અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ દેશ છોડવા માટે કાબુલ એરપોર્ટ પર લોકો ભેગા થઈ રહ્યા છે. આ સ્થિતિમાં ભારત પણ તેના કર્મચારીઓ અને નાગરિકોને જલ્દીથી ત્યાંથી હટાવવાની તૈયારી કરી રહ્યું છે. આ સ્થિતિમાં સમાચાર આવી રહ્યા છે કે ભારત સરકારે એર ઇન્ડિયાને કાબુલમાંથી ઇમરજન્સી સ્થળાંતર માટે બે વિમાનોને સ્ટેન્ડબાય રાખવા આદેશ આપ્યો છે. એએનઆઈ અનુસાર, એર ઈન્ડિયાએ કાબુલથી નવી દિલ્હીમાં ઈમરજન્સી ઓપરેશન માટે એક ટીમ પણ તૈયાર કરી છે.
હવે એર ઇન્ડિયાની દિલ્હીથી કાબુલની ફ્લાઇટ રાત્રે 8:30 ને બદલે 12:30 કલાકે ઉપડશે. તમને જણાવી દઈએ કે રવિવારે પણ એર ઈન્ડિયાનું વિમાન કાબુલથી 129 મુસાફરો સાથે દિલ્હી પહોંચ્યું હતું. એર ઇન્ડિયા તરફથી કહેવામાં આવ્યું છે કે એરલાઇન્સ સરળતાથી ચાલી રહી છે અને મુસાફરોને લાવવામાં કોઇ સમસ્યા નથી.
અફઘાનિસ્તાન હવે તાલિબાનના કબજામાં છે. તાલિબાને રવિવારે રાજધાની કાબુલ પર પણ કબજો કર્યો હતો. તાલિબાનના ક્બ્જા બાદ રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડી ગયા છે. અફઘાનિસ્તાનમાં શરિયા કાયદાના અમલની જાહેરાત વચ્ચે તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે ભારત સાથે સારા સંબંધોની વાત કરી છે. તેમણે કહ્યું કે કોઈએ ડરવાની જરૂર નથી. અફઘાનિસ્તાનમાં ભારતના રાજદ્વારીઓ સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ પર આજે સવારે એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે અફઘાનિસ્તાનની કથળતી પરિસ્થિતિને જોતા અફઘાનિસ્તાન અને આંતરરાષ્ટ્રીય નાગરિકો જે અફઘાનિસ્તાન છોડવા માંગે છે તેમને દેશ છોડવાની છૂટ આપવી જોઈએ. રસ્તા, એરપોર્ટ, બોર્ડર ક્રોસિંગને ખુલ્લા રહેવા દેવા જોઈએ અને શાંતિ પુન:સ્થાપિત થવી જોઈએ. અફઘાન લોકોને સુરક્ષા, ગૌરવ અને આત્મસન્માન સાથે જીવવાનો અધિકાર છે. અમેરિકા તેમને મદદ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.