નવી દિલ્લીઃ દિલ્લીના નાગલ કેન્ટમાં 1 ઓગસ્ટના રોજ 9 વર્ષની બાળકી સાથે રેપ, હત્યા અને બળજબરીથી અંતિમ સંસ્કારનો કેસ સામે આવ્યો હતો. આ કેસમાં દિલ્લીમાં રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ કેસ માટે વિવાદોમાં રહ્યા હતા. રાહુલ ગાંધીએ રેપ પીડિતા બાળકીના માતા-પિતાનો ફોટો ટ્વિટ કર્યો હતો. રાહુલ ગાંધીના આ ટ્વિટ પર કાર્યવાહી કરીને ટ્વિટરે પણ તેને ડિલીટ કરી દીધુ હતુ. હવે રેપ પીડિતા બાળકીની માતાએ કહ્યુ છે કે તેને કોઈ પણ ટ્વિટ કે ફોટો પર કોઈ વાંધો નથી. બાળકીના પરિવારે ખુદને આ વિવાદથી અળગુ કરી લીધુ છે.
વાસ્તવમાં રાહુલ ગાંધી 9 વર્ષની રેપ પીડિતા બાળકીના પરિવારને મળવા ગયા હતા. આ મુલાકાત બાદ રાહુલ ગાંધીએ પીડિતાના માતા-પિતાનો ફોટો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો હતો. આ વિવાદમાં દિલ્લી હાઈકોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી અને એફઆઈઆર નોંધવાની માંગ પણ કરવામાં આવી હતી. રાહુલ ગાંધી પર આરોપ લગાવવામાં આવી રહ્યા હતા કે ફોટો શેર કરીને પીડિતા અને તેના પરિવારની ઓળખને સાર્વજનિક કરવી એ ગુનો છે. પરંતુ હવે આ માંગ વચ્ચે રેપ પીડિતા બાળકીની માતાએ કહ્યુ છે કે રાહુલ ગાંધીએ જે ફોટો પાડ્યો અને પોસ્ટ કર્યો તેનાથી મને કોઈ વાંધો નથી.