છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના વાયરસના દૈનિક કેસોમાં ઘટાડા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની દેખરેખ હેઠળ રચાયેલી એક નિષ્ણાત સમિતિએ ચેતવણી આપી છે કે આવતા મહિને કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. આ સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ત્રીજી લહેરમાં દરરોજ 4 થી 5 લાખ કેસ આવી શકે છે. આ દરમિયાન બાયોટેકનોલોજી વિભાગનું નવું સંશોધન પણ સામે આવ્યું છે. આ સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે તેના ડેલ્ટા અને આલ્ફા વેરિએન્ટ ભારતમાં અત્યાર સુધી મળી આવેલા કોરોના વાયરસના તમામ કેસો માટે જવાબદાર છે. સંશોધન મુજબ દેશમાં અત્યાર સુધી વાયરસનું આ સિવાય કોઈ નવું સ્ટ્રેન નોંધાયુ નથી.
આ અંગે વધુ માહિતી આપતા બાયોટેકનોલોજી વિભાગના સચિવ રેણુ સ્વરૂપે જણાવ્યું હતું કે, ડેલ્ટા અને આલ્ફા સિવાય દેશમાં જોવા મળતા તમામ કેસોની સિક્વન્સિંગમાં અત્યાર સુધી કોરોનાના કોઈ નવા પ્રકાર જોવા મળ્યા નથી. વાયરસ વ્યક્તિને ત્યારે સંક્રમિત કરે છે જ્યારે રસી અથવા કુદરતી ઈમ્યૂનિટી કવચ તૂટી જાય છે. જો કે, રસીના કારણે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાથી અને મૃત્યુ સામે રક્ષણ આપવામાં તેની અસરકારકતા દર્શાવી છે.
તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિએન્ટે સમગ્ર વિશ્વમાં ભયંકર હોબાળો મચાવ્યો છે. ભારતમાં કેરળમાં આના કેસો સૌથી વધુ છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થયો છે અને સોમવારે નવા કેસોની સંખ્યા 30 હજારથી ઓછી નોંધાઈ છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 25,072 નવા કેસ મળી આવ્યા છે, જે છેલ્લા 160 દિવસોમાં સૌથી ઓછા છે. આ સિવાય એ પણ રાહતની વાત છે કે કોરોના દર્દીઓનો રિકવરી રેટ હવે વધીને 97.63 ટકા થયો છે.