દેશના 75 માં સ્વતંત્રતા દિવસે વિવિધ કામગીરીમાં બહાદુરીનું પ્રદર્શન કરનારા સેનાના છ સૈનિકોને શૌર્ય ચક્ર અને 116 સૈનિકોને સેના મેડલથી સન્માનિત કરવામાં આવશે. મેજર અરુણકુમાર પાંડેને બે કટ્ટર આતંકવાદીઓને મારવા બદલ સ્વતંત્રતા દિવસના પ્રસંગે શૌર્ય ચક્ર એનાયત કરાશે. આ સિવાય જમ્મુ-કાશ્મીર પોલીસને શૌર્ય માટે 256 મેડલ મળ્યા છે.
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર સ્વતંત્રતા દિવસ પર મેડલ માટે કુલ 154 લશ્કરી કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે. તેમાંથી છ લશ્કરી કર્મચારીઓને શૌર્ય ચક્ર, ચારને બાર સાથે વિરતા માટે સેના મેડલ અને 116 ને શૌર્ય માટે સેના મેડલ તેમજ 28 કર્મચારીઓને નોંધપાત્ર સેવા માટે મેડલ એનાયત કરવામાં આવશે. જમ્મુ અને કાશ્મીરમાં જ રાષ્ટ્રીય રાઇફલ્સની 44 મી બટાલિયનના મેજર અરુણ કુમાર પાંડેને ગયા વર્ષે જૂન મહિનામાં જમ્મુ અને કાશ્મીરમાં એક ઓપરેશન દરમિયાન બે કટ્ટર આતંકવાદીઓને મારવા બદલ શૌર્ય ચક્ર એનાયત કરાશે.
18 મી બટાલિયનના કેપ્ટન આશુતોષ કુમારને મરણોપરાંત શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવશે. સાથી સૈનિકનું જીવન બચાવવા અને જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર આતંકવાદીનો ખાત્મો કરવા બદલ આ પુરસ્કાર એનાયત થશે. ગયા વર્ષે નવેમ્બરમાં જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન દરમિયાન તે પોતાના યુનિટની ઘાતક પલટનનું નેતૃત્વ કરી રહ્યા હતા.
રાષ્ટ્રીય રાઇફલ્સની 55 મી બટાલિયનના મેજર રવિ કુમાર ચૌધરી, રાષ્ટ્રીય રાઇફલ્સની 16 મી બટાલિયનના કેપ્ટન વિકાસ ખત્રી, રાષ્ટ્રીય રાઇફલ્સની 9 મી બટાલિયનના રાઇફલમેન મુકેશ કુમાર અને રાષ્ટ્રીય રાઇફલ્સની 34 મી બટાલિયનના સિપાહી નીરજ અહલાવતને પણ શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવશે. શૌર્ય માટે 15 બહાદુર સૈનિકોને મરણોત્તર સેના મેડલનું સન્માન આપવામાં આવી રહ્યું છે.
J&K પોલીસને 256 વીરતા પુરસ્કારો મળ્યા છે અને એક રાષ્ટ્રપતિ પોલીસ મેડલ મળ્યો છે. સબ ઇન્સ્પેક્ટર અમરદીપ સિંહને જમ્મુ અને કાશ્મીર પોલીસમાં બહાદુરી માટે રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. આ વખતે આ મેડલ બે બહાદુર સૈનિકોને પ્રાપ્ત થયો છે, જેમની CRPF ના હેડ કોન્સ્ટેબલ કાલે સુનીલ દત્તાત્રેયનો પણ સમાવેશ થાય છે, જેમણે મરણોત્તર આ મેડલ મેળવ્યો છે. આ સિવાય અશોક ચક્ર એએસઆઈ બાબુ રામ, કોન્સ્ટેબલ અલ્તાફ હુસેન ભટને કીર્તિ ચક્ર અને એસપીઓ શાહબાઝ અહમદને શૌર્ય ચક્ર (તમામ મરણોપરાંત) આપવામાં આવશે.