કોરોના વાયરસની ત્રીજી લહેરની આશંકા વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. બાળકો માટે સ્વદેશી કોવિડ-19 રસી સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં આવી શકે છે. ICMR-NIV ડિરેક્ટર પ્રિયા અબ્રાહમે 2 થી 18 વર્ષના બાળકો માટે રસીના ફેઝ-2 અને ફેઝ-3 ટ્રાયલ વચ્ચે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર સુધીમાં બાળકો માટે સ્વદેશી કોરોના રસી આવી શકે છે.
ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની ઓટીટી ચેનલ ઈન્ડિયા સાયન્સને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રિયાએ જણાવ્યું હતું કે, અપેક્ષા છે કે ટ્રાયલનાં પરિણામો બહુ જલ્દી ઉપલબ્ધ થશે. જે નિયમનકારો સમક્ષ રજૂ કરવામાં આવશે. સપ્ટેમ્બર સુધીમાં અથવા તે પછી, અમારી પાસે બાળકો માટે કોવિડ-19 રસીઓ ઉપલબ્ધ હોઈ શકે છે.
અગાઉ, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલ્લાએ કહ્યું હતું કે ઓક્ટોબરના પહેલા સપ્તાહ સુધીમાં ભારતમાં સીરમની કોવોવેક્સ લોન્ચ થશે. આ રસી ભારતમાં 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે હશે. તેમણે આગળ કહ્યું કે આવતા વર્ષે એટલે કે 2022 ના પહેલા ક્વાર્ટરમાં 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પણ રસી લોન્ચ કરવામાં આવશે. આ સાથે ભારતમાં બાળકો માટે ઝાયડસ કેડિલાની બીજી રસી પણ ઉપલબ્ધ થઈ શકે છે.
રસીના બૂસ્ટર અંગેના એક સવાલ પર તેમણે કહ્યું કે બૂસ્ટર ડોઝ પર અભ્યાસ વિદેશમાં ચાલી રહ્યો છે અને આ માટે ઓછામાં ઓછી સાત અલગ અલગ રસી અજમાવવામાં આવી છે. હવે, ડબ્લ્યુએચઓએ મોટા ભાગના દેશોમાં રસીકરણ ન થાય ત્યાં સુધી તેને રોકી રાખ્યું છે. આનું કારણ એ છે કે ઉચ્ચ આવક અને ઓછી આવક ધરાવતા દેશો વચ્ચે રસીકરણમાં મોટુ અંતર છે. જો કે બુસ્ટર માટે ભલામણો ભવિષ્યમાં ચોક્કસપણે આવશે.
રસીના મિશ્રણ વિશે પ્રિયા અબ્રાહમે કહ્યું કે વિવિધ કોવિડ-19 રસીઓના મિશ્રણમાં સલામતીની કોઈ ચિંતા નથી. એવી સ્થિતિ પણ હતી જેમાં બે અલગ અલગ રસીના અજાણતા ડોઝ આપવામાં આવ્યા હોય. અમે NIV (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી) માં તે નમૂનાઓનું પરીક્ષણ કર્યું અને જાણવા મળ્યું કે જે દર્દીઓને અલગ અલગ રસીના બે ડોઝ મળ્યા છે તે સુરક્ષિત છે. કોઈ પ્રતિકૂળ અસરો જોવા મળી ન હતી, અને રોગપ્રતિકારક શક્તિ પણ થોડી સારી હતી.