પાકિસ્તાનના સ્વાતંત્ર્યદિને ભારત ઉજવશે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિદિન', PM મોદીની જાહેરાત TOP NEWS

By BBC News ગુજરાતી
|

આજે પાકિસ્તાન પોતાનો 75મો સ્વતંત્રતાદિવસ ઉજવી રહ્યું છે. પાકિસ્તાન ભારતથી એક દિવસ પહેલાં પોતાનો સ્વતંત્રતાદિવસ ઉજવે છે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના સ્વતંત્રતાદિવસે ટ્વીટ કરીને કહ્યું, "નફરત અને હિંસાના કારણે આપણાં લાખો ભાઈઓ અને બહેનોને વિસ્થાપિત થવું પડ્યું હતું અને પોતાના જીવ ગુમાવવા પડ્યા હતા."

"એ લોકોનાં સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14 ઑગસ્ટને 'વિભાજન વિભીષિકા સ્મૃતિદિવસ' તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે."

બ્રિટિશ શાસનથી મુક્તિ અને બ્રિટિશ ભારતના ભાગલા એક સાથે થયાં હતાં.

https://twitter.com/narendramodi/status/1426410418499571715

ભારતના ધર્મના આધારે ભાગલા પડ્યા અને પાકિસ્તાન નામનો નવો દેશ અસ્તિત્વમાં આવ્યો હતો.

ભારતના ભાગલા પડ્યા ત્યારે લાખો લોકો હિંસાનો ભોગ બન્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટમાં કહ્યું, "આ દિવસ આપણને ભેદભાવ, વૈમનસ્ય અને દુર્ભાવનાનું ઝેર ખતમ કરવા માટે પ્રેરિત કરશે. સાથોસાથ આનાથી એકતા, સામાજિક, સદ્ભાવ અને માનવીય સંવેદનાઓ પણ મજબૂત બનશે."

પાકિસ્તાન કેમ 14 ઑગસ્ટના અને ભારત 15 ઑગસ્ટે સ્વતંત્રતાદિવસ ઉજવે છે? અહીં વાંચો કહાણી : એ કહાણી, જેના લીધે પાકિસ્તાન ભારત કરતાં 'એક દિવસ મોટું' થઈ ગયું


અફઘાનિસ્તાનના 20 હજાર લોકોને અમે શરણ આપીશું : કૅનેડાના વડા પ્રધાન

કૅનેડાએ તાલિબાનની વધી રહેલી હિંસાને કારણે દેશ છોડવા માટે મજબૂર બનેલા અફઘાન લોકોની મદદ કરવાની જાહેરાત કરી છે.

કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ટ્વિટર પર જણાવ્યું છે, "અફઘાનિસ્તાનમાં સ્થિતિ સતત બગડી રહી છે અને ત્યાંના લોકોનું જીવન જોખમમાં છે. તેમની મદદ માટે અમે અમારા રિસેટલમૅન્ટ પ્રોગ્રામનો વિસ્તાર કરી રહ્યા છીએ."

"અમે અફઘાનિસ્તાનના 20 હજાર પ્રભાવિત લોકોને શરણ આપીશું અને આ પ્રક્રિયા ઝડપી બનાવીશું."

https://twitter.com/JustinTrudeau/status/1426324726465576962

ઇમિગ્રેશન મિનિસ્ટર માર્કો મેંડિસિનોએ માહિતી આપી કે આ નવી યોજનામાં મહિલા નેતા, માનવાધિકાર-કાર્યકરો, પત્રકાર, લઘુમતી સમુદાયના લોકો, એલજીબીટીક્યૂ સભ્ય સામેલ હશે, જેમને પોતાના દેશમાં તાલિબાનથી ખતરો છે.

મેંડિસિનોએ કહ્યું," અફઘાનિસ્તામાં સ્થિતિ દયનીય છે અને કૅનેડા ત્યાનાં લોકો સાથે ઊભું છે."

એ સિવાય સરકારે માહિતી આપી કે પહેલાંથી લાગુ ઇમિગ્રેશન પ્રોગ્રામ પણ ચાલુ રહેશે જે અંતર્ગત એ લોકોની મદદ કરવામાં આવી રહી છે જેણે અફઘાનિસ્તાનમાં કૅનેડા માટે કામ કર્યું છે.

અફઘાનિસ્તાન મામલે બાઇડનની દુનિયાભરમાં આલોચના

અફઘાનિસ્તાનમાં તાલિબાન ઝડપથી પગપેસારો કરી રહ્યું છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ પર સવાલ ઊભા થઈ રહ્યા છે. જોકે, જો બાઇડન સૈનિકોને પાછા બોલાવવાના નિર્ણય પર અડગ છે અને તેમનું માનવું છે કે જનતા તેમની સાથે છે.

20 વર્ષમાં બે ટ્રિલિયન ડૉલરનો ખર્ચ કર્યા પછી અને 2,500 અમેરિકનોના જીવ ગુમાવ્યા પછી અમેરિકા પોતાના સૈનિકોને પાછું બોલાવી રહ્યું છે.

અફઘાન સેના સામે મોકળું મેદાન મળી ગયું હોય તેમ તાલિબાન એક પછી એક પ્રાંતોની રાજધાનીઓ પર કબજો જમાવી રહ્યું છે.

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પણ હવે તાલિબાનથી બહુ દૂર નથી.

સમાચાર એજન્સી એએફપી મુજબ, અમેરિકામાં વિપક્ષ રિપબ્લિકન પાર્ટીએ બાઇડન પર અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે.

અમેરિકાના ટીવી ચેનલ પર અફઘાનિસ્તાનની તસવીરો સાથે બાઇડનનું એક મહિના જૂનું નિવેદન પ્રસારિત કરવામાં આવી રહ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું," તાલિબાનનું નિયંત્રણ હોય અને દેશઆખા પર તેનો કબજો હશે એ વાતની સંભાવના ઘણી ઓછી છે."

અમેરિકાના અખબાર 'વૉશિંગટન પોસ્ટ'ના એક તંત્રીલેખમાં લખવામાં આવ્યું કે બાઇડને 2001થી અફઘાનિસ્તાનમાં થયેલી પ્રગતિને જોખમમાં મૂકી દીધી છે, જેમાં છોકરીઓનું શિક્ષણ પણ સામેલ છે.



https://www.youtube.com/watch?v=3XKZV94TTt4

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો