નવી દિલ્હી : સોવરેન ગોલ્ડ બોન્ડ (Sovereign Gold Bond) યોજના 2021-22નો પાંચમો હપ્તા સોમવારના રોજ એટલે કે 9 ઓગસ્ટ 2021ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલવા જઈ રહ્યો છે. પાંચમા હપ્તો રોકાણકારો માટે 9 ઓગસ્ટથી 13 ઓગસ્ટ વચ્ચે પાંચ દિવસ માટે ખુલ્લો રહેશે. SGBમાં રોકાણ કરવા પર રોકાણકારોને વ્યાજ મળે છે. સોનાના બિન-ભૌતિક સ્વરૂપમાં રોકાણ કરવા માટે SGB ખૂબ જ લોકપ્રિય વિકલ્પ છે.
સોનાનો ભાવ શું હશે?
RBI અનુસાર ગોલ્ડ બોન્ડ યોજના 2021-22ના પાંચમા હપ્તામાં એક ગ્રામ સોનાની કિંમત 4,790 રૂપિયા છે. આ SGBમાં પ્રતિ યુનિટ મૂલ્ય છે. પાંચમા હપ્તામાં ઇશ્યૂની તારીખ 17 ઓગસ્ટ, 2021 નક્કી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, SGBના દરેક હપ્તા માટે નક્કી કરેલી કિંમત મુંબઈ સ્થિત ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) દ્વારા આપવામાં આવેલી કિંમતોની સરેરાશ પર ગણવામાં આવે છે. વર્તમાન સિરિઝ બાદ ગોલ્ડ બોન્ડ યોજના આ વર્ષે વધુ એક વખત સબસ્ક્રિપ્શન માટે ઉપલબ્ધ થશે.
કોણ કરી શકે છે રોકાણ?
ગોલ્ડ બોન્ડ સોના સાથે જોડાયેલા છે અને રોકાણ પર વધારાનું વળતર પણ આપે છે. કોઈપણ ભારતીય નિવાસી વ્યક્તિઓ, હિન્દુ અવિભાજિત કુટુંબ ટ્રસ્ટ, યુનિવર્સિટીઓ અને સખાવતી સંસ્થાઓ આ સરકારી ગોલ્ડ બોન્ડ યોજનામાં રોકાણ કરી શકે છે. મોટાભાગના નિષ્ણાતો ડિજિટલ અથવા પેપર ગોલ્ડ દ્વારા બિન-ભૌતિક સોનામાં રોકાણ કરવાની ભલામણ કરે છે. જેનું એક મોટું કારણ હાઇ લિક્વિડિટી છે. તેમજ તેમાં સ્ટોરેજ ખર્ચ નથી અને ભૌતિક સોના કરતાં વેચવું સરળ છે.
કોને ડિસ્કાઉન્ટ મળશે
જે ગ્રાહકો ગોલ્ડ બોન્ડ સ્કીમમાં ઓનલાઈન રોકાણ કરી રહ્યા છે, જેમાં ચૂકવણી કોઈપણ ડિજિટલ મોડ દ્વારા કરવામાં આવે છે, તેમને RBI મુજબ યુનિટ દીઠ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. ઓનલાઈન ગ્રાહકો માટે સાર્વભૌમ ગોલ્ડ બોન્ડ 2021-22 યોજનાની પાંચમા હપ્તામાં પ્રતિ ગ્રામ સોનાની કિંમત 4,740 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
છેલ્લા હપ્તામાં કેટલો ભાવ હતો?
સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ સિરિઝ IVની ઇશ્યૂ કિંમત 4,807 રૂપિયા પ્રતિ ગ્રામ હતી. એ સિરિઝ 12 જુલાઈથી 16 જુલાઈ સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લી હતી. Sovereign Gold Bond યોજનાના પાંચમા તબક્કા માટે સરકારે 17 ઓગસ્ટ, 2021નારોજ સેટલમેન્ટની તારીખ નક્કી કરી છે. સરકારના જણાવ્યા મુજબ, મે 2021 થી સપ્ટેમ્બર 2021 સુધી છ તબક્કામાં Sovereign Gold Bond બહાર પાડશે.
Sovereign Gold Bond ક્યાંથી ખરીદશો?
Sovereign Gold Bond જે સરકાર વતી RBI દ્વારા નાની ફાઇનાન્સ બેન્કો અને પેમેન્ટ બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (SHCIL), નિયુક્ત પોસ્ટ ઓફિસ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ અને BSE દ્વારા જારી કરવામાં આવે છે. SGB યોજનાની શરૂઆતથી માર્ચ 2021 સુધી કુલ 25,702 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે. Sovereign Gold Bondનો કાર્યકાળ આઠ વર્ષનો હોય છે, પરંતુ રોકાણકારો પાસે પાંચમા વર્ષ પછી બહાર નીકળવાનો વિકલ્પ હોય છે. આ બોન્ડમાં ન્યૂનતમ રોકાણ 1 ગ્રામ સોનું છે. વ્યક્તિઓ માટે મહત્તમ રોકાણ મર્યાદા 4 કિલો, હિન્દુ અવિભાજિત પરિવાર (HUF) માટે 4 કિલો અને ટ્રસ્ટ અને સમાન સંસ્થાઓ માટે 20 કિલો છે. આ મર્યાદા એક નાણાકીય વર્ષ માટે છે.
સોનુંની કિંમત 90,000ને પાર થશે
ક્વાડ્રિગા ઇગ્નિઓ ફંડ(Quadriga Igneo Fund)ના 25 મિલિયન ફંડનું સંચાલન કરનારા ડિએગો પેરિલા દ્વારા ફરી એકવાર અંદાજ લગાવવામાં આવ્યો છે કે, આગામી 3 થી 5 વર્ષમાં સોનું 90000 રૂપિયાનો આંકડો પાર કરી જશે. ઉલ્લેખનીય છે કે, ડિએગોએ આ પહેલા પણ સોના વિશે અનુમાન લગાવ્યું હતું, જે સાચું નીકળ્યું હતું. હવે તેણે ફરી એકવાર સોનાના ભાવની આગાહી કરી છે. ડિએગો જણાવે છે કે, સોનાની કિંમત 3થી 5 વર્ષમાં બમણી થઈ શકે છે. તેમના મતાનુસાર આગામી ત્રણથી પાંચ વર્ષમાં સોનાની કિંમત ઔંસ દીઠ 3000 થી 5000 હજાર ડોલર સુધી પહોંચી શકે છે.