હાલમાં દેશમાં કોરોના વાયરસના મહત્તમ કેસો કેરળથી આવી રહ્યા છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કેરળની મુલાકાતે પહોચ્યા હતા. મનસુખ માંડવિયા સાથે કેરળ નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના વડા ડો. સુજિત કે સિંહ અને કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ પણ હતા. અહીંથી મનસુખ માંડવિયા આરોગ્ય મંત્રીઓ સાથેની બેઠકમાં ભાગ લેવા આસામ જશે. સોમવારે મનસુખ માંડવિયાએ કોવલમમાં કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયન અને રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં મનસુખ માંડવિયાએ સીએમ પિનારાયી વિજયન પાસેથી જમીની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી.
મનસુખ માંડવિયા આજે એચએલએલ ત્રિવેન્દ્રમની કામગીરીની પણ સમીક્ષા કરશે. આ ઉપરાંત મનસુખ માંડવિયા સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલની પણ મુલાકાત લેશે. હાલ દેશના 51.5 ટકા કોરોના કેસ કેરળથી નોંધાઈ રહ્યા છે. કેરળનો પોઝિટિવિટી રેટ 13.97 ટકા છે.
હાલમાં કેરળમાં 1.80 લાખથી વધુ સક્રિય કેસ છે. એકલા કેરળમાં દેશમાં એક લાખથી વધુ સક્રિય કેસ છે. કેરળમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 18,499 લોકોનાં મોત નીપજ્યાં છે. કેરળના 11 જિલ્લામાંથી સૌથી વધુ કોરોના કેસ આવી રહ્યા છે.
મનસુખ માંડવિયા 17 ઓગસ્ટે આસામના ગુવાહાટીની મુલાકાત લેશે અને પૂર્વોત્તર રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે સમીક્ષા બેઠક કરશે. મેઘાલય અને મિઝોરમ એવા બે રાજ્યો છે, જ્યાંથી વધુ કોવિડ-19 કેસ આવી રહ્યા છે.