કોરોના મહામારીની બીજી લહેરમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટનો આતંક જોવા મળ્યો હતો. જો કે, વિશ્વમાંથી ડેલ્ટા વેરિએન્ટ્સનો ખતરો હજી સમાપ્ત થયો નથી. ડેલ્ટા વેરિએન્ટ હજુ પણ ઘણા દેશોમાં તેની અસર બતાવી રહ્યું છે. આ સિવાય, ડેલ્ટા વેરિએન્ટ વિશે ઘણા ચોંકાવનારા અભ્યાસ પણ બહાર આવી રહ્યા છે. આ દરમિયાન ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોરોનાના ડેલ્ટા વેરિએન્ટમાં રસી અને બિન-રસીવાળા લોકોને સંક્રમિત કરવાની ક્ષમતા છે.
તમને જણાવી દઈએ કે આ અભ્યાસ ચેન્નાઈમાં કરવામાં આવ્યો છે. અભ્યાસના પરિણામો અનુસાર ડેલ્ટા વેરિએન્ટમાં સંભાવના છે કે તે એવા લોકોને સંક્રમિત કરી શકે છે જેમણે રસી લીધી છે અને જેઓ રસી વગર છે. જો કે, રસીકરણ કરાયેલા લોકોમાં ચેપ લાગ્યા પછી મૃત્યુનું જોખમ ઘણું ઓછું છે. જે લોકોએ રસી નથી લીધી તેમને ડેલ્ટા વેરિઅન્ટથી મૃત્યુનું જોખમ વધારે છે.
આ અભ્યાસ ICMR-National Institute of Epidemiology, Chennai દ્વારા કરવામાં આવ્યો હતો અને 17 ઓગસ્ટના રોજ જર્નલમાં પ્રકાશિત થયો હતો. આ અભ્યાસમાં સામેલ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ એપીડેમીયોલોજીના વૈજ્ઞાનિક જેરોમ થંગારાજે જણાવ્યું હતું કે નમૂનાનું કદ ઘણું નાનું હોવાથી તેમાં પુનસંક્રમણનો સમાવેશ કરાયો ન હતો. આવા કેસની સંખ્યા પણ ખૂબ ઓછી હતી અને રસીકરણ પછી લોકોને ચેપ લાગ્યો હતો કે કેમ તે પણ વર્ગીકૃત કરવામાં આવ્યું નથી.