અફઘાનિસ્તાનમાં તાલિબાનને પૈસા ક્યાંથી મળે છે અને એમાં ડ્રગ્સની ભૂમિકા કેટલી?

By BBC News ગુજરાતી
|

અમેરિકા તથા નાટોદળોએ અફઘાનિસ્તાનમાંથી ઉચાળા ભરવાનું શરૂ કરી દીધું છે, જેની સીધી અસર તાલિબાનોના મનોબળ પર જોવા મળી રહી છે.

અફઘાનિસ્તાનમાં લગભગ 85 હજાર તાલિબાનો સક્રિય છે, જે 2001 પછીની સર્વોચ્ચ સંખ્યા છે.

એક અઠવાડિયામાં તાલિબાનોએ 34માંથી 12 પ્રાંતની રાજધાનીઓ તથા મહત્ત્વપૂર્ણ શહેરો પર કબજો કરી લીધો છે. આ શહેરોમાં કુંદૂઝનો પણ સમાવેશ થાય છે, જે ડ્ર્ગ્સની તસ્કરીનો મુખ્ય માર્ગ છે અને અહીંથી માલ યુરોપ સુધી પહોંચે છે.

તાજેતરની હિંસાને કારણે છેલ્લા છ મહિના દરમિયાન બે લાખ કરતાં વધુ અફઘાનીઓ બેઘર બન્યા છે. ગૃહયુદ્ધમાં સપડાયેલા અફઘાનિસ્તાન પર આપઘાત, રૉકેટ અને બૉમ્બ ઍટેક ઉપરાંત ડ્રગ્સનું જોખમ પણ તોળાઈ રહ્યું છે.

કાબુલના દિલમાંથી પસાર થતી કાબુલ નદીના કિનારે પુલ પાસે અથવા મોટી ગટરોમાં સેંકડોની સંખ્યામાં નશાખોરો જાહેરમાં પડ્યા હોય છે.


કુંદૂઝ કેમ મહત્ત્વનું છે?

તાલિબાનો કુંદૂઝની પર પોતાનું આધિપત્ય સ્થાપવામાં સફળ રહ્યા છે. દેશના મોટા ભાગના ગ્રામીણ વિસ્તાર અને જિલ્લાનું નિયંત્રણ પહેલેથી જ તાલિબાનના હાથમાં આવી ચૂક્યું છે.

અફઘાનિસ્તાનની સેના પ્રાંતીય રાજધાનીઓ અને શહેરોની સુરક્ષા કરવામાં લાગેલી છે.

કુંદૂઝ દેશના ઉત્તરમાં આવેલા પ્રાંતોનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે અને તેનું સ્થાન તેને વ્યૂહાત્મક રીતે મહત્ત્વનું બનાવે છે, કારણ કે કુંદૂઝમાંથી રાજધાની કાબુલ સહિત અન્ય મોટાં શહેરો સાથે જોડતા રાજમાર્ગો પસાર થાય છે અને આ પ્રાંત તાજિકિસ્તાન સાથે સરહદ ધરાવે છે.

આ સરહદનો ઉપયોગ મધ્ય એશિયામાં અફઘાન અફીણ અને હેરોઇનની તસ્કરી માટે કરવામાં આવે છે, જે બાદમાં યુરોપ સુધી પહોંચાડવામાં આવે છે.

કુંદૂઝને નિયંત્રણમાં લેવાનો અર્થ છે કે આ ક્ષેત્રમાં ડ્રગની તસ્કરી માટે સૌથી મહત્ત્વપૂર્ણ માર્ગમાંથી એકને નિયંત્રિત કરવો.

આ સિવાય તાજેતરમાં તાલિબાનોએ લોગારની રાજધાની અને હૈરાત પર પણ કબજો કરી લીધો છે.


તાલિબાન, તસ્કરી અને તાકત

https://www.youtube.com/watch?v=Cf2c-Gf_BqY

તાલિબાનો દ્વારા શરિયતના કડક કાયદા લાગુ કરવામાં આવે છે.

1996થી 2001 દરમિયાન અફઘાનિસ્તાનમાં પુરુષો માટે દાઢી અને મહિલાઓ માટે બુરખો ફરજિયાત હતો.

પતંગબાજી તથા કબૂતરબાજી જેવા પરંપરાગત મનોરંજનનાં સાધનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તેને ઇસ્લામવિરોધી ઠેરવવામાં આવ્યાં હતાં.

જોકે, ડ્રગ્સ ઇસ્લામવિરોધી હોવા છતાં તાલિબાનોને પૈસા લેવા સામે કોઈ વાંધો નથી.

એક તસ્કરે બીબીસીને નામ ન આપવાની શરતે અગાઉ જણાવ્યું હતું, "તાલિબાનોનું કહેવું હતું કે યુદ્ધ ચાલુ હોવાથી ડ્રગ્સનાં નાણાં લઈએ છીએ, પરંતુ સમય આવ્યે તેની પર પ્રતિબંધ મુકાશે."

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘનીએ બીબીસીને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પશ્ચિમી દેશો એ વાત નથી સમજી રહ્યા કે તેઓ કોઈ દેશ કે સંગઠન સામે નહીં, પરંતુ ડ્રગ્સ સામે યુદ્ધ લડી રહ્યા છે. અમેરિકાએ તેની સૌથી મોટી લડાઈ અફઘાનિસ્તાનમાં લડી છે. લગભગ 20 વર્ષના સંઘર્ષ બાદ પણ કોઈ નક્કર પરિણામ નથી દેખાઈ રહ્યું.

પશ્ચિમની ગુપ્તચર એજન્સીઓનું આકલન છે કે વિદેશી સૈનિકોના નિર્ગમન 90 દિવસમાં અશરફ ઘની સરકારનું પતન થઈ શકે છે.

અફઘાન સેના, પોલીસ તથા હવાઈદળ મળીને કુલ ત્રણ લાખ જેટલા સૈનિક ચોપડે નોંધાયેલા છે, પરંતુ તેઓ ત્રીજા ભાગની સંખ્યા ધરાવતા તાલિબાનોને લડત આપવામાં ઊણા ઊતરી રહ્યા છે.

આ સૈનિકોને તેમના વતન, પરિવાર કે કબીલાથી દૂર તહેનાત કરવામાં આવે છે, જેના કારણે ઘણી વખત તેઓ લડત આપ્યા વગર જ પોસ્ટ છોડીને નાસી જાય છે.

હવાઈદળને કારણે તાલિબાનોની સરખામણીમાં અફઘાન સેનાનો હાથ ઉપર રહી શકે તેમ છે, પરંતુ પોતાનાં 200 જેટલાં વિમાનને ઉડાનને લાયક રાખવા માટે સરકારને પાઇલટની ખોટ સાલતી રહે છે, કારણ કે તાલિબાનો દ્વારા ચૂંટી-ચૂંટીને પાઇલટોને નિશાન બનાવવામાં આવે છે.


તાલિબાનોની આવકના સ્રોતો

2001માં સરકારનું પતન થવા છતાં છેવાડાના વિસ્તારોમાં પ્રભુત્વ જાળવી રાખવામાં તાલિબાનને સફળતા મળી હતી, વિશેષ કરીને પાકિસ્તાન સાથે જોડાયેલા સરહદી વિસ્તારોમાં.

તાલિબાનો એક નથી, પરંતુ અનેક જૂથમાં છે એટલે તેમની આવક કેટલી છે અને તેના સ્રોત કયા-કયા છે, તે અટકળોનો જ વિષય છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી તેમની આવક વર્ષે દોઢ અબજ ડૉલર હોવાનું અનુમાન મૂકવામાં આવે છે. અફઘાન તથા અમેરિકન સુરક્ષાબળોએ તાલિબાનોના આવકના સ્રોતો પર નિયંત્રણ લાદવાના પ્રયાસ કર્યા છે, પરંતુ તેમાં ખાસ સફળતા નથી મળી.

તાલિબાનો ડ્રગ્સ તસ્કરો પાસેથી 20 ટકા જેટલી જકાત ઉઘરાવે છે. ઉપરાંત જે ખેડૂતો ઇફેન્ડ્રા તથા અફીણ ઉગાડે છે, તેમની પાસેથી 10 ટકા જેટલો કર વસૂલ કરે છે.

આ સિવાય 'સાદી પ્રક્રિયા'થી ઇફેન્ડ્રામાંથી ઇફેન્ડ્રિન બનાવતી લૅબોરેટરીઓ પાસેથી પણ પૈસા વસૂલે છે. બધી જગ્યાએ તેમની ચેકપોસ્ટ છે એટલે તેમની નજર બહારથી કશું નીકળી શકતું નથી.

વિશ્વમાં સૌથી વધુ અફીણનું વાવેતર અફઘાનિસ્તાનમાં થાય છે; જ્યારે કાયદેસર અફીણ સૌથી વધુ વાવેતર ભારતમાં થાય છે, જેનો ઉપયોગ મહદંશે દવા કંપનીઓ કરે છે.

અફઘાનિસ્તાનમાંથી વિદેશમાં નિકાસ થતા અફીણની કિંમત ત્રણથી ચાર અબજ ડૉલર આસપાસ હોવાનું અનુમાન મૂકવામાં આવે છે, જેમાંથી વિશ્વનું 90 ટકા જેટલું હેરોઇન અફઘાનિસ્તાનના અફીણમાંથી બને છે.

એક અનુમાન પ્રમાણે, યુરોપિયન સંઘના બજારમાં 95 ટકા અને કૅનેડાના બજારનું 90 ટકા હેરોઇન અફઘાન અફીણમાંથી બનેલું હોય છે.

અફઘાન અફીણનો માત્ર એક ટકા જેટલો જ હિસ્સો હેરોઇન બનીને અમેરિકાની બજારો સુધી પહોંચે છે. યુએસમાં વપરાતા ડ્રગ્સનો મોટો ભાગ મૅક્સિકો કે લૅટિન અમેરિકાના દેશોમાંથી આવે છે.

અમેરિકાની સેનાના એક અનુમાન પ્રમાણે, તાલિબાનની આવકનો લગભગ 60 ટકા હિસ્સો નશાના વેપારમાંથી આવે છે.

નશા પર પોતાના પ્રભુત્વવાળા વિસ્તારોમાંથી કર ઉઘરાવીને પણ તાલિબાન આવક રળે છે. તાલિબાનના પ્રભુત્વવાળા વિસ્તારમાંથી અફઘાન વેપારીઓનો માલ પસાર થાય એટલે તેમને કર ચૂકવવો પડે છે.

તે પોતાના કબજા હેઠળ આવતા વિસ્તારોમાં સરકારી તિજોરીમાંથી નાણાં, વાહનો અને હથિયારો લૂંટી લે છે.

તાલિબાન પોતાના કબજા હેઠળના વિસ્તારોમાં ચાલતી કાયદેસર તથા ગેરકાયદેસર કિંમતી પથ્થરોની ખાણમાં કામ કરનારા લોકો પાસેથી પણ પૈસા વસૂલે છે.

આ સિવાય અફઘાન તથા અમેરિકન સરકારોની તપાસમાં બહાર આવ્યું છે કે તાલિબાનોને રશિયા, પાકિસ્તાન તથા ઈરાન તરફથી મદદ મળે છે. જોકે તમામ પક્ષકારો આ આરોપોને નકારી ચૂક્યા છે.

આ સિવાય પાકિસ્તાન, યુએઈ, કતાર અને સાઉદી અરેબિયાના વ્યક્તિગત ધનિકો પણ તાલિબાનોને આર્થિક મદદ કરે છે, જેનું નક્કર આકલન કરવું મુશ્કેલ છે.


અફીણ અને ઇફેન્ડ્રા

અફઘાનિસ્તાનમાં અફીણનું વાવેતર થાય છે અને તેમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળું હેરોઇન બને છે, જે પશ્ચિમી દેશો સુધી પહોંચે છે.

અત્યાર સુધી અફઘાનિસ્તાન હેરોઇનનું મોટું ઉત્પાદક હતું, પરંતુ વપરાશકર્તા ન હતું, છેલ્લા લગભગ એક દાયકાથી દેશમાં જ વપરાશનું ચલણ વધ્યું છે.

ડિમાન્ડને કારણે સપ્લાય ઊભી થતી હોય છે, પરંતુ બજારમાં વ્યાપક પણે ઉપલબ્ધતા પણ નશાકારક પદાર્થોની સમસ્યાને વકરાવી શકે છે. કાબુલની શેરીઓમાં ડ્રગ્સ કોઈ 'ખાવાની વસ્તુની જેમ મળી રહે છે.'

એક સિઝન દરમિયાન લગભગ સવાથી દોઢ લાખ હેકટર વિસ્તારમાં અફીણનું વાવેતર થાય છે.

આ સિવાય અફઘાનિસ્તાન મૅથાફિટેમાઇન કે ક્રિસ્ટલ મૅથનું મોટું વપરાશકર્તા છે.

પહાડી વિસ્તારોમાંથી મળી આવતા જંગલી છોડ ઇફેન્ડ્રાની પર સામાન્ય એવી રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે એટલે ઇફેડ્રિન મળે, જે નશાકારક પદાર્થ છે.

અફઘાનિસ્તાનમાંથી ઉત્પાદિત ક્રિસ્ટલ મૅથે પશ્ચિમી દેશો સુધી મોટા પાયે પગપેસારો નથી કર્યો, પરંતુ સુરક્ષા એજન્સીઓએ આ અંગે ચેતવણી ઉચ્ચારી છે.

અફઘાનિસ્તાનમાં લાખો લોકો શા માટે નશાકારક પદાર્થો તરફ વળી રહ્યા છે, તેનાં કારણો જટિલ છે, પરંતુ એટલું ચોક્કસ છે કે બેકારી, ગરીબી અને હિંસાએ મોટો ભાગ ભજવ્યો છે.

દેશમાં બેકારીનો દર 30-40 ટકા આસપાસ હોવાનું અનુમાન મૂકવામાં આવે છે.

પરિવારનું નેતૃત્વ અને સંચાલન બદલાઈ રહ્યાં છે. ટીનેજર પર પરિવારની જવાબદારી આવી રહી છે, જે પરિવારનાં નેતૃત્વ તથા સંચાલનને અસર કરી રહ્યું છે. તેઓ થાક અને તણાવને દૂર કરવા માટે ડ્રગ્સ લે છે.

ગૃહયુદ્ધને કારણે જે લોકો પાકિસ્તાન અને ઈરાન નાસી ગયા હતા, તેઓ પરત ફર્યા એટલે પોતાની સાથે આ સમસ્યા લેતા આવ્યા છે. આ બંને દેશોમાં ડ્રગ્સનો વપરાશ સર્વસામાન્ય છે.

નશાખોરોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે, જેમની ટકાવારી 40 ટકા જેટલી હોવાનો સ્વૈચ્છિક સંસ્થાઓ તથા સરકારી સૂત્રોનો અંદાજ છે.

અમેરિકા તથા અફઘાન દળોએ યુએન સાથે મળીને તેને અટકાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભ્રષ્ટાચાર તથા ખેડૂતોને અન્ય વિકલ્પ ન આપી શકવાને કારણે અફીણનું વાવેતર ચાલુ રહ્યું અને ઘટવાને બદલે વધ્યું છે.

2015-16 આસપાસ ખેડૂતોને કપાસના વાવેતર તરફ વાળવાના પ્રયાસ થયા હતા, પરંતુ તેનું વેચાણ નહીં થતા તેઓ ફરી એક અફીણનું વાવેતર કરવા લાગ્યા હતા.

હેલમાંડ પ્રાંતમાં અફીણનું વાવેતર ગૃહઉદ્યોગ સમાન છે. અફઘાનિસ્તાનમાં અફીણ રોકડિયો પાક છે અને લગભગ 60 હજાર લોકોને સીધો રોજગાર આપે છે.



https://www.youtube.com/watch?v=ExHELQisByU

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો