તહરીક એ તાલિબાન કમાન્ડર્સને અફઘાન જેલમાંથી મુક્ત કરાયા, ફકીર મોહમ્મદની આઝાદીને કારણે પાકિસ્તાનની ઉંઘ હરામ

|

પાકિસ્તાન સતત તાલિબાનને સમર્થન કરી રહ્યું છે. સોમવારના રોજ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સ્પષ્ટપણે કહ્યું હતું કે, તાલિબાને ગુલામીની બેડીઓ તોડી નાખી છે, જે બાદ પણ તાલિબાનોએ ઈમરાન ખાનની ચિંતામાં વધારો કર્યો છે, જેના પડધા ઇસ્લામાબાદમાં પડી રહ્યા છે. પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો છે કે, પાકિસ્તાનની શાંતિના સૌથી મોટા દુશ્મન ફકીર મોહમ્મદને તાલિબાન દ્વારા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ફકીર મોહમ્મદ તે વ્યક્તિ છે, જેનું નામથી પાકિસ્તાન થરથર કાંપી ઉઠે છે. ફકીર મોહમ્મદ પાકિસ્તાનમાં થયેલા ઘણા બોમ્બ વિસ્ફોટોનો મુખ્ય આરોપી છે.

ફકીર મોહમ્મદ જેલમાંથી મુક્ત થયો

પાકિસ્તાની ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ તાલિબાને રાજધાની કાબુલ પર કબ્જો કર્યો કે, તરત જ તહરીક એ તાલિબાન પાકિસ્તાનના ઘણા નેતાઓને મુક્ત કરવામાં આવ્યા છે. જેમાં ફકીર મોહમ્મદનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાન ફકીર મોહમ્મદને આતંકવાદી માને છે. ઉલ્લેખનીય છે કે, તહરીક એ તાલિબાન પાકિસ્તાનને પાકિસ્તાન સરકાર દ્વારા આતંકવાદી સંગઠન ગણાવવામાં આવ્યું છે. આ સંગઠન પર પાકિસ્તાનમાં ડઝનેક ભયાનક બોમ્બ વિસ્ફોટો કરવાનો આરોપ છે. તાલિબાન દ્વારા કાબુલ કબ્જે કર્યા બાદ તહરીક એ તાલિબાન પાકિસ્તાનના ઘણા અગ્રણી નેતાઓ અને અફઘાન તાલિબાનના અગ્રણી કમાન્ડર્સને અફઘાનિસ્તાનની જેલોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, જે પાકિસ્તાન માટે મોટો ખતરો છે.

Former TTP Deputy & senior Pakistani Taliban Commander Maulvi Faqir Muhammad among hundreds other prisoners freed by Taliban in Afghanistan. His release was confirmed via statement by TTP Spok. Faqir publicly stated that he has close ties to Al Qaeda Chief Ayman al Zawahiri pic.twitter.com/lV45KY19p5

— Saleem Mehsud (@SaleemMehsud) August 16, 2021

પાકિસ્તાન ફકીર મોહમ્મદથી કેમ ડરે છે?

અફઘાનિસ્તાન જેલમાંથી ફકીર મોહમ્મદનું બહાર આવવું પાકિસ્તાન માટે મોટું જોખમ સાબિત છે. ટીટીપીના ભૂતપૂર્વ નાયબ વડા મૌલાના ફકીર મોહમ્મદ તાલિબાન દ્વારા મુક્ત કરાયેલા આતંકવાદીઓના સૌથી મોટા નામોમાંથી એક છે. હાલ તેના વિવિધ વીડિયો અને ચિત્રો સોશિયલ મીડિયાપર વાયરલ થઈ રહ્યા છે. ટીટીપીના પ્રવક્તાએ એક નિવેદનમાં તેની મુક્તિની પુષ્ટિ કરી છે. ફકીરે જાહેરમાં જણાવ્યું છે કે, તેના અલ કાયદાના વડા આયમાન અલ જવાહિરી સાથે ગાઢ સંબંધો છે. આ અગાઉ એપ્રિલમાં અફઘાન સરકારે જાહેરાત કરી હતી કે, તે મૌલવી ફકીરને મુક્ત કરી રહી છે. જો કે ફકીર મોહમ્મદને તે સમયે છોડવામાં આવ્યો ન હતો.

પાકિસ્તાનના ઘણા 'દુશ્મનો' જેલમાંથી મુક્ત થયા

તાલિબાન દ્વારા છોડવામાં આવેલા અન્ય મુખ્ય કમાન્ડર્સમાં બૈતુલ્લાહ મહેસુદનો ડ્રાઈવર કમાન્ડર ઝાલી, વકાસ મહેસુદ, હમઝા મહેસુદ, જરકવી મહેસુદ, જૈતુલ્લા મહેસુદ, કારી હમીદુલ્લા મહેસુદ, ડો હમીદ મહેસુદ અને મઝહર મહેસુદનો સમાવેશ થાય છે. તે તમામ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના છે. આ અગાઉ પત્રકાર અનીસ ઉર રહેમાને એક ટ્વીટમાં દાવો કર્યો હતો કે, અફઘાન તાલિબાને અત્યાર સુધીમાં વઝિરિસ્તાન, સરગોધા, સ્વાત અને બાજૌરના લગભગ 2300 મુખ્ય ટીટીપી કમાન્ડર્સ અને નેતાઓને મુક્ત કર્યા છે.

મૌલવી ફકીર મોહમ્મદ કોણ છે?

તહરીક એ તાલિબાનના ભૂતપૂર્વ નાયબ વડા મૌલાના ફકીર મોહમ્મદને તેના સાથીઓ સાથે વર્ષ 2013માં અફઘાનિસ્તાન પ્રાંત કુનારથી ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેમને વર્ષ 2018માં બાગરામ જેલમાં ખસેવામાં આવ્યા હતા. ફકીર મોહમ્મદ અને અન્ય 200 પાકિસ્તાની અને અફઘાન તાલિબાન કેદીઓને અમેરિકાની પૂર્વ જેલમાં રાખવામાં આવેલી એક જ બેરેકમાં રાખવામાં આવ્યા હતા. મૌલવી ફકીર મોહમ્મદ બાજૌર એજન્સીમાં પ્રતિબંધિત સંગઠનોના અગ્રણી કમાન્ડર તરીકે જાણીતા હતા, પરંતુ આદિવાસી વિસ્તારોમાં અલ કાયદા અને અન્ય વિદેશી લડવૈયાઓની મજબૂત હાજરી હતી. અલ કાયદાના વર્તમાન વડા ડો આયમાન અલ જવાહિરી તેમના ઘરે મહેમાન તરીકે આવતા હતા. આથી જ ફકીર મોહમ્મદ પર આરબ લડવૈયાઓ સાથે ગાઢ સંબંધ હોવાનો આરોપ લાગ્યો છે.

તહરીક એ તાલિબાન પાકિસ્તાન શું છે?

તહરીક એ તાલિબાન પાકિસ્તાનને પાકિસ્તાની તાલિબાન પણ કહેવામાં આવે છે અને તે હંમેશા પાકિસ્તાન માટે માથાનો દુઃખાવો રહ્યો છે. પાકિસ્તાનની સરકારોએ અફઘાન તાલિબાનને 'ગુડ તાલિબાન' અને પાકિસ્તાન તાલિબાનને 'બેડ તાલિબાન' તરીકે ઓળખાવ્યા છે. જ્યારે તમામ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, અફઘાન તાલિબાન અને પાકિસ્તાન તાલિબાન બંને એક જ છે, માત્ર બંનેના નામ અલગ છે. 2300 પાકિસ્તાની તાલિબાન આતંકવાદીઓની મુક્તિ બાદ આ વસ્તુ પર પણ મહોર લાગી છે. પાકિસ્તાને પોતાના હિતમાં અફઘાન તાલિબાનને પ્રોત્સાહન આપ્યું હતું, જેના કારણે પાકિસ્તાન તાલિબાન પણ ખીલી ઉઠ્યું હતું. આ આતંકવાદી સંગઠન પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર ખૂબ જ સક્રિય છે અને આ સંગઠનની વિચારધારા અફઘાન તાલિબાન જેવી છે.

પાકિસ્તાનમાં શરિયત કાયદો લાગુ કરવાની ઇચ્છા

પાકિસ્તાન તાલિબાન અથવા તહરીક એ તાલિબાન પાકિસ્તાન અફઘાન તાલિબાનની તરફેણમાં પાકિસ્તાનમાં શરિયત કાયદો લાગુ કરવા માંગે છે. જ્યારે પાકિસ્તાનમાં સામાન્ય કાયદો છે. આ સંગઠને મલાલા યુસુફઝઈ પર જીવલેણ હુમલો કર્યો હતો અને આ સંગઠન કેટલું ખતરનાક છે, તેનો અંદાજ તમે એ હકીકત પરથી લગાવી શકો છો કે, તે બાળકો પર પણ હુમલો કરે છે. શાળાઓને નિશાન બનાવે છે. તેની સ્થાપના ડિસેમ્બર 2007માં કરવામાં આવી હતી અને તે પહેલા તેનું અલગ નામ હતું.

બાયતુલ્લાહ મહેસુદના નેતૃત્વમાં 13 આતંકવાદી સંગઠનોએ મળીને આ સંગઠનની રચના કરી હતી. જેનો હેતુ પાકિસ્તાનમાં શરિયત કાયદાનો અમલ કરવાનો છે અને પાકિસ્તાનને શરિયત આધારિત અમીરાત બનાવવા માંગે છે. તેમને પાકિસ્તાનમાંથી લોકશાહી વ્યવસ્થાનો નાશ કરવા માગે છે. 61 ડિસેમ્બર, 2014ના રોજ પાકિસ્તાનના પેશાવરમાં એક સૈનિક શાળા પર પાકિસ્તાન તાલિબાનોએ હુમલો કર્યો હતો, જેમાં તહરીક એ તાલિબાન પાકિસ્તાનના 6 આતંકવાદીઓએ શાળાની અંદર 126 બાળકોની નિર્દયતાથી હત્યા કરી હતી.

MORE TALIBAN NEWS  

Read more about:
English summary
The Taliban have raised concerns among Pakistani Prime Minister Imran Khan. Pakistani media has claimed that Faqir Mohammad, Pakistan's greatest enemy of peace, has been released from prison by the Taliban.
Story first published: Tuesday, August 17, 2021, 14:54 [IST]