કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તાજેતરમાં કરેલી જાહેરાતમાં જણાવ્યું હતું કે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 35,178 નવા પોઝિટિવ કેસ અને 440 લોકોના મોત નોંધાયા છે. બુધવારના રોજ સવારે 8 કલાક સુધીમાં ભારતનો સક્રિય કેસલોડ 3,69,846 થયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસમાં 12,101 નો ઘટાડો નોંધાયો છે, જે સારા સમાચાર છે.
દેશના પાંચ રાજ્યોમાં સૌથી વધુ કેસ નોંધાયા છે, તેમાં 21,613 કેસ સાથે કેરળ, ત્યારબાદ મહારાષ્ટ્ર 4,408 કેસ, તમિલનાડુ 1,804 કેસ, કર્ણાટક 1,298 કેસ અને આંધ્ર પ્રદેશ 1,063 કેસ સાથે છે. કોરોના સંક્રમણના 85.81 ટકા કેસ આ પાંચ રાજ્યોમાંથી નોંધાયા છે, જેમાં નવા કેસમાં 61.44 ટકા કેસ માત્ર કેરળમાંથી જ નોંધાયા છે.
વાયરલ ઇન્ફેક્શનના કારણે સૌથી વધુ જાનહાનિ કેરળમાં નોંધાઈ છે, જ્યા 127 લોકોના મોત થયા છે. જે બાદ મહારાષ્ટ્રમાં 116 લોકોના મોત થયા છે. આ સાથે ભારતનો રિકવરી રેટ 97.51 ટકા પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 36,830 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
સમગ્ર દેશમાં કુલ 3,14,48,754 લોકો કોરોના મુક્ત થયા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 88,13,919 ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે દેશમાં આપેલા ડોઝની કુલ સંખ્યા 55,47,30,609 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કુલ 17,97,559 કોરોના સેમ્પલના રિપોર્ટ કરવામાં આવ્યા હતા.