ઉઝબેકિસ્તાનની અંદર અફઘાન સૈન્યનું વિમાન ક્રેશ થયું. આ માહિતી મધ્ય એશિયાના દેશના સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. ઉઝબેકિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા બોખ્રોમ ઝુલ્ફિકારોવે સોમવારે એએફપી ન્યૂઝ એજન્સીને આ સમાચારની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું છે કે, 'લશ્કરી વિમાનોએ ઉઝબેકિસ્તાનની સરહદ ગેરકાયદેસર રીતે પાર કરી હતી. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.માધ્યમોના અહેવાલો અનુસાર, આ ઘટના રવિવારે દક્ષિણ પ્રાંતના સુરખોંડારિયોમાં બની હતી. જેની સરહદ અફઘાનિસ્તાન સાથે છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાન રવિવારે જ રાજધાની કાબુલ પહોંચી ગયું હતું. જે બાદ સરકારે તેમની સામે ઘૂંટણિયે પડી અને પછી શાંતિથી સત્તા સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો. પછી મોડી સાંજ સુધી સમાચાર આવ્યા કે રાષ્ટ્રપતિ અશરફ ગની અને ઘણા નેતાઓ દેશ છોડી ગયા છે. અશરફ ગની અગાઉ તજાકિસ્તાન પહોંચ્યા હતા પરંતુ તેમના વિમાનને અહીં ઉતરવાની મંજૂરી આપવામાં આવી ન હતી, ત્યારબાદ તેઓ હવે ઓમાનમાં છે. હવે ચર્ચા છે કે ગની અમેરિકા જઈ શકે છે.