કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ તાજેતરમાં જ લોક કરવામાં આવ્યું હતું અને બ્લુ ટિક પણ થોડા સમય માટે દૂર કરવામાં આવ્યુ હતું.આ ઘટના બાદ વિવાદ ઉભો થયો હતો. રાહુલ ગાંધીનું કહેવું છે કે મોદી સરકાર સંસદમાં બોલવા દેતી નથી અને સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બ્લોક કરાવે છે. રાહુલ ગાંધીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી એક ગ્રાફિક્સ પણ શેર કર્યુ છે. જેમાં ટ્વિટરનો લોગો દોરડાથી બંધાયેલો છે અને કેપ્શન લખ્યું છે 'ડિજિટલ દાદાગીરી નહીં ચાલે.'
ટ્વિટર સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) એ પણ રાહુલ ગાંધીના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર કાર્યવાહી કરવાની માંગ કરી છે. પંચનું કહેવું છે કે રાહુલ ગાંધીએ બળાત્કાર પીડિતાના માતા-પિતાની ઓળખ જાહેર કરીને પોક્સો એક્ટનું ઉલ્લંઘન કર્યું છે. આ કિસ્સામાં, તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. પંચે આ સંદર્ભમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને પત્ર લખ્યો છે.
ફેસબુકને લખેલા પત્રમાં એનસીપીસીઆરએ કહ્યું કે તેણે રાહુલ ગાંધીના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલો એક વીડિયો જોયો છે, જેમાં છોકરીના માતા-પિતાની ઓળખ જાહેર કરવામાં આવી છે. તેમના મતે, આ વિડીયોમાં છોકરીના પિતા અને માતાનો ચહેરો સ્પષ્ટ જોઈ શકાય છે, જે કાયદાનું ઉલ્લંઘન કરે છે.
પંચે ફેસબુકને રાહુલ ગાંધીની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ સામે યોગ્ય કાર્યવાહી કરવા કહ્યું છે. અપલોડ કરેલો વીડિયો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, 2015 અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) અને ભારતીય દંડ સંહિતાની વિવિધ જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે. તેમણે કહ્યું કે આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પરથી હટાવી દેવો જોઈએ. એનસીપીસીઆરનું કહેવું છે કે બાળકીના માતા-પિતાની ઓળખ જાહેર કરવાથી કિશોર ન્યાય અધિનિયમની કલમ 74, પોક્સો અધિનિયમની કલમ 23 અને ભારતીય દંડ સંહિતાની કલમ 228A નું ઉલ્લંઘન થાય છે.
અગાઉ એનસીપીસીઆરની ફરીયાદ બાદ જ ટ્વિટરે રાહુલ ગાંધીનું એકાઉન્ટ બ્લોક કર્યું હતું અને તેની સાથે અન્ય ઘણા કોંગ્રેસી નેતાઓના એકાઉન્ટ પણ બ્લોક કરવામાં આવ્યા હતા. આરોપ છે કે રાહુલ ગાંધી કથિત રીતે બળાત્કાર પીડિતાના પરિવારના સભ્યોને મળ્યા હતા અને તેમની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ પછી એનસીપીસીઆરએ ટ્વિટર પર બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર કરવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ રાહુલ ગાંધીનું એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ટ્વિટર ભારતની રાજકીય પ્રક્રિયામાં દખલ કરી રહ્યું છે અને સરકારના ઈશારે નાચી રહ્યું છે.