દૈનિક કેસમાં થોડો ઘટાડો થયો હોવા છતાં દેશમાં કોરોના વાયરસનો ખતરો હજુ પણ યથાવત છે. છેલ્લા એક દિવસમાં કોરોનાને કારણે દેશમાં 600 થી વધુ લોકોના મોત થયા છે. શનિવારે આંકડા જાહેર કરતા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 38,628 નવા કેસ મળ્યા છે, જ્યારે 617 લોકોના મોત થયા છે.
જો કે, રાહતની વાત એ છે કે છેલ્લા ઘણા દિવસોથી દૈનિક કેસની સરખામણીમાં દર્દીઓની રિકવરીમાં વધારો થયો છે અને છેલ્લા એક દિવસમાં 40,017 દર્દીઓ સાજા થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ નવા આંકડાઓ સાથે દેશમાં કોરોના વાયરસના કેસોની કુલ સંખ્યા વધીને 3,18,95,385 અને સાજા થયેલા દર્દીઓની સંખ્યા 3,10,55,861 થઈ ગઈ છે. હાલ દેશમાં કોરોના વાયરસના 4,12,153 સક્રિય કેસ છે. આ સિવાય કોરોના સંક્રમણને કારણે દેશના વિવિધ રાજ્યોમાં અત્યાર સુધીમાં 4,27,371 દર્દીઓના મોત થયા છે.
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ, કોરોના વાયરસ રસીના કુલ 50,10,09,609 ડોઝ આપવામાં આવ્યા છે, જેમાંથી છેલ્લા 24 કલાકમાં 49,55,138 ડોઝ આપવામાં આવ્યા છે.