શીતળાના રોગને કારણે વિશ્વમાં લાખો લોકો મૃત્યુ પામી રહ્યાં હતાં ત્યારે 1804માં મૅક્સિકો પહોંચેલા સ્પેનિશ ફિઝિશિયન ફ્રાન્સિસ્કો હાવિયર દ બાલ્મિસે 22 બાળકોને શીતળાનો ચેપ લગાડ્યો હતો.
જોકે, એ બાળકોનો ઉપયોગ રોગના પ્રસાર માટે નહીં, પરંતુ સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી મિશનના એક હિસ્સા તરીકે કરવામાં આવ્યો હતો.
સ્પેનિશ ફિઝિશિયન યુરોપથી સમુદ્ર પાર કરીને વિશ્વના પ્રથમ રસીકરણ માટે ત્યાં ગયા હતા, પરંતુ તે અભિયાનની સફળતાએ પૃથ્વીના બીજા છેડા તરફની એક નવીન યાત્રાનાં મંડાણ માંડ્યાં હતાં.
આ વખતે તેઓ ફિલિપાઇન્સ જઈ રહ્યા હતા અને એ નવા સાહસ માટે બાલ્મિસે 26 બાળકોને ભરતી કર્યાં હતાં. અન્યોની સાથે કર્યું હતું તેમ તેમણે આ બાળકોને પણ વાઇરસનો ચેપ લગાડ્યો હતો.
તે ઑપરેશન એટલે કે કામગીરીને 'રોયલ વૅક્સિન એક્સપિડિશન' કે 'ઑપરેશન બાલ્મિસ' નામ આપવામાં આવ્યું હતું. સ્પેનના મિલિટરી ડૉક્ટરના સન્માનમાં આ નામ આપવામાં આવ્યું હતું.
https://www.youtube.com/watch?v=D9xaoi4-LhU
બાલ્મિસ અને 1803ની 30 નવેમ્બરે સ્પેનના કોરુના બંદરેથી રવાના થયેલાં 22 બાળકોએ ભજવેલી ભૂમિકા વિશે ઘણું કહેવામાં આવ્યું છે, પરંતુ અકાપુલ્કોથી મનિલા જવા રવાના થયેલાં બીજાં 26 બાળકો વિશે બહુ ઓછું જાણવા મળે છે.
સ્પેનના સેવિલેસ્થિત 'જનરલ આર્કાઇવ ઑફ ઇન્ડીઝ' દ્વારા ડૉ.બાલ્મિસના બીજા અભિયાન વિશેના નવા દસ્તાવેજો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
અભિયાનમાં સામેલ થયેલાં બાળકો કોણ હતાં, તેમની ઉંમર કેટલી હતી અને તેઓ ક્યાંનાં હતાં, એ વિશે હવે વધારે વિગત ઉપલબ્ધ થઈ છે.
એ બાળકો વિશે વાત કરવી જરૂરી છે, કારણ કે શીતળાનો રોગ ખાસ કરીને સગીર વયનાઓ માટે ઘાતક સાબિત થયો હતો.
આ દસ્તાવેજો ડૉ.બાલ્મિસના અભિયાન વિશે 'જનરલ આર્કાઇવ ઑફ ઇન્ડીઝ' ખાતે યોજવામાં આવેલા પ્રદર્શનનો હિસ્સો છે.
વૅક્સિનની જરૂરિયાત
શીતળાનો રોગ 18મી સદીમાં સમાજ સામેનાં સૌથી ખતરનાક જોખમો પૈકીનો એક હતો.
વેરીઓલા વાઇરસનું સંભવિત ઉદ્ભવસ્થાન ઉત્તર અમેરિકા હતું અને માનવવસતી તે વાઇરસના પ્રસારનું કારણ બની હતી.
આ બીમારીએ સદીઓ સુધી કરોડો લોકોનો ભોગ લીધો હતો. ખાસ કરીને યુરોપનાં શહેરોમાં વધારે પડતાં વિકાસ વચ્ચે આ બીમારી વિનાશક પુરવાર થઈ હતી.
આ બીમારીમાં સપડાયેલા કુલ લોકો પૈકીના 33 ટકા લોકો મરણ પામ્યાં હતાં, પરંતુ જે લોકો બચી ગયા તેમનાં શરીર વિકૃત થઈ ગયાં હતાં અને તેમની ચામડી પર ઊંડા ડાઘા પડી ગયા હતા.
અમેરિકાના વસાહતીકરણ દરમિયાન શીતળાએ કુદરતી રક્ષણ ન ધરાવતા સ્વદેશી સમુદાયમાં વિનાશ વેર્યો હતો.
આ રોગ સામે રક્ષણ આપી શકે તેવી પદ્ધતિ શોધવા માટે લોકોએ વર્ષો સુધી પ્રયાસ કર્યા હતા.
https://www.youtube.com/watch?v=uRk2tJOzJvg
એ પૈકીની એક પદ્ધતિ છે વેરીઓલાઇઝેશન, જેમાં દર્દીના શરીરમાંથી વાઇરસનો ડોઝ સ્વસ્થ વ્યક્તિને આપવામાં આવે છે, જેથી તે થોડી બીમાર પડે અને તેનામાં રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે.
આ જ પ્રક્રિયાનો એ પછીથી આવેલી વૅક્સિન્સમાં ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ એ રીત સંપૂર્ણપણે ભરોસાપાત્ર નહોતી. તેમાં વ્યક્તિ વધારે બીમાર પડે અથવા તેને બીજી બીમારી પણ થાય તેવી શક્યતા હતી.
જોકે, છેક 1976માં ઈંગ્લૅન્ડના એક ગ્રામીણ તબીબે આનું એક સલામત નિરાકરણ શોધી કાઢ્યું હતું.
ગાયને દોહવાનું કામ કરતી મહિલાઓને જીવલેણ નહીં તેવી બીમારીનો ચેપ લાગતો હોવાનું ઍડવર્ડ જેનરના ધ્યાનમાં આવ્યું હતું.
ગાયને દોહવાનું કામ કરતી એક મહિલાના હાથમાંથી સૅમ્પલ લઈને તેમણે આઠ વર્ષની ઉંમરના એક બાળકને સૌપ્રથમ વાર રસી આપી હતી.
જેનરે શોધી કાઢ્યું હતું કે માણસોને શીતળાના રોગ સામે રસી વડે રક્ષણ આપવાનું શક્ય છે.
એટલું જ નહીં, પણ એ પદ્ધતિને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ, એ રીતે આગળ વધારી શકાય છે. આ તારણ વૅક્સિનને બીજા દેશોમાં લઈ જવા માટે અત્યંત ઉપયોગી બની હતી.
વૅક્સિનની પદ્ધતિ વર્ષો સુધી યુરોપ પૂરતી જ મર્યાદિત રહી હતી, કારણ કે યુરોપની સંચારસુવિધા અને દેશો વચ્ચેનું ઓછું અંતર પરિવહનની તરફેણમાં હતું.
જોકે, વૅક્સિનના કિસ્સામાં એક વિઘ્ન આવ્યું હતું કે તે વાઇરસ સક્રિય હોય ત્યાં સુધી જ અસરકારક રહેતી હતી.
તેને કારણે વૅક્સિનનો પ્રભાવ 12 દિવસ સુધી જ રહેતો હતો. એ સમયગાળા પછી વૅક્સિનનો પ્રભાવ ઓસરી જતો હતો.
આજના સમયથી વિપરીત રીતે 18મી અને 19મી સદીમાં વિજ્ઞાન અલ્પવિકસિત હતું. આજે કૂલિંગની જે સુવિધા ઉપલબ્ધ છે એ સુવિધાનું ત્યારે અસ્તિત્વ જ નહોતું.
યુરોપમાં વૅક્સિન-ટ્રાન્સપૉર્ટ બહુ મુશ્કેલ હતું. ત્યારે તેને ઍટલાન્ટિક સમુદ્રની પાર લઈ જવાનું તો અત્યંત મુશ્કેલ હતું.
જોકે, સ્પેનના રાજા કાર્લોસ ચોથા માટે સ્પેનિશ નાગરિકોનું રસીકરણ બહુ જ મહત્ત્વનું હતું. રાજા કાર્લોસ ચોથાનાં પુત્રી મારિયા ટેરેસાનું શીતળાના રોગને કારણે મૃત્યુ થયું હતું.
દરબારી ચિકિત્સકની સમજાવટ બાદ કાર્લોસે વૅક્સિનને અમેરિકા લઈ જવા માટે અભિયાન હાથ ધરવાનો આદેશ આપ્યો હતો અને એ અભિયાનનું નેતૃત્વ ડૉ. બાલ્મિસે કર્યું હતું.
અગાઉ ક્યારેય શીતળાનો ચેપ ન લાગ્યો હોય તેવાં ત્રણથી નવ વર્ષની વયનાં 22 બાળકોને લઈને તેમણે ગેલિસિયાથી સફરનો આરંભ કર્યો હતો.
શરૂઆતમાં બે બાળકોને ચેપ લગાડવામાં આવ્યો હતો. તેના દસ દિવસ પછી તેમણે એ ચેપગ્રસ્ત બાળકોને થયેલી ફોડલીઓમાંથી સૅમ્પલ લઈને વધુ બે બાળકોને ચેપ લગાડ્યો હતો.
આ રીતે તાજા સીરમ સાથે તેઓ અમેરિકા આવ્યા હતા.
તેઓ વેનેઝુએલાના લા ગ્વેરા બંદરે ઊતર્યા હતા અને ત્યાંથી અભિયાનનું વિભાજન કરવામાં આવ્યું હતું.
અભિયાનના સભ્યો પૈકીના એક હોસે સાલ્વની લીઓપોર્ટ દક્ષિણ અમેરિકાના બીજા દેશો ભણી જવા રવાના થયા હતા.
જ્યારે ડૉ.બાલ્મિસ કરાકસ જવા રવાના થયા હતા, જ્યાં તેમણે 'સૅન્ટ્રલ વૅક્સિન બોર્ડ'ની સ્થાપના કરી હતી. એ પછી તેઓ મૅક્સિકો અને ત્યાર બાદ ફિલિપિન્સ ગયા હતા.
અભિયાનની સફળતા બાદ મૂળ સવાલ તો એ જ હતો કે સ્પેને અન્ય વિદેશી પ્રદેશો માટે શું કરવું જોઈએ?
અમેરિકન દેશો સ્પેનિશ સામ્રાજ્યના શાસન હેઠળની વસાહતો માત્ર ન હતા, એ સામ્રાજ્ય એશિયાના અન્ય પ્રદેશોમાં અને તેથી બહુ આગળ સુધી ફેલાયેલું હતું. કૅપ્ટન્સી જનરલ ઑફ ફિલિપિન્સ એ પૈકીનો એક પ્રદેશ હતો.
તાજેતરમાં બહાર પાડવામાં આવેલા નવા દસ્તાવેજોમાં ડૉ. બાલ્મિસે ફેબ્રુઆરી, 1805માં કરેલી સહી જોવા મળે છે. આ દસ્તાવેજોમાં એ બાળકો વિશેની કેટલીક વિગત છે.
એ બાળકો મેક્સિકોના વિવિધ પ્રદેશોમાં રહેતા હતા.
જનરલ આર્કાઇવ ઑફ ઇન્ડિઝે બીબીસીને પૂરા પાડેલા એક દસ્તાવેજમાં લખ્યું છે, "મૅક્સિકોના ઝકટેકસ શહેરે ફિલિપાઇન્સ તરફના અભિયાન માટે ડૉ. બાલ્મિસને છ બાળકો આપ્યાં હતાં."
દસ્તાવેજ આગળ જણાવે છે, "પાંચ વર્ષની વયનાં તમામ છ બાળકો સુઘડ વસ્ત્રોમાં સજ્જ હતાં."
એ બાળકો પૈકીનાં ત્રણ કોઈ અજાણ્યાં માતા-પિતાનાં સંતાનો હતાં, પાંચ બાળકો વિધવા કે સિંગલ મધરનાં સંતાનો હતાં અને છ બાળકો મિશ્ર વંશનાં માતા-પિતાના સંતાનો હતાં.
ડૉ. બાલ્મિસે આ નોંધ કરાવી હતી, જેથી ફિલિપાઇન્સની સફર પૂર્ણ થયા પછી એ બાળકોને તેમના માતા-પિતાને પરત સોંપી શકાય. બાળકોનાં માતા-પિતાને પગાર સ્વરૂપે નાણાં ચૂકવવામાં આવ્યાં હતાં.
ફિલિપાઇન્સમાંની કામગીરી પૂર્ણ કર્યા બાદ ડૉ. બાલ્મિસની ટીમ મૅક્સિકો પાછી ફરી હતી, પરંતુ ડૉ. બાલ્મિસ ચીનમાં રોકાણ કરીને સ્પેન પાછા ફર્યા હતા. એ વખતે ચીનમાં કોઈ વૅક્સિન ઉપલબ્ધ નહોતી.
આખરે 1806માં તેઓ લિસ્બન આવી પહોંચ્યા હતા. આ સમગ્ર અભિયાન લગભગ ત્રણ વર્ષ ચાલ્યું હતું, પરંતુ એ પછીનાં અનેક વર્ષો સુધી હજારો બાળકોનું રસીકરણ થતું રહ્યું હતું.
અલબત્ત, તે અભિયાનને તેની સાદગી તથા સફળતા માટે ઐતિહાસિક માઈલસ્ટોન ગણવામાં આવતું હોવા છતાં શીતળાની બીમારી એ પછીનાં ઘણાં વર્ષો સુધી જોખમ બની રહી હતી.
વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા મુજબ, માત્ર 20મી સદીમાં જ શીતળાને કારણે 30 કરોડ લોકો મૃત્યુ પામ્યાં હતાં.
વ્યાપક ઝુંબેશ ચલાવવામાં આવી એ પછી 1979માં શીતળાનો રોગ નાબૂદ થઈ ગયો હતો.
આખરે 1980ની આઠમી, મેએ વિશ્વ આરોગ્ય સંગઠને શીતળાની નાબૂદી વિશે સ્પષ્ટતા કરતો અહેવાલ સ્વીકાર્યો હતો.
https://www.youtube.com/watch?v=CZRuslESZUI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો