કોરોનામાં દેશના 135 કરોડ લોકોનો મોદી સરકારને કારણે બચાવ થયો - મંત્રી દેવૂસિંહ ચૌહાણ
ખેડા લોકસભા વિસ્તારના સાંસદ અને કેન્દ્ર સરકારમાં કમ્યુનિકેશન મંત્રાલયના રાજ્યમંત્રી દેવૂસિંહ ચૌહાણે કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકારને કારણે ભારત 135 કરોડ લોકોને કોરોનામાં બચાવવામાં સફળ રહ્યું.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર મંત્રી દેવૂસિંહ ચૌહાણે આ વાત બનાસકાંઠાના પાલનપુરમાં ભાજપની જનઆશીર્વાદ યાત્રાના કાર્યક્રમમાં કહી છે.
એમણે કહ્યું કે, "ખેડા અને આણંદ એનઆરઆઈ જિલ્લાઓ ગણાય છે. લોકો મને પૂછતા કે આપણને અકસ્માત જેવા પ્રસંગોમાં માણસને ઍરલિફ્ટ કરીને હૉસ્પિટલ પહોંચાડાય એવી અમેરિકા જેવી સુવિધા ક્યારે મળશે...મેં એમને કહ્યું એવી સગવડોની શું જરૂર છે જ્યારે મહામારીમાં એ દેશો થાકી ગયા અને ભારત એના 135 કરોડ લોકોનું રક્ષણ કરી શક્યું."
એમણે કહ્યું, "એવું નથી કે મહામારીમાં આપણે ત્યાં મૃત્યુ નથી થયાં અને આર્થિક નુકસાન નથી થયું પરંતું આ સરકારને કારણે આપણે લોકોને બચાવી શક્યા."
એમણે કહ્યું, "કોરોનાથી બચાવનો એક જ રસ્તો છે અને એ વૅક્સિન છે. પહેલાં કોલેરા અને મેલેરિયાની વૅક્સિન આવતા 10 વર્ષ લાગ્યા...કલ્પના કરો કે કોરોનાની રસી વર્ષ પછી આવત તો શું થાત....કોરોના ચેક કરવાની એક જ લૅબ હતી પૂણેમાં...આપણે સંસાધનો ઊભાં કરી ન ફક્ત પોતાના લોકોનો જીવ બચાવ્યો પણ અન્ય દેશોને પણ મદદ કરી."
- અફઘાનિસ્તામાં તાલિબાનના રાજનો ત્રીજો દિવસ, શું છે સ્થિતિ?
- અફઘાન લોકોની એ આશા જેનું તરણું ઝાલી તાલિબાન શક્તિશાળી બન્યું
- સુનંદા પુષ્કર મૃત્યુ કેસમાં શશી થરૂર નિર્દોષ
કોવિશિલ્ડ : ભારત અને આફ્રિકામાં નકલી કોરોના વૅક્સિન સામે આવી

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ભારત અને આફ્રિકામાં કોરોનાની પ્રાથમિક વૅક્સિન એવી કોવિશિલ્ડની નકલી વૅક્સિન સામે આવી હોવાનું કહ્યું છે અને આ મામલે ચેતવણી આપી છે.
બીબીસી સંવાદદાતા ઝોયા મતીનના અહેવાલ અનુસાર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે તેમણે ભારતની પ્રાથમિક કોરોના વૅક્સિન કોવિશિલ્ડના નકલી ડોઝની ઓળખ કરી છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે ભારત અને આફ્રિકામાં તંત્રે જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં આવી નકલી વૅક્સિનનો જથ્થો જપ્ત કર્યો હતો.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે કોવિશિલ્ડની ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટે પણ ડોઝ નકલી હોવાની પુષ્ટિ કરી છે.
ઉલ્લેખનીય છે કે આ મામલે ભારત સરકારે હજી સુધી કોઈ અધિકૃત નિવેદન આપ્યું નથી પરંતુ આરોગ્ય વિભાગ આ મામલે તપાસ કરી રહ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે, નકલી કોરોના વૅક્સિન વૈશ્વિક આરોગ્ય સામે મોટો ખતરો સાબિત થઈ શકે છે.
https://www.youtube.com/watch?v=q9gkNEQw0Gk
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો