નવી દિલ્લીઃ ઈઝરાયેલમાં બનેલા પેગાસસ સૉફ્ટવેરનો ઉપયોગ કરીને ભારત ઘણા લોકોની જાસૂસી કરવાના કેસમાં તપાસની માંગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે પેગાસસ વિવાદની તપાસની માંગ કરતા અરજીકર્તાઓને કહ્યુ કે અમે ચર્ચામાં વિશ્વાસ કરીએ છીએ અને બધાની વાત સાંભળવામાં આવશે. સાથે જ કોર્ટે અરજીકર્તાઓને સિસ્ટમમાં વિશ્વાસ રાખવા અને સોશિયલ મીડિયા પર કેસ વિશે એક સમાંતર ચર્ચા ન ચલાવવા માટે કહ્યુ. કેન્દ્ર સરકાર તરફથી હાજર સૉલિસિટર જનરલ તુષાર મહેતા તરફથી સમય માંગ્યા બાદ અદાલતે કેસની સુનાવણી સોમવાર સુધી માટે ટાળી દીધી.
પેગાસસ કેસની તપાસની માંગ કરતી અરજીઓની સુનાવણી કરી રહેલા ચીફ જસ્ટીસ એનવી રમન્નાની અધ્યક્ષતાવાળી બેંચે આજે કહ્યુ કે કોઈએ હદ પાર ન કરવી જોઈએ. બધાની વાત સાંભળવામાં આવશે. અમે ચર્ચાના વિરોધમાં નથી પરંતુ કેસ કોર્ટમાં હોય તો આની વાત ન થવી જોઈએ. બંને પક્ષ અદાલતમાં યોગ્ય દલીલના માધ્યમથી સવાલોના જવાબ આપે નહિ કે બહાર સોશિયલ મીડિયા પર એક સમાંતર ચર્ચા ચલાવવામાં આવે. કેન્દ્ર તરફથી સમય માંગ્યા બાદ કોર્ટે આ કેસમાં 16 ઓગસ્ટની તારીખ આપીને સુનાવણી ટાળી દીધી.
પેગાસસ કેસમાં તપાસની માંગને લઈને વકીલ એમએલ શર્મા, રાજ્યસભા સાંસદ જૉન બ્રિટાસ, પત્રકાર એન રામ અને શશિ કુમાર, જગદીપ ચોકકર, નરેન્દ્ર મિશ્રા, પત્રકાર રુપેશ કુમાર સિંહ, એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયા તરફથી અરજી આપવામાં આવી છે. આમાં પેગાસસ કેસની તપાસની માંગ કરવામાં આવી હતી. આ અરજીઓ પર 5 ઓગસ્ટે અદાલતે પહેલી સુનાવણી કરી હતી. ગઈ સુનાવણીમાં ચીફ જસ્ટીસ રમન્નાએ કહ્યુ હતુ કે પેગાસસને લઈને જે રિપોર્ટ મીડિયામાં આવ્યા છે જેમાં જાસૂસીના દાવા કરવામાં આવ્યા છે. જો આમાં સચ્ચાઈ હોય તો આ ચોક્કસપણે ગંભીર મુદ્દો છે.
શું છે કેસ
દુનિયાના ઘણા મોટા મીડિયા ગ્રુપે એક રિપોર્ટ જાહેર કર્યો છે. આમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈઝરાયેલી કંપનીના જાસૂસી સૉફ્ટવેર પેગાસસને ફોનમાં મોકલીને ઘણા દેશોમાં હજારો લોકોની જાસૂસી થઈ. આમાં ભારતનુ નામ પણ છે. ભારતમાં બે મંત્રીઓ, ઘણી વિપક્ષના નેતાઓ, પત્રકારો, જજ, વેપારીઓ અને એક્ટિવિસ્ટના નામ સામે આવ્યા છે. આને લઈને વિપક્ષી નેતા અને ઘણા સંગઠન તપાસ ઈચ્છે છે.
પેગાસસ પર સંરક્ષણ મંત્રાલયનુ પણ આવ્યુ નિવેદન
પેગાસસ વિવાદ વચ્ચે હવે સંરક્ષણ મંત્રાલય તરફથી સંસદમાં પહેલી વાર આને લઈને જવાબ આપવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યુ છે કે એનએસઓ ગ્રુપ સાથે કોઈ પણ પ્રકારનુ કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયુ. સંરક્ષણ મંત્રાલય તરફથી રાજ્યસભામાં આ જવાબ આપ્યો છે.