Independence Day : જ્યારે માત્ર 30 મિનિટમાં એક અલગ દેશ બન્યો ભારતનું અભિન્ન અંગ

By BBC News ગુજરાતી
|

સિક્કિમના ચોગ્યાલને તેમના રાજમહેલના દરવાજા બહાર 1975ની છઠ્ઠી એપ્રિલે ભારતીય સૈન્યની ટ્રકોનો અવાજ સંભળાયો હતો.

તેઓ દોડીને બારી પાસે પહોંચ્યા હતા. તેમના રાજમહેલને ભારતીય સૈનિકોએ ચારે તરફથી ઘેરી લીધો હતો.

એ સમયે મશીનગનમાંથી ગોળીઓ છૂટવાનો અવાજ સંભળાયો અને રાજમહેલના દરવાજે તહેનાત બસંતકુમાર ચેત્રી ગોળી વાગવાને કારણે ઢળી પડ્યા. એ બાદ ત્યાં હાજર 5,000 ભારતીય સૈનિકોને રાજમહેલના 243 રક્ષકોને કાબૂમાં લેવામાં 30 મિનિટ પણ ન લાગી.

એ દિવસે 12.45 વાગ્યા સુધીમાં સિક્કિમનો એક આઝાદ દેશ તરીકેના દરજ્જાનો અંત આવ્યો હતો. ચોગ્યાલે હેમ રેડિયો મારફત તેની માહિતી સમગ્ર વિશ્વને આપી હતી.

ઇંગ્લૅન્ડના એક ગામમાં નિવૃત્ત ડૉક્ટર અને જાપાન તથા સ્વિડનની બે અન્ય વ્યક્તિઓએ પણ તેમનો આ તાકીદનો સંદેશો સાંભળ્યો હતો.

એ પછી ચોગ્યાલને તેમના રાજમહેલમાં જ નજરકેદ કરવામાં આવ્યા હતા.

દિલ્હીના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર બીએન દાસ બપોરના એ સમયે ભોજન કરી રહ્યા હતા. તેમને વિદેશ સચિવ કેવલસિંહનો ફોન આવ્યો હતો અને તેમણે દાસને તત્કાળ મળવા બોલાવ્યા હતા.

એ દિવસ હતો 7 એપ્રિલ, 1973નો. બીએન દાસ વિદેશ મંત્રાલયમાં પહોંચ્યા કે તરત જ કેવલસિંહે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું, "તમને સિક્કિમ સરકારની જવાબદારી સંભાળવા માટે તત્કાળ ગંગટોક મોકલવામાં આવી રહ્યા છે. તમારી પાસે તૈયારી માટે માત્ર 24 કલાક છે."

બીએન દાસ બીજા દિવસે સવારે સિલીગુડીથી હેલિકૉપ્ટર મારફત ગંગટોક પહોંચ્યા ત્યારે તેમના સ્વાગત માટે ચોગ્યાલના વિરોધી કાઝી લેનડુપ દોરજી, સિક્કિમના મુખ્ય સચિવ, પોલીસ કમિશનર અને ભારતીય સૈન્યના પ્રતિનિધિ હાજર હતા.

બીએન દાસને સરઘસના સ્વરૂપમાં જ પગપાળા તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યા હતા. બીજા દિવસે તેમણે ચોગ્યાલને મળવા માટે સમય માગ્યો ત્યારે ચોગ્યાલે એવું બહાનું કાઢ્યું હતું કે તેઓ તેમના જ્યોતિષીઓની સલાહ લીધા બાદ જ મળવાનો સમય આપી શકશે.

બીએન દાસ કહે છે, "એ તો એક બહાનું હતું. વાસ્તવમાં તેઓ એવું દર્શાવવા ઇચ્છતા હતા કે તેઓ મને કે મારા હોદ્દાને સ્વીકૃતિ આપતા નથી."


'સિક્કિમ કંઈ ગોવા નથી'

ચોગ્યાલે બીજા જ દિવસે બીએન દાસને મળવા બોલાવ્યા હતા, પરંતુ એ બેઠક બહુ કડવાશભર્યા વાતાવરણમાં શરૂ થઈ હતી. ચોગ્યાલે પહેલા જ વાક્યમાં કહ્યું હતું, "મિસ્ટર દાસ, સિક્કિમ ગોવા છે એવી ગફલતમાં રહેશો નહીં."

પોતાને પણ ભૂતાન જેવો દરજ્જો આપવામાં આવે એવા તમામ પ્રયાસ તેમણે કર્યા હતા.

તેમણે કહ્યું હતું, "અમે એક સ્વતંત્ર પ્રજાસત્તાક દેશ છીએ. તમારે અમારા બંધારણ અનુસાર કામ કરવું પડશે. ભારતે તમારી સેવા મારી સરકારને આપી છે. એ બાબતે કોઈ ગેરસમજ ન રહેવી જોઈએ. અમને દબાવવાનો પ્રયાસ સુધ્ધાં ક્યારેય કરશો નહીં."

સિક્કિમના ભારતમાં વિલયમાં બીએન દાસે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

બીએન દાસ બીજા દિવસે ગંગટોકમાં જ તહેનાત તેમના દોસ્ત શંકર વાજપેયીને મળવા ઇન્ડિયા હાઉસ પહોંચ્યા ત્યારે તેમનો પહેલો સવાલ એ હતો કે તેઓ કેવલસિંહ પાસેથી તેમના માટે શું આદેશ લઈને આવ્યા છે.

એ સમયને યાદ કરતાં બીએન દાસ કહે છે, "સિક્કિમના લોકોની આકાંક્ષા સંતોષવામાં તેમની મદદ કરવા સિવાયનો બીજો કોઈ સ્પષ્ટ આદેશ મારી પાસે ન હતો. ઇંદિરા ગાંધીએ હંમેશની માફક કોઈ ઔપચારિક રાજકીય વચન આપ્યું ન હતું. વિલય શબ્દનો તો ક્યારેય ઉપયોગ કરવામાં આવ્યો ન હતો."

તેમના જણાવ્યા મુજબ, "કેવલસિંહે પોતે અંગત વાતચીતમાં પણ વિલય શબ્દનો ઉપયોગ ક્યારેય કર્યો ન હતો, પરંતુ કશું કહ્યા વિના મને અને શંકર વાજપેયી બન્નેને ખબર હતી કે અમારે શું કરવાનું છે."


1962નું ચીનનું યુદ્ધ

વિખ્યાત રાજકીય વિશ્લેષક સદ્ગત ઈંદર મલ્હોત્રા માનતા હતા કે સિક્કિમને ભારતમાં સામેલ કરવાની વિચારણા 1962માં ભારત-ચીનના યુદ્ધ પછી શરૂ થઈ હતી.

વ્યૂહાત્મક નિષ્ણાતોના મતાનુસાર, ચીનની ચુંબી ખીણ નજીક ભારત પાસે માત્ર 21 માઈલનો દેશની ગરદન જેવો પ્રદેશ છે, જેને સિલીગુડી નૅક કહેવામાં આવે છે.

ચીન ઇચ્છે તો તે ભારતની ગરદનને એક ઝાટકે અલગ કરીને ઉત્તર ભારતમાં ઘૂસી શકે છે. સિક્કિમ ચુંબી ખીણને અડીને જ આવેલું છે.

સિક્કિમના ચોગ્યાલે એક અમેરિકન છોકરી હોપ કૂક સાથે લગ્ન કર્યાં હતાં. તેણે તેમને ઉશ્કેરવાનું શરૂ કર્યું હતું અને ચોગ્યાલ એવું માનવા લાગ્યા હતા કે તેઓ સિક્કિમને સંપૂર્ણપણે આઝાદ કરવાની માગ કરશે તો અમેરિકા તેમને ટેકો આપશે. ભારતને તે સ્વીકાર્ય ન હતું.


અમેરિકન પત્નીએ છોડ્યો સાથ

ચોગ્યાલનાં અમેરિકન પત્નીનું સંપૂર્ણ વ્યક્તિત્વ રહસ્યમય હતું.

ચોગ્યાલને ભારત વિરુદ્ધ ઉશ્કેરવામાં તેમણે મોટી ભૂમિકા ભજવી હતી. તેમણે સ્કૂલોમાં પાઠ્યપુસ્તકો બદલી નાખ્યાં હતાં. યુવાન અધિકારીઓ સાથે તેઓ દર અઠવાડિયે બેઠક યોજતા હતા.

ચોગ્યાલનાં પત્નીની ભૂમિકા ભજવતી વખતે હોપ કૂક સિક્કિમનાં વસ્ત્રો પહેરીને બહુ વિનમ્રતાથી ધીમા સ્વરે વાત કરતાં, પરંતુ તેઓ નારાજ થતાં ત્યારે જાત પરનો અંકુશ ગુમાવી દેતાં હતાં.

ચોગ્યાલની જરૂર કરતાં વધારે દારૂ પીવાની આદતથી તેઓ બહુ ચિડાતાં હતાં અને બન્નેની વચ્ચે આ મુદ્દે જોરદાર લડાઈ થતી હતી.

એક વખત ચોગ્યાલ એટલા ગુસ્સે થયા હતા કે તેમણે તેમનાં પત્નીનું રેકૉર્ડ પ્લેયર રાજમહેલની બારીની બહાર ફેંકી દીધું હતું.

આખરે હોપ કૂકે સિક્કિમ છોડીને અમેરિકા પાછા ફરવાનો નિર્ણય કર્યો હતો. મુશ્કેલીના સમયમાં સાથે રહેવાની વિનંતી ચોગ્યાલે તેમને કરી હતી, પરંતુ હોપ કૂકે તેનો ઇનકાર કર્યો હતો.

બીએન દાસ તેમને મૂકવા ગયા ત્યારે હોપ કૂકે તેમને કહેલા છેલ્લા શબ્દો આ હતાઃ "મિસ્ટર દાસ, મારા પતિનું ધ્યાન રાખજો. હવે મારી કોઈ ભૂમિકા નથી."

બીએન દાસના જણાવ્યા મુજબ, આ વાત જણાવતાં તેમને શરમ આવે છે, પણ હોપ કૂકે શાહી મહેલમાંથી અનેક મૂલ્યવાન કળાકૃતિઓ અને પેન્ટિંગ્ઝ ગુપચૂપ અમેરિકા પહોંચાડી દીધાં હોવાની ખબર તેમને ત્યાં સુધીમાં પડી ગઈ હતી.


માત્ર એક બેઠક

બીએન દાસના જણાવ્યા અનુસાર, ચોગ્યાલે આઠમી મેએ સમજૂતી કરાર પર સહી કર્યા પછી પણ તેનો ક્યારેય હૃદયપૂર્વક સ્વીકાર કર્યો ન હતો. તેમણે બહારના અનેક લોકો પાસે મદદ માગી હતી.

ભારત સાથેનો કરાર ખોટો હોવાની વકીલાત કરવા માટે તેમણે એક મહિલા વકીલની સેવા લીધી હતી. ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે ચોગ્યાલે દક્ષિણ સિક્કિમના પ્રવાસની ઇચ્છા વ્યક્ત કરી હતી. બીએન દાસે તેમને એવું ન કરવાની સલાહ આપી હતી.

ચોગ્યાલ અગાઉ એ વિસ્તારના પ્રવાસે જતા ત્યારે લામા રસ્તાઓ પર લાઇન લગાવીને તેમનું સ્વાગત કરતા હતા, પરંતુ ચૂંટણી વખતે ગયા ત્યારે તેમને તેમનાં ચિત્રો પર ખાસડાંના હાર લટકેલા જોવા મળ્યા હતા.

ચોગ્યાલને ટેકો આપતી નેશનલિસ્ટ પાર્ટીની ચૂંટણીમાં 32માંથી એક જ બેઠક મળી હતી.

વિધાનસભ્ય બનેલા લોકોએ કહ્યું હતું કે તેઓ ચોગ્યાલના નામે સોગંદ લેશે નહીં અને ચોગ્યાલ વિધાનસભામાં આવશે તો તેઓ કાર્યવાહીમાં ભાગ લેશે નહીં.

બીએન દાસ માટે એ ધર્મસંકટ જેવી પરિસ્થિતી હતી, કારણ તેઓ એ વખતે નવી વિધાનસભાના સ્પીકર પણ હતા.

તેઓ કહે છે, "એ સમયે એવું નક્કી થયું હતું કે ચોગ્યાલ તેમના વિરોધની નોંધ લખી મોકલશે, જેને હું વિધાનસભામાં વાંચી સંભળાવીશ અને ચૂંટાયેલા સભ્યો સિક્કિમના નામે સોગંદ લેશે."


ચોગ્યાલની નેપાળયાત્રા

એ દરમિયાન નેપાળના રાજાના રાજ્યાભિષેક સમારંભમાં રાજકીય અતિથિ તરીકે ચોગ્યાલ નેપાળ ગયા હતા. ત્યાં તેમણે પાકિસ્તાનના રાજદૂત અને ચીનના નાયબ વડા પ્રધાન ચીન સી લીઉ સાથે મુલાકાત કરી હતી તથા મુશ્કેલીમાં તેમની મદદ માગી હતી.

બીએન દાસે તેમને એક લેખિત દસ્તાવેજ આપ્યો હતો. એ દસ્તાવેજમાં જણાવવામાં આવ્યો હતું કે બહારથી મદદ લેવાના ચક્કરમાં પડશો નહીં. "તમારો રાજવંશ યથાવત્ રહેશે. તમારો પુત્ર તમારો ઉત્તરાધિકારી બનશે, પણ તમારે સ્વીકારવું પડશે કે તમે રક્ષિત છો અને આઠમી, મેના કરારને સ્વીકારો છો."

ચોગ્યાલે જીદ પકડી હતી કે "મારો દેશ તો આઝાદ છે. હું તેને છોડીશ નહીં."


ઇંદિરા ગાંધી સાથેની છેલ્લી મુલાકાત

ચોગ્યાલે ઇંદિરા ગાંધીને પોતાની તરફેણમાં લાવવાનો છેલ્લો પ્રયાસ 1974ની 30 જૂને કર્યો હતો.

ઇંદિરા ગાંધીના સચિવ તરીકે કામ કરી ચૂકેલા પીએન ધરે તેમના પુસ્તક 'ઇંદિરા ગાંધી, ધ ઇમરજન્સી ઍન્ડ ઇન્ડિયન ડેમૉક્રેસી'માં લખ્યું છે, "જે રીતે ચોગ્યાલે તેમની સંપૂર્ણ વાત ઇંદિરા ગાંધી સામે રજૂ કરી તેનાથી હું બહુ પ્રભાવિત થયો હતો. તેમણે કહેલું કે ભારત સિક્કિમમાં જે રાજનેતાઓ પર દાવ રમી રહ્યું છે એ લોકો વિશ્વાસપાત્ર નથી."

ઇંદિરા ગાંધીએ જણાવ્યું હતું કે તેઓ જે રાજનેતાઓની વાત કરી રહ્યા છે તેઓ નાગરિકોએ ચૂંટેલા પ્રતિનિધિ છે.

એ પછી પણ ચોગ્યાલ કશુંક કહેવા ઇચ્છતા હતા, પરંતુ ઇંદિરા ગાંધી ચૂપ થઈ ગયાં હતાં.

ઇંદિરા ગાંધી મૌનનો ઉપયોગ નકારાત્મક પ્રતિભાવના સ્વરૂપમાં કરવામાં નિષ્ણાત હતાં. તેઓ અચાનક ઊભાં થઈ ગયાં હતાં, રહસ્યમય રીતે હસ્યાં હતાં અને પોતાના બન્ને હાથ જોડ્યા હતા. ચોગ્યાલ માટે એ ત્યાંથી રવાના થવાનો સંકેત હતો.

રસપ્રદ વાત એ હતી કે તેઓ એ જ ચોગ્યાલ હતા, જેઓ 1958માં જવાહરલાલ નેહરુના મહેમાન બનીને દિલ્હી આવ્યા હતા અને તેમના નિવાસસ્થાન તીનમૂર્તિભવનમાં રોકાયા હતા.

ચોગ્યાલ અનોખા વ્યક્તિત્વથી સમૃદ્ધ હતા. તેમણે સિક્કિમની આગવી ઓળખ બાબતે ક્યારેય સમાધાન કર્યું ન હતું.

બીએન દાસના જણાવ્યા મુજબ, તેમણે ચોગ્યાલને એક જ વખત હારતા જોયા હતા. પોતાના પુત્ર અને વારસદારનું એક અકસ્માતમાં મૃત્યુ થયું ત્યારે ચોગ્યાલે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

એ દરમિયાન તેમનાં પત્ની હોપ કૂક પણ તેમનાં બે સંતાનને લઈને અમેરિકા ચાલ્યાં ગયાં હતાં. એ આઘાત સહન કરવાનું પણ તેમના માટે મુશ્કેલ હતું. 1982માં તેમનું કૅન્સરને કારણે મૃત્યુ થયું હતું.


વિલયનો વિરોધ

સિક્કિમના ભારતમાં વિલયની ઝુંબેશ શરૂ થઈ ત્યારે ચીને તેની સરખામણી 1968માં રશિયાએ ચેકોસ્લોવેકિયા પર કરેલા આક્રમણ સાથે કરી હતી.

એ વખતે ઇંદિરા ગાંધીએ ચીનને તિબેટ પરના તેના આક્રમણની યાદ અપાવી હતી. તેથી ભૂતાન રાજી થયું હતું, કારણ કે એ પછી તેને સિક્કિમનું સહયોગી ક્યારેય ગણવામાં આવશે નહીં.

વિલયની ઝુંબેશનો સૌથી વધુ વિરોધ નેપાળમાં થયો હતો. ખરેખર તો નેપાળે રાજી થવું જોઈતું હતું, કારણ કે સિક્કિમમાં સૌથી વધુ-75 ટકા વસતી નેપાળી મૂળના લોકોની હતી. ભારતનાં કેટલાંક વર્તુળોમાં પણ તેનો વિરોધ થયો હતો.

વિખ્યાત પત્રકાર જ્યૉર્જ વર્ગીઝે 'હિન્દુસ્તાન ટાઇમ્સ' દૈનિકમાં 'અ મર્જર ઈઝ અરેંન્જ્ડ' મથાળા હેઠળ લખેલા તંત્રીલેખમાં જણાવ્યું હતું, "જનમત લેવાનું કામ એટલું ઝડપથી કરવામાં આવ્યું હતું કે આ સમગ્ર ઝુંબેશ શંકાના વર્તુળમાં આવી ગઈ. જનમતમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે ચોગ્યાલનું પદ સમાપ્ત કરવામાં આવે અને સિક્કિમ ભારતનો હિસ્સો બને એ વાત સાથે આપ સહમત છો? આ બન્ને અલગ-અલગ મુદ્દા હતા. તેમની વચ્ચે કોઈ સંબંધ ન હતો. આશ્ચર્યની વાત એ છે કે ગાંધી અને નેહરુના દેશમાં આવું થયું."


'રૉ'ની ભૂમિકા

સિક્કિમના ભારતમાં વિલયમાં રાજનેતાઓની સાથે-સાથે દેશની ગુપ્તચર એજન્સી 'રૉ'એ પણ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

બીએન દાસ કહે છે, "એ દિવસોમાં રૉના અધિકારીઓ સાથે પાર્ટીઓમાં મુલાકાત થતી હતી. હું તેમને વારંવાર પૂછતો કે શું ચાલી રહ્યું છે એ મને તો જણાવો, પણ તેઓ મને ક્યારેય કશું જણાવતા નહીં."

"એક દિવસ તેઓ મારા ઘરે આવ્યા હતા અને કહ્યું હતું કે સૉરી સર, અમે આપને કશું જણાવી શકીશું નહીં."

"મુખ્ય કાર્યકારી અધિકારીને સિક્કિમમાં બનતી એકેય ઘટના બાબતે નહીં જણાવવાનો આદેશ અમને આપવામાં આવ્યો છે, કારણ કે મુખ્ય કાર્યકારી અધિકારી ચોગ્યાલના નોકર છે અને તેઓ તેમને કહેવામાં આવેલી વાતો ચોગ્યાલને જણાવવાની ભૂલ કરી શકે છે."

"હું તમને પ્રામાણિકતાપૂર્વક કહું છું કે છેલ્લા દિવસ સુધી સિક્કિમમાં શું ચાલતું હતું તેની માહિતી મને ભારતીય ગુપ્તચર એજન્સી પાસેથી ક્યારેય મળી નહોતી."

પત્રકાર ઈંદર મલ્હોત્રા માને છે કે સિક્કિમના ભારતમાં વિલયમાં રૉએ નિર્ણાયક ભૂમિકા જરૂર ભજવી હતી, પરંતુ એ સંબંધી દિશાનિર્દેશ રાજકીય નેતૃત્વે આપ્યા હતા.

ઇંદિરા ગાંધીએ રૉના વડા રામનાથ કાવ, પીએન હકસર અને પીએન ધર સાથે એક બેઠક યોજી હતી.

રામનાથ કાવને આ બાબતે સલાહ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે એવો જવાબ આપ્યો હતો કે "મારું કામ સરકારના નિર્ણયનો અમલ કરવાનું છે, સલાહ આપવાનું નહીં."


ઇંદિરા ગાંધીની ભૂમિકા

બીએન દાસ કહે છે, "ઇંદિરા ગાંધીને સમગ્ર પ્રકરણની માહિતી સતત આપવામાં આવી રહી હોવાનો અંદાજ અમને હતો. મેં ઇંદિરા ગાંધી સાથે 11 વર્ષ કામ કર્યું છે."

"તેમની વિશેષતા એ હતી કે કોઈ વ્યક્તિ તેમની સામે પડી, તેની ખાતરી થઈ જાય પછી ઇંદિરા તે વ્યક્તિને માફ નહોતાં કરતાં. ચોગ્યાલના વિચાર-વલણમાં ક્યારેય ફેરફાર નહીં થાય એ પણ ઇંદિરા જાણી ગયાં હતાં. તેઓ સમગ્ર સિક્કિમ પ્રકરણના મુખ્ય નાયિકા હતાં. અમે તો તેમનાં પ્યાદા હતાં."

સિક્કિમને ભારતનું 22મું રાજ્ય બનાવવા વિશેનો બંધારણીય ખરડો લોકસભામાં 1975ની 23 એપ્રિલે રજૂ કરવામાં આવ્યો હતો. એ જ દિવસે એ ખરડાને 299 વિરુદ્ધ 11 મતે પસાર કરી દેવાયો હતો.

રાજ્યસભામાં એ ખરડો 26 એપ્રિલે પસાર થયો હતો અને 1975ની 15 મેના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદે એ ખરડા પર હસ્તાક્ષર કર્યા કે તરત જ નામ્ગ્યાલ રાજવંશના શાસનનો અંત આવ્યો હતો.



https://www.youtube.com/watch?v=wHFUvhDwl0c

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો