘાનિસ્તાનમાં લોકશાહીનો કોઈને કોઇ સ્થાન નથી
ઈન્ટરવ્યુમાં તાલિબાનના વરિષ્ઠ નેતા વહીદ ઉલ્લાહ હાશ્મીએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાન પર હવે કાઉન્સિલ દ્વારા શાસન થઈ શકે છે, જ્યારે ઈસ્લામિક જૂથના સર્વોચ્ચ નેતા હેબતોલ્લા અખુંદઝાદા કાઉન્સિલનું નેતૃત્વ કરશે. તાલિબાન અફઘાનિસ્તાનને કેવી રીતે ચલાવશે, તે મુદ્દો હજૂ સુધી ફાઈનલ થયો નથી. અમે અફઘાનિસ્તાનમાં કઈ પ્રકારની રાજકીય વ્યવસ્થા લાગુ કરવી જોઈએ તેની ચર્ચા નહીં કરીએ કારણ કે, તે સ્પષ્ટ છે કે ત્યાં માત્ર શરિયા કાયદો જ કામ કરશે. અફઘાનિસ્તાનમાં લોકશાહીનો કોઈને કોઇ સ્થાન નથી.