નવી દિલ્હી : ત્રિપુરા પોલીસ દ્વારા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના બે સાંસદો સહિત અનેક નેતાઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. જેમાં સાંસદ અભિષેક બેનર્જી અને મમતા બેનર્જીના ભત્રીજા ડોલા સેનનાં નામ શામેલ છે.
આ સિવાય બંગાળના મંત્રી બ્રત્ય બસુ અને પક્ષના પ્રવક્તા કુણાલ ઘોષ સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. આ નેતાઓ વિરુદ્ધ 'પોલીસકર્મીઓની ફરજમાં અવરોધ'ના આરોપ સાથે FIR નોંધવામાં આવી છે.
આ નેતાઓ અને કાર્યકરોએ એડિશનલ SP સહિત અન્ય ઘણા પોલીસ અધિકારીઓ સાથે ગેરવર્તન કર્યું
TMC નેતાઓ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, રવિવારની સવારે TMCના 14 નેતાઓ અને કાર્યકરોની ધરપકડ બાદ મંત્રી બ્રત્ય બસુ અને સાંસદ ડોલા સેનની આગેવાની હેઠળ TMC નેતાઓની એક ટીમ ખોવાઈ પોલીસ સ્ટેશન પહોંચી હતી. જે બાદ સાંસદ અભિષેક બેનર્જી પણ ખોવાઇ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
જ્યાં આ નેતાઓ અને કાર્યકરોએ એડિશનલ SP સહિત અન્ય ઘણા પોલીસ અધિકારીઓ સાથે ગેરવર્તન કર્યું હતું. આ તમામ આરોપીઓએ પોલીસકર્મીઓ સાથે જીભાજોડી કરી હતી અને પોલીસના કામમાં અડચણ ઉભી કરી હતી.
ત્રિપુરામાં દબદબો બનાવવા મથી રહી છે TMC
ઉલ્લેખનીય છે કે, તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ ત્રિપુરામાં પાર્ટીના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. પાર્ટીના નેતાઓ અહીં 2023માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ત્રિપુરામાં જુદા જુદા સ્થળોએ અભિષેક બેનર્જી અને TMC કાર્યકર્તાઓ પર હુમલા થઇ રહ્યા છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે, તાજેતરમાં અભિષેક બેનર્જી અને અન્ય લોકો પર ત્રિપુરામાં હુમલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સૂચના પર કરવામાં આવ્યા હતા અને કહ્યું હતું કે, આવા કૃત્યો તેમને નિરાશ નહીં કરી શકે.