ભારતના દબાણ સામે પાકિસ્તાન સરકારે આખરે ક્ષતિગ્રસ્ત હિન્દુ મંદિરની મરામત કરાવી છે. ઇમરાન ખાન સરકારે કહ્યું કે પંજાબ પ્રાંતમાં તોડી પાડવામાં આવેલા મંદિરની મરામત કર્યા બાદ તેને હિન્દુ સમુદાયને સોંપવામાં આવ્યુ છે. આ સાથે હુમલામાં સામેલ 90 શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 4 ઓગસ્ટના રોજ લાહોરથી 590 કિમી દૂર રહીમ યાર ખાન જિલ્લાના ભોંગ શહેરમાં એક ગણેશ મંદિર પર ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેના પર ભારતે તીવ્ર પ્રતિક્રિયા આપી હતી.
પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ હિન્દુ બાળક પર ઈશનિંદાનો આરોપ લગાવ્યો છે. બાળકને કોર્ટમાંથી જામીન મળ્યા બાદ ગુસ્સે ભરાયેલા ટોળાએ હિન્દુઓ પર હથિયારો વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન મંદિરમાં ભારે તોડફોડ કરી મૂર્તિઓ તોડવામાં આવી હતી. ભારત સરકારે આ ઘટના પર સખત વિરોધ નોંધાવ્યો હતો, ત્યારબાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને મંદિરની મરામતની વાત કરી હતી.
રહીમ યાર ખાનના જિલ્લા પોલીસ અધિકારી અસદ સરફરાઝે સોમવારે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે સરકારે મંદિરના જીર્ણોદ્ધારનું કામ પૂર્ણ કર્યું છે અને તેને સ્થાનિક હિન્દુ સમુદાયને સોંપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે મંદિર હવે પૂજા માટે તૈયાર છે. સરફરાઝે કહ્યું કે વીડિયો ફૂટેજના આધારે કુલ 90 શકમંદોની ધરપકડ કરવામાં આવી છે.
મંદિર પર હુમલા માટે વિશ્વભરમાં પાકિસ્તાનની ટીકા થઈ હતી. સાથે જ ત્યાંના મુખ્ય ન્યાયાધીશ ગુલઝાર અહેમદે પણ ઘટનાને ખેદજનક ગણાવી હતી. મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું હતું કે મંદિરમાં તોડફોડની ઘટના દેશ માટે શરમજનક છે, કારણ કે પોલીસ મુક પ્રેક્ષક બની રહી હતી. પાકિસ્તાનમાં હિન્દુઓ લઘુમતીમાં છે. પાકિસ્તાનની મોટાભાગની હિન્દુ વસ્તી સિંધ પ્રાંતમાં રહે છે. તેને ઘણીવાર ભેદભાવ અને સતામણીનો સામનો કરવો પડે છે.