અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં તાલિબાનો સામે બાથ ભીડનાર મોહમ્મદ ઇસ્માઇલ ખાન કોણ છે?

By BBC News ગુજરાતી
|

મોહમ્માદ ઇસ્માઇલ ખાન, જંગના મેદાનનું પુરાણું નામ, અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતની લડાઈમાં મોટો ચહેરો બનીને સામે આવ્યા છે.

પાછલાં બે અઠવાડિયાંમાં ખાને હથિયાર ઉઠાવીને તાલિબાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીનું નેતૃત્વ કર્યું છે. પરિણામે ઘણી અફઘાન સમાચાર એજન્સીઓએ હેરાત શહેરના બચી જવાનો શ્રેય ખાન અને તેમના લડાકુઓને આપ્યો છે.

ખાનગી અખબાર અરમાન-એ-મેલીએ તેના તંત્રીલેખમાં લખ્યું, "જો આમિર ઇસ્માઇલ ખાન અને તેમના કમાન્ડમાં કામ કરનારા તેમના વફાદાર સાથીઓ ન હોત, તો હેરાત તાલિબાનના કબજામાં હોત... ઇસ્માઇલ ખાન અને 'સાર્વજનિક વિદ્રોહી બળો'ની વીરતાપૂર્ણ ઝડપી પ્રતિક્રિયાએ ખતરાને દૂર કરી દીધો અને તાલિબાનને ભારે નુકસાન પહોંચાડ્યું."

'વૃદ્ધ સિંહ'

મોહમ્મદ ઇસ્માઇલ ખાન, જેમને તેમના સમર્થક 'વૃદ્ધ સિંહ' કહે છે એક તાઝિક (તઝાકિસ્તાન સાથે સંબંધ ધરાવનાર) છે, અને આ સમૂહના સભ્યોનું તેમને ભારે સમર્થન હાંસલ છે.

તેમનો જન્મ વર્ષ 1946માં હેરાતના શિંદાંદ જિલ્લામાં થયો હતો અને તેઓ ઘણા સમયથી જમાત-એ-ઇસ્લામી રાજકીય દળના પ્રમુખ સભ્ય છે.

1978માં, અફઘાન સેનામાં એક કૅપ્ટન તરીકે, તેમણે કાબુલમાં કૉમ્યુનિસ્ટ સરકાર વિરુદ્ધ સૌથી મોટા વિદ્રોહની યોજના તૈયાર કરી હતી અને 1979માં અફઘાનિસ્તાન પર સોવિયેત આક્રમણ બાદ, તેઓ એક પ્રમુખ મુજાહિદ્દીન કમાન્ડર બની ગયા.

1980ના દાયકા દરમિયાન સોવિયેત સેના પરત ફરી ત્યારે, મોટા ભાગે પશ્ચિમ અફઘાનિસ્તાનમાં, તેમણે એક મોટી મુજાહિદ્દીન સેનાને નિયંત્રિત કરી.


જ્યારે ઈરાન ભાગી જવું પડ્યું

1992થી 1995 સુધી હેરાતના ગવર્નર રહ્યા. તાલિબાને પ્રાંત પર કબજો કર્યા બાદ, તેઓ ઈરાન નાસી છૂટ્યા.

તેના તરત બાદ, તેમને તાલિબાને કેદ કરી દીધા, પરંતુ વર્ષ 2000માં તેઓ નાસી છૂટવામાં કામયાબ થયા. તે બાદ તેઓ તાલિબાનવિરોધી ઉત્તર ગઠબંધનમાં સામેલ થઈ ગયા.

જ્યારે 2001માં અફઘાનિસ્તાન પર અમેરિકાના આક્રમણે તાલિબાન શાસન સમાપ્ત કરી દીધું, ત્યારે તેઓ ફરીથી એક વખત હેરાતના ગવર્નર બન્યા.

ખાનના સમર્થકો તેમના શાસન દરમિયાન પ્રાંતમાં સાર્વજનિક બુનિયાદી આંતરમાળખા અને સરકારી સેવાઓમાં થયેલ મોટા સુધારાની પ્રશંસા કરે છે. તેમજ તેમના વિરોધી કસ્ટમ ડ્યૂટી મારફતે ભેગા કરાયેલ નાણાંને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવામાં નિષ્ફળતા બદલ તેમની ટીકા કરે છે.

વર્ષ 2005માં, હામિદ કરઝઈ સરકારમાં ખાનને જળ અને ઊર્જામંત્રી નીમવામાં આવ્યા હતા. તેઓ આ પદ પર 2013 સુધી રહ્યા હતા.

વર્ષ 2014માં, ખાન અને અબ્દુલ રબ રસૂલ સય્યકે સંયુક્ત ટિકિટ પર રાષ્ટ્રપતિની ચૂંટણી લડી, પરંતુ તેઓ હારી ગયા.


તેમના જ શબ્દોમાં

પાછલાં અમુક વર્ષોમાં, અને ખાસ કરીને અફઘાનિસ્તાનમાં તાલિબાનની હિંસા વધ્યા બાદ ખાન અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ભૂમિકાની નિંદા કરતા રહ્યા છે.

એક સ્થાનિક પ્રાઇવેટ ટીવી ચેનલે તેમને 4 ઑગસ્ટના રોજ એવું બોલતા બતાવ્યા કે, "હું અફઘાનિસ્તાનના લોકોને સ્પષ્ટપણે જણાવવા માગું છું કે આ યુદ્ધ તાલિબાન અને અફઘાનિસ્તાનની સરકાર વચ્ચેનો નથી, આ અફઘાનિસ્તાન રાષ્ટ્ર વિરુદ્ધ પાકિસ્તાનનું યુદ્ધ છે. તાલિબાન એક ઉપકરણ છે અને તેઓ ભાડાના સૈનિકોની જેમ કામ કરે છે."

આવી જ રીતે, માર્ચ 2017માં એરિયાના ન્યૂઝ ટીવી ચેનલ સાથે વાત કરતાં ખાને કહ્યું, "તાલિબાનને એ સત્યનો અહેસાસ થઈ જાય તો સારું કે જ્યાં સુધી તમામ અફઘાન લોકો એક સંયુક્ત અફઘાનિસ્તાન બનાવવાનો નિર્ણય એક સાથે નહીં કરે ત્યાં સુધી ચીન, રશિયા, ઈરાન, પાકિસ્તાન અને અન્ય દેશોનું સમર્થન પ્રાપ્ત કરવાથી તેમને કશું હાંસલ નહીં થાય."

જુલાઈ, 2021માં જ્યારે તાલિબાન હેરાતની નજીક પહોંચ્યું, તેમણે પ્રાંતના લોકોના સાહસની સરાહના કરી. તેમણે કહ્યું, "અમારા લોકો ઠીક જ કહી રહ્યા છે કે તેમણે (તાલિબાને) શહેરની નજીક નહોતું આવવું જોઈતું. વિવિધ જિલ્લાના પતનને લીધે તાલિબાન શહેરની એકદમ નજીક આવી ગયું છે. પરંતુ અમારા લોકો, ભાઈઓ અને બહેનોએ ઉઠાવેલાં કદમોએ (તાલિબાન વિરુદ્ધ વિદ્રોહ) ઘણી મદદ કરી છે."

હેરાતમાં તાલિબાન સામે બાથ ભીડી રહેલા લોકોને પર્યાપ્ત મદદ પહોંચાડવામાં અસફળ રહેવા બદલ ખાને કેન્દ્ર સરકારની ટીકા કરી હતી.

તેમણે 4 ઑગસ્ટના રોજ એરિયાના ન્યૂઝ ટીવી ચેનલને કહ્યું કે, "તેઓ (સરકાર) પોતાના વાયદા સારી રીતે પૂરા નથી કરતા. ઉદાહરણ તરીકે, હથિયાર અને જે અન્ય સુવિધાઓ તેમણે અમને પહોંચાડવાનો વાયદો કર્યો હતો, તે હજુ સુધી અમને નથી મળી. હજારો યુવાનો હેરાત શહેરની સુરક્ષા માટે તૈયાર છે."


અન્યો શું કહે છે?

હેરાતમાં તાલિબાન વિરુદ્ધ સૈન્ય અભિયાનનું કેન્દ્ર સરકાર અને પ્રમુખ અફઘાની નેતાઓએ ખૂલીને સ્વાગત કર્યું છે.

હાઈકાઉન્સિલ ઑફ નેશનલ રિકન્સિલિએશનના ચૅરમૅન અબ્દુલ્લા અબ્દુલ્લાએ કહ્યું, "અમે અમારા મુજાહિદ ભાઈ આમિર મોહમ્મદ ઇસ્માઇલ ખાન, નાગરિકો અને સૈન્ય અધિકારીઓના યુદ્ધ નેતૃત્વ અને સાહસની સરાહના કરીએ છીએ. અમે આ મુદ્દે પોતાના લોકોનું પૂરી તાકાત સાથે સમર્થન કરીએ છીએ."

જમાત-એ-ઇસ્લામીના નેતા સલાહુદ્દીન રબ્બાનીએ કહ્યું કે, "હાલ, નાયક અમીર મોહમ્મદ ઇસ્માઇલ ખાનના નેતૃત્વમાં હેરાતમાં થઈ રહેલ વીરોનો પ્રતિરોધ ગર્વની વાત છે અને અમે તેની સરાહના કરીએ છીએ. આ પ્રતિરોધ જણાવે છે કે આ સંવેદનશીલ સ્થિતિમાં લોકો પોતપોતાની ગરિમા અને મૂલ્યોનું રક્ષણ કરી શકે છે."



https://youtu.be/Jv6KhY2Xid8

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો