રાજધાની દિલ્હીના જંતર-મંતર પાસે રવિવારે આયોજિત કાર્યક્રમ દરમિયાન ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કેસમાં સુપ્રીમ કોર્ટના વકીલ અને દિલ્હી ભારતીય જનતા પાર્ટીના પુર્વ પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાય સહિત છ લોકોની પૂછપરછ બાદ અટકાયત કરવામાં આવી છે. દિલ્હી પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, અશ્વિની ઉપાધ્યાય, વિનોદ શર્મા, દીપક સિંહ, વિનીત ક્રાંતિ, પ્રીત સિંહ, દીપક તમામ છ લોકોની અટકાયત કરવામાં આવી છે. દિલ્હી પોલીસે સોમવારે આ મામલે FIR નોંધી હતી.
મળતી માહિતી અનુસાર, રવિવારે ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ પર દિલ્હીના જંતર-મંતર ખાતે આયોજિત 'ભારત જોડો આંદોલન' કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર સરકારે તમામ અંગ્રેજી કાયદાઓને નાબૂદ કરવાની અને આઝાદીની 75 મી વર્ષગાંઠ પહેલા નવા કાયદાઓ બનાવવાની માંગ કરી હતી. આ દરમિયાન, સેંકડોની સંખ્યામાં ભીડમાં ભેગા થયેલા કેટલાક લોકો દ્વારા કથિત રીતે મુસ્લિમ વિરોધી નારા પણ લગાવવામાં આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ 'હિન્દુસ્તાન મેં રેહના હોગા, જય શ્રી રામ કહેના હોગા' અને 'જબ મુલે કાટે જાયેગા, રામ-રામ ચીલાંયેંગે' જેવા નારા લગાવ્યા હતા. જોકે, દિલ્હી પોલીસે હવે આ મામલે FIR નોંધીને તપાસ શરૂ કરી છે.
ભારત જોડો આંદોલનના મીડિયા પ્રભારી શિપ્રા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ વકીલ અને ભાજપના પૂર્વ પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાયે કર્યું હતું. જો કે, તેમણે મુસ્લિમ વિરોધી નારા લગાવનારાઓ સાથે કોઇપણ પ્રકારના સબંધથી ઇન્કાર કર્યો હતો. શિપ્રા શ્રીવાસ્તવે કહ્યું કે આ પ્રદર્શન બ્રિટિશ કાયદાની વિરુદ્ધ કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન 222 બ્રિટિશ કાયદાઓને નાબૂદ કરવાની માંગ કરવામાં આવી હતી. અમે વિડીયો જોયો છે, પરંતુ તેઓ કોણ હતા તેનો ખ્યાલ નથી. સૂત્રોચ્ચાર કરનારાઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ.
અશ્વિની ઉપાધ્યાયે મુસ્લિમ વિરોધી સૂત્રોચ્ચારની ઘટનામાં કોઇ પણ સંડોવણી હોવાનો ઇન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે મેં દિલ્હી પોલીસને વાયરલ થઈ રહેલા વીડિયોની તપાસ માટે ફરિયાદ આપી છે. જો વીડિયો અધિકૃત હોય તો સામેલ લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ઉપાધ્યાયે કહ્યું કે મને ખબર નથી કે તેઓ કોણ છે. મેં તેને પહેલાં ક્યારેય જોયા નથી, તેને ક્યારેય મળ્યો નથી અને તેને ત્યાં બોલાવ્યા નથી. જ્યાં સુધી હું ત્યાં હતો ત્યાં સુધી તેઓ ત્યાં દેખાયા નહીં. જો વીડિયો નકલી હોય તો ભારત જોડો આંદોલનને બદનામ કરવા માટે ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
વીડિયોમાં એક જૂથ જંતર-મંતર પર વિરોધ દરમિયાન ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર અને મુસ્લિમોને ધમકી આપતા જોવા મળી રહ્યા છે. ડીસીપી (નવી દિલ્હી) દીપક યાદવે સોમવારે કહ્યું કે અમને એક વીડિયો મળ્યો છે અને અમે તેની તપાસ કરી રહ્યા છીએ. કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે. ત્યાં ભેગા થયેલા લોકોને આમ કરવાની પરવાનગી નહોતી. અમારા ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક લોકોએ ઉશ્કેરણીજનક અને વાંધાજનક સૂત્રોચ્ચાર કર્યા હતા.