કાબુલ : અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને અફઘાનિસ્તાનના ત્રણ મોટા શહેરો તરફ જતા તાલિબાન આતંકવાદીઓને નિશાન બનાવવા માટે B 52 બોમ્બર્સ અને સ્પેક્ટર ગનશીપ પર હવાઈ હુમલો કરવાનો આદેશ આપ્યો છે. B 52 એ અમેરિકાનું ખતરનાક બોમ્બર વિમાન માનવામાં આવે છે. આ વિમાન 1950થી અમેરિકન આર્મીની સેવા કરી રહ્યું છે. આ વિમાનની સૌથી ખાસ વાત એ છે કે તે હથિયારો સાથે 8 હજાર માઇલ સુધીની મુસાફરી કરી શકે છે અને દુશ્મનો પર બોમ્બમારો કર્યા બાદ પરત ફરી શકે છે, પરંતુ સવાલો ઉઠી રહ્યા છે કે, શું અમેરિકાની સેના અફઘાનિસ્તાનમાં તાલિબાનને રોકી શકશે?
બાઇડને હુમલાનો આપ્યો હતો આદેશ
જો બાઇડને યુએસ એરફોર્સને તાલિબાન સામે તાલિબાન પર હુમલો કરવા માટેનો ખુલ્લો આદેશ આપ્યો છે, જે અફઘાનિસ્તાનમાં સતત નિર્દોષોની હત્યા કરી રહ્યા છે. હવે યુએસ એરફોર્સ અફઘાનિસ્તાનના ત્રણ શહેરો તરફ આગળ વધતા તાલિબાનને રોકવા માટે આકાશમાંથી બોમ્બ અને સ્પેક્ટર ગનશીપથી હુમલો કરશે. જો બાઇડનના આદેશ બાદ હવે યુએસ એરફોર્સના તમામ ડિસ્ટ્રોયર અફઘાનિસ્તાનના વિવિધ વિસ્તારોમાં સતત ઉડાન ભરી રહ્યા છે. યુએસના આ ઓપરેશનમાં તાલિબાનને ભારે નુકસાન થશે.
B 52 વિમાન વિનાશક શસ્ત્ર છે
યુએસએ સોવિયેત યુનિયન સાથે શીત યુદ્ધ દરમિયાન 1950ના દાયકામાં આ વિમાનનો ઉપયોગ કર્યો હતો અને ત્યારથી B 52ને ઘણી વખત અપગ્રેડ કરવામાં આવ્યું છે. આ વિમાનનો ઉપયોગ યુએસ આર્મી દ્વારા સીરિયા, ઈરાક, અફઘાનિસ્તાન અને વિયેતનામ યુદ્ધમાં પણ કરવામાં આવ્યો છે. B 52 બોમ્બર દુશ્મન માટે કોઈ કાળથી ઓછો નથી. આ વિમાન દ્વારા એક સમયે 70 હજાર પાઉન્ડ પેલોડ ઉડાડી શકાય છે, અને આ વિમાન લગભગ 13 હજાર કિલોમીટર સુધી સતત ઉડાન ભરી શકે છે. સૌથી ખતરનાક બાબત એ છે કે, આ વિમાન દ્વારા એક જ સમયે એક આખું શહેર સંપૂર્ણપણે બરબાદ થઈ શકે છે.
તાલિબાન ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે
અમેરિકાની આગેવાની હેઠળના ગઠબંધન દળોએ અફઘાનિસ્તાનમાંથી વિદાય લેવાની જાહેરાત કરતા જ તાલિબાને અફઘાનિસ્તાનમાં પગ ફેલાવવાનું શરૂ કર્યું હતું. અમેરિકાએ ખતરનાક તાલિબાનનો સામનો કરવા માટે અફઘાન સૈનિકોને છોડી દીધા અને હવે સ્થિતિ એ છે કે, અફઘાનિસ્તાનના 400માંથી 218 જિલ્લાઓ પર તાલિબાન નિયંત્રણ સ્થાપિત થઈ ગયું છે અને તાલિબાન આતંકવાદીઓ સામે લડવામાં અફઘાન સેના નબળી પડી રહી છે. તાલિબાને બે રાજ્યોની રાજધાનીઓ કબ્જે કરી છે. આ અગાઉ તાલિબાન જોઝજનના શેબર્ગન શહેર પર કબ્જો કરી ચૂક્યું છે, જેની અફઘાન સરકારે પુષ્ટિ કરી છે. પ્રાંતીય રાજધાની કબ્જે કર્યા બાદ તાલિબાનોએ જેલમાં બંધ તમામ ગુનેગારોને મુક્ત કર્યા છે.
અમેરિકાએ કામગીરી શરૂ કરી
અમેરિકી સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે B 52 અને AC 130 વિમાનો કંદહાર, હેરત, હેલમંડ પ્રાંત અને લશ્કર ગારની આસપાસ તાલિબાન આતંકવાદીઓને નિશાન બનાવી રહ્યા છે. B 52 કતારની બહાર કાર્યરત છે, જ્યારે એરક્રાફ્ટ કેરિયર યુએસએસ રોનાલ્ડ રીગન અરબી સમુદ્રમાં તૈનાત છે. પરમાણુ સંચાલિત યુદ્ધ જહાજમાં F/A 18 સુપર હોર્નેટ્સનો કાફલો છે. અફઘાન એરફોર્સ એ 29 સુપર તુકાનો જેવા કેટલાક ટર્બો-પ્રોપ લાઇટ એટેક એરક્રાફ્ટ સજ્જ છે.
શું તાલિબાન હવે નિયંત્રણમાં રહેશે?
તાલિબાને શુક્રવારના રોજ દક્ષિણ પશ્ચિમ નિમરોઝ પ્રાંતની રાજધાની ઝરંજ પર કબ્જો કર્યો હતો, જ્યાં સરકારનું કહેવું છે કે, તે હજુ પણ રાજધાનીની અંદર બળવાખોરો સામે લડી રહી છે. શેબર્ગન ખાસ કરીને વ્યૂહાત્મક છે, કારણ કે તે યુએસના સાથી ઉઝબેક લડવૈયા રશીદ દોસ્તમનો ગઢ છે, જેની મિલિશિયાઓ અફઘાન રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણ દળોને મદદ કરી રહી છે. જો કે, તાલિબાનના હુમલામાં મિલિશિયાને ઘણું નુકસાન થયું હતું. અમેરિકા આ વિસ્તારોમાંથી તાલિબાનને હાંકી કાઢવા માટે જ કામગીરી ચલાવી રહ્યું છે, પરંતુ સવાલો ઉઠી રહ્યા છે કે, શું અમેરિકન સૈનિકો હવે તાલિબાનને નિયંત્રિત કરી શકશે, કેમ કે તાલિબાન હવે ટૂંક સમયમાં અફઘાનિસ્તાન પર કબ્જો જમાવી શકે તેવી સ્થિતિમાં છે.