ચોમાસુ સત્ર દરમિયાન આજે સંરક્ષણ મંત્રાલયે રાજ્યસભામાં કહ્યું કે વર્ષ 2021 માં ભારત-ચીન સરહદ પર કોઈ ઘૂસણખોરી થઈ નથી. એ ઉપરાંત પેગાસસ જાસૂસી કૌભાંડનો સંસદમાં પ્રથમ વખત સંરક્ષણ મંત્રાલય દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો. મંત્રાલયે રાજ્યસભામાં જણાવ્યું હતું કે NSO ગ્રુપ સાથે કોઈ વ્યવહાર થયો નથી.
તમને જણાવી દઈએ કે વિપક્ષી પાર્ટીઓ છેલ્લા ઘણા દિવસોથી પેગાસસ મામલે સરકાર પાસેથી જવાબની માંગ કરી રહી હતી. આજે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી દળોએ પેગાસસ મુદ્દે હંગામો શરૂ કર્યો. વિપક્ષો પૂછતા હતા કે સરકારે જણાવવું જોઈએ કે તેણે ઈઝરાયલી કંપનીની સેવાઓ લીધી છે કે નહીં? આખરે સરકારે વિપક્ષ સામે ઝૂકવું પડ્યું. સરકારે ગૃહમાં કહ્યું કે પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ ભારતીય સેના દ્વારા કરવામાં આવતો નથી, તેથી NSO ગ્રુપ સાથે કોઈ લેવડદેવડ થઈ નથી. આપને જણાવી દઈએ કે પેગાસસ સ્પાયવેર ઈઝરાયલી સાયબર ઈન્ટેલિજન્સ ફર્મ NSO ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલ સર્વેલન્સ સોફ્ટવેર છે.
તાજેતરમાં જ કેન્દ્ર સરકાર પર દેશની ઘણી મોટી હસ્તીઓ પર પેગાસસ સ્પાયવેરથી નજર રાખવાનો આરોપ લાગ્યો હતો. આ નેતાઓમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, બે કેન્દ્રીય મંત્રી અને 40 પત્રકારો સહિત કુલ 300 લોકોના નામ હતા. પરંતુ કેન્દ્ર સરકારે આ આરોપોને સ્પષ્ટપણે નકારી દીધા છે.