જમ્મુ-કાશ્મીર : 370 નાબૂદીનાં બે વર્ષ બાદ શું વધુ સ્થાનિકો ચરમપંથમાં જોડાયા છે?

By BBC News ગુજરાતી
|

બશીર અહમદ ભટ્ટના ભાઈના ઘરની દીવાલ પર લોહીના છાંટા હજી દેખાય છે. લોહીના આ છાંટા એ સાંજની યાદ અપાવે છે જ્યારે તેમના પરિવારના ત્રણ સભ્યો કાશ્મીરના પુલવામા જિલ્લામાં માર્યા ગયા હતા.

બશીરના ભાઈ ફૈયાઝ અહમદ ભટ્ટ કાશ્મીર પોલીસમાં હતા. આ વર્ષે 27 જૂનની જ્યારે તેઓ રાત્રે સૂવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમના બારણે કોઈના ખખડાવવાનો અવાજ આવ્યો.

તેમનાં પત્ની અને પુત્રી પણ ઘરે હતાં અને તેઓ રાત્રે બારણું ખોલવાના જોખમ વિશે તેઓ જાણતા હોવા છતાં બારણું ખોલ્યું. બારણું ખૂલતાંની સાથે જ બે કથિત ચરમપંથીઓએ ગોળીબાર કરીને તેમનાં પત્ની અને પુત્રી સહિત તેમની હત્યા કરી નાખી.

45 વર્ષના ફૈયાઝ એક સ્પેશિયલ પોલીસ અધિકાર (એસપીઓ) હતા. આ કાશ્મીર પોલીસમાં એક ઓછા પગારવાળી નોકરી છે. તેમનું પોસ્ટિંગ પાસેના એક શહેરમાં હતું.

ફૈયાઝના ભાઈ જે નજીકના જ એક ઘરમાં રહેતા હતા તેમને ગોળીબારનો અવાજ સંભળાયો હતો. તેઓ ભાગીને તેમના ભાઈના ઘરે પહોંચી ગયા.

તેમણે ત્યાં જે જોયું તેની કલ્પના પણ નહોતી કરી. બારણા પાસે જ તેમના ભાઈ ફૈયાઝનો મૃતદેહ પડ્યો હતો અને બાજુમાં તેમનાં પત્ની અને પુત્રી મૃત પડ્યાં હતાં.

બશીર ભટ્ટ પોતાના ભાઈ અને પરિવાર વિશે કહે છે, "મારો ફૂલોથી ભરેલો બગીચો એ ગોળીઓથી તબાહ થઈ ગયો."


"તેમની શું ભૂલ હતી?"

જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરાયો અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચી નાખવામાં આવ્યું તેને બે વર્ષ પૂરાં થયાં છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારે દાવો કર્યો છે કે શાંતિ માટે આ પગલું જરૂરી હતું. પરંતુ આજે બે વર્ષ પૂરાં થયાં બાદ પણ સુરક્ષાદળો માટે કામ કરનારા કેટલાય સામાન્ય અને સ્થાનિક લોકોને નિશાન બનાવાય છે.

દિલ્હીની ઇન્સ્ટિટ્યૂટ ફૉર કૉન્ફ્લિક્ટ મૅનેજમેન્ટના એક્ઝેક્યુટિવ ડાયરેક્ટર અજય સાહની પ્રમાણે, "આ એ લોકો છે જેમને સરહદને પેલે પાર પોલીસના ઇન્ફૉર્મર અથવા સહયોગી કહેવાય છે. આ લોકો અને તેમના પરિવાર એકદમ સહેલા અને પ્રથમ ટાર્ગેટ હોય છે."

રિપોર્ટ્સ મુજબ કાશ્મીરમાં ચરમપંથી ઘટનાઓમાં જુલાઈ સુધી 19 સામાન્ય લોકો અને 15 સુરક્ષાકર્મીઓનાં મૃત્યુ થયાં છે.

કેન્દ્રીય ગૃહમંત્રાલયના 2019-20ના વાર્ષિક રિપોર્ટ મુજબ 1990માં કાશ્મીરમાં ચરમપંથની શરૂઆત પછી ડિસેમ્બર 2019 સુધી 14,054 નાગરિકો અને 5,294 સુરક્ષાકર્મીઓ મૃત્યુ પામ્યાં છે. જોકે માનવામાં આવે છે કે ખરેખર આંકડો ઘણો મોટો છે.

ભારત લાંબા સમયથી પાકિસ્તાન પર અશાંતિ ફેલાવાનો આરોપ મૂકે છે અને પાકિસ્તાન આ આરોપને ફગાવે છે.

કાશ્મીરની સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે સીઝફાયરને કારણે પાકિસ્તાન તરફથી ચરમપંથીઓના પ્રવેશમાં ઘટાડો થયો છે, પરંતુ હિંસા હજી રોકાઈ નથી.

જમ્મુ-કાશ્મીરના ઇન્સ્પેક્ટર જનરલ વિજયકુમારે જૂનમાં એક પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું, "છેલ્લા કેટલાક દિવસોમાં નિર્દોષ લોકો અને રજા પર ગયેલા કે પછી મસ્જિદમાં પોલીસકર્મીઓને નિશાન બનાવાયા છે. ચરમપંથી ભયનું વાતાવરણ સર્જવા માગે છે, તેઓ અહીંયાં શાંતિ અને સ્થિરતા નથી ઇચ્છતા."


ચરમપંથની સ્થિતિ શું છે?

મૃત્યુ પામનાર લોકોના આંકડા જોઈએ તો કેન્દ્ર સરકારે કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યો ત્યારબાદ આ વિસ્તારમાં સ્થાનિક ચરમપંથીઓની હત્યામાં વધારો થયો છે.

સૈન્યદળો અને ચરમપંથીઓ વચ્ચે ઍન્કાઉન્ટરની સંખ્યા પણ છેલ્લા થોડા સમયથી વધી છે.

આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધી જમ્મુ કાશ્મીરના અલગલઅલગ વિસ્તારોમાં 90 કથિત ચરમપંથીઓ ઍન્કાઉન્ટરમાં માર્યા ગયા છે.

તેમાં 82 કથિત ચરમપંથી સ્થાનિક હતા, તેમાંથી કેટલાકની ઉંમર 14 વર્ષ હતી. કેટલાક તો અલગતાવાદી જૂથો સાથે જોડાયેલા હોવાની માહિતી મળ્યાના ત્રણ દિવસની અંદર જ માર્યા ગયા.

સમાચાર એજન્સી પીટીઆઈના એક રિપોર્ટ મુજબ વર્ષ 2020માં 203 ચરમપંથી જમ્મુ-કાશ્મીરમાં માર્યા ગયા હતા. તેમાંથી 166 સ્થાનિક ચરમપંથી હતા. વર્ષ 2019માં 152 ચરમપંથીઓ માર્યા ગયા, જેમાંથી 120 લોકલ કાશ્મીરી હતા.

એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ બીબીસીને જણાવ્યું કે કાશ્મીરમાં 200થી વધારે સક્રિય ચરમપંથી છે. માનવામાં આવે છે કે એમાંથી 80 વિદેશી છે અને 120 સ્થાનિક.

ભારતે હંમેશાં પાકિસ્તાનને કાશ્મીરમાં ચરમપંથને પ્રોત્સાહન આપવા અને કાશ્મીરમાં ચરમપંથીઓને ટ્રેનિંગ આપવા તથા હથિયાર સપ્લાય કરવા માટે જવાબદાર ઠેરવ્યું છે, પાકિસ્તાન આ આરોપોને ફગાવતું આવ્યું છે.

દિલ્હીના રક્ષા થિંક ટૅન્કના અજય સાહની કહે છે કે "કેન્દ્ર સરકારની નીતિઓને લઈને અસંતોષ લોકોના ચરમપંથી જૂથો સાથે જોડાવા પાછળનું એક કારણ હોઈ શકે છે."


સરહદ પર શાંતિ

એલઓસી પર ફેબ્રુઆરીથી બંને દેશો વચ્ચે સીઝફાયરના નિર્ણય પછી શાંતિ છે, પરંતુ કાશ્મીરમાં ચરમપંથી હુમલા અને ઍન્કાઉન્ટર સતત ચાલુ છે.

શ્રીનગરમાં હાજર ભારતીય સેનાના એક અધિકારી જણાવે છે કે સીઝફાયરનું એલઓસી પર એક વખત પણ ઉલ્લંઘન થયું નથી.

શ્રીનગરના ચિનાર કૉર્પ્સના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ દેવેન્દ્રપ્રતાપ પાંડે કહે છે, "જ્યાં સુધી અમને જાણકારી છે, કાશ્મીર વિસ્તારમાં સરહદ પારથી સીઝફાયરના ઉલ્લંઘનની એક પણ ઘટના નથી બની."

એલઓસી એટલે કે નિયંત્રણરેખાની આસપાસના લોકોએ ઘણું સહન કરવાનું આવતું હોય છે.

1998માં શાઝિયા મહમૂદનાં માતાનું મૃત્યુ પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં થયું હતું. તેમના ઘરને નિશાન બનાવવામાં આવ્યું હતું. વર્ષ 2020માં સરહદ પાર થયેલા ગોળીબારમાં તેમના પતિનો ભોગ લેવાયો હતો.

શાઝિયા કહે છે કે એક દિવસ સવારે 11 વાગ્યે બંને તરફથી ગોળીબાર શરૂ થયો. શાઝિયાએ તેમના પતિને ફોન કર્યો, જે કામ પર ગયા હતા.

તેઓ કહે છે, "તેમણે અમને સંતાઈ જવા કહ્યું અને કહ્યું કે મારી રાહ જોજો."

પરંતુ તેઓ ક્યારેય પાછા ન આવ્યા. એક ગોળો વાગવાથી તાહિર મહમૂદનું મૃત્યુ થઈ ગયું.

શાઝિયા કહે છે, "જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યારે મારી નાની દીકરી માત્ર 12 દિવસની હતી, હવે જ્યારે તે પિતા વિશે પૂછશે તો હું તેને શું કહીશ?"


નિયંત્રણરેખા પર શાંતિ

નિયંત્રણરેખા પર હાલ શાંતિ છે, પરંતુ લોકોને શંકા છે કે શું 2003માં જ્યારે સીઝફાયરના કરાર પર બંને દેશોએ હસ્તાક્ષર કર્યા હતા તેનું પાલન થતું રહેશે.

પરંતુ સરહદથી દૂર કાશ્મીરનાં શહેરો અને ગામોમાં બશીર અહમદ ભટ્ટ જેવા લોકો માટે આ અશાંતિનો સમય છે.

તેઓ કહે છે, "ભારત અને પાકિસ્તાન બંને દેશોના નેતા અમારા જીવન સાથે રમી રહ્યા છે, તેમણે વાતચીત કરવી જોઈએ."

"હું ઇચ્છું છું કે કૃપા કરીને માણસાઈને બચાવો. આ વિવાદનો ઉકેલ લાવવો જોઈએ, જેથી કાશ્મીરી લોકોને મરવું ન પડે અને માનવતાને બચાવી શકાય."



https://www.youtube.com/watch?v=gZpVkvX2HHc

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો