એસ્ટ્રાઝેનેકા, સિનોફાર્મા અને મોર્ડનાની રસીઓ સાથે રશિયાની કોરોના રસી સ્પુટનિક વીને ભેગી કરીને તૈયાર કરવામાં આવેલી કોરોનાની રસીથી પ્રારંભિક સંશોધનમાં સારા પરિણામો મળ્યા છે. રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) એ આ માહિતી આપી છે. RDIF એ કહ્યું છે કે એસ્ટ્રાઝેનેકા, સિનોફાર્મા અને મોર્ડેનાની રસીઓ સાથે સ્પુટનિક વી લાઇટના વેરયિંટનું મિશ્રણ કોરોના વાયરસ સામે મજબૂત ઈમ્યૂનિટી પેદા કરે છે. આર્જેન્ટિનાના બ્યુનોસ-આયર્સ પ્રાંતમાં હાથ ધરાયેલા અભ્યાસમાં આ પરિણામ સામે આવ્યા છે.
RDIF એ તેના નિવેદનમાં કહ્યું છે કે આ રસી, જે કેટલીક રસીઓનું સંયોજન છે, કોરોના વાયરસ સામે લાંબી અને વધુ ટકાઉ ઈમ્યૂનિટી બનાવવામાં સફળ સાબિત થઈ રહી છે. આ સ્થિતિમાં, જો આ રસી જલ્દીથી બજારમાં આવે છે, તો તે કોરોના પર કાબુ મેળવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ પહેલાથી જ જણાવી ચૂક્યું છે કે ભારતમાં રશિયાની કોરોના રસી સ્પુટનિક V નું ઉત્પાદન સપ્ટેમ્બરમાં સંપૂર્ણપણે શરૂ થશે. RDIF એ જણાવ્યું હતું કે ભારતમાં વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદન કંપનીઓ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, ગ્લેન્ડ ફાર્મા, હેટેરો બાયોફાર્મા, પેનાસીયા બાયોટેક, સ્ટેલિસ બાયોફાર્મા, વિર્ચો બાયોટેક અને મોરેપેન લેબોરેટરીઝ સાથે સ્પુટનિક V રસી માટેનું મુખ્ય ઉત્પાદન હબ પણ બનશે. આરડીઆઈએફ ની ભારતમાં ઓગસ્ટ સુધીમાં સ્પુટનિક વી અને સ્પુટનિક લાઈટની ડિલિવરીને વેગ આપવાની યોજના છે. ડ઼ૉ. રેડ્ડી લેબોરેટરીઝે ભારતમાં સ્પુટનિક V ના ઉત્પાદન માટે મે 2021 માં RDIF સાથે કરાર કર્યો હતો.
તમને જણાવી દઈએ કે, હાલમાં ભારતમાં મુખ્યત્વે બાયોટેકની કોવેક્સિન અને સીરમની કોવિશિલ્ડનો ઉપયોગ થઈ રહ્યો છે. જો કે સ્પુટનિકને પણ મંજૂરી આપવામાં આવી છે, તેમ છતાં તેનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત છે.