20થી 25 લોકો હજુ પણ ગુમ જેમના જીવિત હોવાની સંભાવના નહિવત
ભારત-તિબેટ સીમા પોલિસ(ITBP)ના જવાનોએ આજે સવારે બીજા ત્રણ શબ કાઢ્યા બાદ આ દૂર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વધીને 13 થઈ ગઈ છે. આ ઉપરાંત અત્યાર સુધી 14 લોકોને કાટમાળમાંથી સુરક્ષિત કાઢવામાં આવી ચૂક્યા છે જ્યારે 20થી 25 લોકો હજુ પણ ગુમ છે જેમના જીવિત હોવાની સંભાવના નહિવત હોવાનુ જણાવવામાં આવી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના રેકાંગ પિયો-શિમલા હાઈવે પાસે બુધવારની બપોરે લગભગ 12.45 વાગે એક દૂર્ઘટના બની હતી. માનવામાં આવી રહ્યુ છે કે એક ટ્રક, એક સરકારી બસ અને અન્ય વાહન કાટમાળમાં દબાયેલા છે. રિપોર્ટ મુજબ શિમલા જઈ રહેલી બસમાં 40 લોકો સવાર હતા.
શિમલા જઈ રહેલી બસમાં 40 લોકો હતા સવાર
રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ નિર્દેશક સુદેશ કુમાર મોખ્તાએ જણાવ્યુ કે કિન્નૌર જિલ્લામાં નિચાર તાલુકામાં નિગુલસારી વિસ્તારમાં નેશનલ હાઈવે 5 પર ચૌરા ગામમાં બપોરના સમયે ભૂસ્ખલન અને પહાડ સાથે પત્થર ટકરાવાની ઘટના બની ત્યારે એક વાહન, એક ટાટા સૂમોના કાટમાળમાં દબાયા હોવાનુ જાણવા મળ્યુ અને તેમાં આઠ લોકો મૃત મળી આવ્યા. મોખ્તાએ વધુમાં જણાવ્યુ કે હિમાચલ પ્રદેશ માર્ગ પરિવહનની એક બસ કે જે દૂર્ઘટના સમયે રિકાંગ પિયોથી શિમલા થઈને હરિદ્વાર જઈ રહી હતી તે મુસાફરો સાથે કાટમાળમાં દબાઈ ગઈ હતી.
જવાનોનુ રાહત અને બચાવ કાર્ય યથાવત
આઈટીબીપીના જવાનોએ દૂર્ઘટનાગ્રસ્ત બસનો કાટમાળ પણ કાઢ્યો. તે રસ્તાથી લગભગ 500 મીટર નીચે અને સતલુજ નદી તળથી 200 મીટર ઉપર અટકેલી પડી હતી. આઈટીબીપીના 300 જવાન, NDRFના લગભગ 30 અને એસડીઆરએફના પણ 30-40 જવાનો બચાવ અને સર્ચ અભિયાનમાં જોડાયા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ દૂર્ઘટનામાં એક કાર આશિંક રીતે અને બીજી એક કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. બચાવ દળ ક્રેનની મદદથી બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા છે. પત્થર પડવાથી એક ટ્રક નદી કિનારે ગબડી ગયુ. તેના ડ્રાઈવરનુ શબ મેળવી લેવાયુ છે.