"મને જ્યારે ખબર પડી કે મારી દોઢ વર્ષની દીકરીના પેટમાં ગર્ભ વિકસી રહ્યો છે, ત્યારે મારા માથે આભ તૂટી પડ્યું."
"મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ડૉક્ટરોએ મારી દીકરીનું ઑપરેશન જીવલેણ હોવાનું કહી હાથ અધ્ધર કરી દીધા હતા."
"અમદાવાદની સરકારી હૉસ્પિટલમાં આવું ઑપરેશન થાય છે એવી ખબર પડી એટલે મેં ડૉક્ટરને ટ્વીટ કર્યું પછી દીકરીનું સફળ ઑપરેશન થઈ શક્યું અને હવે હું મધ્ય પ્રદેશ પાછો જાઉં છું."
મધ્ય પ્રદેશના ઝવેરી હર્ષિત સોની જેઓ પોતાની બાળકીનો જીવ બચાવવા મથી રહ્યા હતા, હવે તેઓ ખુશ છે.
હર્ષિત સોની મધ્ય પ્રદેશના નીમચ શહેરમાં રહે છે. પોતે ઝવેરાતની દુકાન ચલાવે છે અને તેમનાં પત્ની તારાના સોની બ્યુટી પાર્લર ચલાવે છે. ખાધે-પીધે સુખી આ પરિવારે જેટલા પથ્થર એટલે દેવ પૂજ્યા ત્યારે એમના ઘરે દીકરી વેદિકાનો જન્મ થયો.
નાનપણથી સુંદર લાગતી વેદિકા બોલતાં શીખી નહોતી પણ ભોજન પછી વારંવાર રડતી હતી, શરૂઆતમાં ઘરેલુ દવા કરી પછી ડૉક્ટરને પણ બતાવ્યું પણ કંઈ નિદાન ન થયું.
વેદિકાનાં માતા તારાના સોનીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "એક દિવસ હું એને સ્નાન કરાવતી હતી ત્યારે મને એના શરીરમાં ગાંઠ જેવું લાગ્યું, મેં મારા પતિને વાત કરી અમે ડૉક્ટરને બતાવ્યું, ગાંઠ જોઈ અમારા નિમચના ડૉક્ટરે સોનોગ્રાફી કરાવવા કહ્યું, એની સોનોગ્રાફી કરાવી ત્યારે ખબર પડી કે એના પેટમાં ગર્ભ છે, દોઢ વર્ષની દીકરીના પેટમાં ગર્ભ કેવી રીતે હોય, હું અને મારા પતિ બંને વિચારમાં પડી ગયાં."
હર્ષિત સોની વાતને વચ્ચેથી કાપતા કહે છે કે, "દોઢ વર્ષની બાળકીને ગર્ભ કેવી રીતે રહે? મેં મધ્ય પ્રદેશના ડૉક્ટરોનો સંપર્ક કર્યો, માત્ર નીમચ નહીં ઇન્દોર અને ભોપાલ સહિત અનેક શહેરોમાં તપાસ કરી પણ કોઈ ડૉક્ટર અમારો કેસ હાથમાં લેવા તૈયાર ન હતા."
"અમારાં સગાંએ સલાહ આપી કે રાજસ્થાનમાં સારવાર કરાવો પણ રાજસ્થાનમાં પણ કોઈ ડૉક્ટર મારી દીકરીનું ઑપરેશન કરવા તૈયાર ન હતા."
હર્ષિત સોની પોતાની દીકરીના ઇલાજ માટે કરવા પડેલા સંઘર્ષ વિશે કહે છે, "મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં અમને માત્ર નિરાશા જ સાંપડી હતી. અંતે અમને ખબર પડી કે અમદાવાદની સરકારી હૉસ્પિટલમાં આવાં બે સફળ ઑપરેશન કરાયાં છે."
તેઓ આગળ કહે છે કે, "મેં સરકારી હૉસ્પિટલના ડૉક્ટરને ટ્વીટ કરીને મારી સમસ્યા વિશે જણાવ્યું. એમણે અમને અમદાવાદ બોલાવી ઑપરેશન કરવાની તૈયારી બતાવી અને અમે અમદાવાદ આવ્યાં."
https://www.youtube.com/watch?v=0W-JxrkENLg
પેટમાં રહેલા ગર્ભથી પીડાતી બાળકીની તકલીફ નિવારવા મક્કમ નિર્ધાર કરનાર અમદાવાદ સિવિલ હૉસ્પિટલના પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના વડા ડૉક્ટર રાકેશ જોશી બાળકીની સારવાર વિશે જણાવતા કહે છે :
"મધ્ય પ્રદેશના ભાઈએ મને ટ્વીટ કરીને સંપર્ક કર્યો, ત્યારે તરત જ મેં એમને અમદાવાદ આવવા કહ્યું."
"બાળકનું સીટી સ્કૅન કરાવ્યું તો ખબર પડી કે બાળકી પાંચ લાખમાં એક બાળકને થતા 'ફીટસ ફિતુ' રોગનો શિકાર થઈ છે."
આ રોગ થવાનાં કારણો વિશે વાત કરતા તેઓ કહે છે, "આ રોગ થવાનાં બે કારણો છે મોનોઝાયનૉટિક અને ડાયઝાયનૉટિક. એટલે કે અંડકોષમાં શુક્રાણુ જાય ત્યારે ફલિત અંડકોષ ઘણી વાર બે ભાગમાં વિભાજિત થાય જેને મોનોઝાયનૉટિક કહેવાય, આવી અવસ્થામાં જોડિયાં બાળકોની શક્યતામાં વધારો થાય છે."
"જ્યારે આઇવીએફથી ઘણીવાર એક કરતાં વધુ ઓવમ માટેનો પ્રયાસ કરવામાં આવે ત્યારે પણ જોડિયાં બાળક થતાં હોય છે, આ સંજોગોમાં જયારે અંડકોષ અને શુક્રાણુના મિલન પછી કોષોનું વિભાજન થવા લાગે ત્યારે કેટલીક વખત એક અંડકોષમાં એક ગર્ભ અવિકસિત રહે છે અને બીજો ગર્ભ વિકસિત થાય છે. આ પ્રક્રિયાને ડાયઝાયનૉટિક કહે છે. પણ આવું પાંચ લાખમાંથી એક બાળકમાં બને છે."
ઑપરેશન અંગેની વિગત આપતાં ડૉક્ટર રાકેશ જોશી કહે છે, "18 મહિનાની વેદિકા અમારી પાસે આવી ત્યારે તેના શરીરમાં રહેલો ગર્ભ 400 ગ્રામનો થઈ ગયો હતો. સામાન્યપણે લોકો એવું માનતા હોય છે કે ફીટસ ફિતુમાં બાળકીના ગર્ભાશયમાં ગર્ભ હોય છે પણ એવું નથી હોતું એ ગર્ભાશયની બહારના ભાગમાં વિકસે છે."
તેઓ આગળ કહે છે કે, "વેદિકાના પેટના ભાગમાં આ ગર્ભ વિકસી રહ્યો હતો અને તે લીવર અને કિડની પર અસર કરી રહ્યો હતો, કારણ કે એ ગાંઠની જેમ વિકસે છે."
ગર્ભની ગંભીર અસરો અને ઑપરેશનની ગંભીરતા વિશે વાત કરતા ડૉ. જોશી કહે છે, "આ વિકસિત ગર્ભ કિડનીની નળી, લીવરની નસો પર અસર કરતો હોય છે જેથી બાળક પૂરતો ખોરાક લઈ શકતું નથી. એને પેશાબની તકલીફ થાય છે. આ ઑપરેશન વાસ્તવમાં ઘણું જોખમી હોય છે."
તેઓ આગળ કહે છે, "અમે જોયું કે બાળકનું હિમોગ્લોબિન બરાબર છે એટલે એના ઑપરેશનની તૈયારી કરી લીધી. ઍનેસ્થેટિસ્ટને સાથે રાખી કિડની, કરોડરજ્જુ અને લીવરને દબાવતો આ અવિકસિત ગર્ભ સાડા ત્રણ કલાકના ઑપરેશન બાદ દૂર કરી નાખ્યો."
ડૉક્ટર રાકેશ જોશી આ પ્રકારની ગાંઠ અંગે વધુ સમજ આપતાં કહે છે કે, "આવા કેસમાં જે ગર્ભ વિકસે છે એ ગાંઠ જેવો હોય છે. જે તમને સીટી સ્કૅનમાં બાળક વિકસતું હોય એવું જ લાગે પણ એનાં ફેફસાં, મગજ કે બીજાં અંગોના કોષો કામ કરતા નથી હોતા એટલે એ એક પ્રકારની ગાંઠ જેવું હોય છે."
તેઓ આગળ જણાવે છે, "પણ આ કૅન્સર જેવી ગાંઠ નથી હોતી એટલે વજન ઘટે કે હિમોગ્લોબિન ઘટવાની શક્યતા નથી રહેતી, પણ ઑપરેશન જોખમી એટલે હોય છે કે નાના બાળકનાં લીવર અથવા કિડની પાસેની કોઈ ધોરી નસ ઑપરેશન વખતે કપાઈ જાય તો બાળકને બચાવવું મુશ્કેલ બની જાય છે."
"આ ઉપરાંત સર્જન અને ઍનેસ્થેટિસ્ટનું સંયોજન એ સમયે જરૂરી હોય છે જેથી ઑપરેશન વખતે શરીરના બીજા સ્નાયુ રિલૅક્સ રહે અને ઓછો ઑક્સિજન વપરાય તો ઑપરેશન સફળ થાય છે."
તેઓ આવાં ઑપરેશનમાં પોતાની નિપુણતા અંગે જણાવતાં કહે છે, "મારી કારકિર્દીમાં આ પ્રકારનું આ ત્રીજું ઑપરેશન છે. આ પહેલાં 2017 અને 2019માં આવાં જ બે સફળ ઑપરેશન હું કરી ચૂક્યો છું."
વેદિકાનાં માતા તારાના સોની જણાવે છે કે તેઓ ઘણા ડૉક્ટરો તરફથી નિરાશાજનક જવાબ મળવાના કારણે આશા ગુમાવી ચૂક્યાં હતાં.
તેઓ વેદિકાની હાલની પરિસ્થિતિ અંગે વાત કરતાં કહે છે, "અમને લગ્ન જીવનના લાંબા સમય બાદ બાળક થયું હતું. અમે અનેક જગ્યાએ ગયા પછી બધા ડોક્ટરોએ ઑપરેશનની ના પડતાં અમે એની બચવાની આશા છોડી દીધી હતી પણ ઑપરેશન થયા પછી એ હવે બરાબર ખાઈ શકે છે હવે અમને આશા છે કે અમારી વેદિકા પણ બીજાં બાળકોની જેમ મોટી થશે."
વેદિકાના પિતા હર્ષિત સોનીએ કહ્યું, "મારા એક ટ્વીટ મારી દીકરીને બચાવી લીધી, આ ઑપરેશન માટે ડૉક્ટરને ટ્વીટ કર્યું અને એના ઑપરેશન પછી એની પીડા ઓછી થઈ ગઈ છે. અમે દોઢ વર્ષમાં પહેલી વાર એને હસતી જોઈ છે, એના આ રોગને કારણે એ કાયમ રડતી રહેતી હતી, પણ હવે એમ લાગે છે કે મારી દીકરીની જિંદગી સરળ અને ખુશહાલ થઈ જશે."
https://www.youtube.com/watch?v=0W-JxrkENLg
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો