રાજધાની દિલ્હીમાં સ્વતંત્રતા દિવસ પહેલા જંતર -મંતર પર ચોક્કસ સમુદાય વિરુદ્ધ ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ કેસમાં દિલ્હી ભાજપના પૂર્વ પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાય સહિત 6 લોકોની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી હતી. શુક્રવારે દિલ્હી પોલીસે આ કેસમાં વધુ એક ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે હિન્દુ સેનાના પ્રમુખ સુશીલ તિવારીની જંતર-મંતર સૂત્રોચ્ચાર કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
દિલ્હી પોલીસે આ મામલાની નોંધ લીધી ત્યારથી સુશીલ તિવારી ફરાર હતો. મીડિયા અહેવાલો અનુસાર, શુક્રવારે મોડી રાત્રે લખનઉથી તેની ધરપકડ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, દિલ્હી પોલીસ જંતર-મંતર પર ટોળા દ્વારા મુસ્લિમ વિરોધી અને ઉશ્કેરણીજનક સૂત્રો સામે કાર્યવાહી કરવાના મૂડમાં છે. અત્યાર સુધી આ કેસ સાથે જોડાયેલી ઘણી રાજકીય અને મોટી હસ્તીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓમાં વિનોદ શર્મા, દીપક સિંહ, દીપક, વિનીત ક્રાંતિ, પ્રીત સિંહનો સમાવેશ થાય છે.
પોતાની સ્પષ્ટતામાં એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે જ્યારે હું જંતર-મંતર પર હતો ત્યારે કોઈ પણ પ્રકારના સૂત્રોચ્ચાર નહોતા થયા, જે વિશે વાત કરવામાં આવી રહી છે તેના વિશે મને કંઈ ખબર નથી. તેમણે પોલીસને પણ આ સૂત્રોચ્ચાર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં 8 ઓગસ્ટ રવિવારે દિલ્હીના જંતર-મંતર વિસ્તારમાં કેટલાક લોકોએ મુસ્લિમ વિરોધી નારા લગાવ્યા હતા, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સૂત્રો સેવ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં લગાવવામાં આવ્યા હતા. તે કાર્યક્રમમાં દિલ્હી ભાજપના પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાય પણ હાજર હતા.