અફઘાનિસ્તાન : લશ્કરગાહ માટે તાલિબાન અને અફઘાન સેના વચ્ચે ભયંકર લડાઈ, કેમ અગત્યનું છે આ શહેર?

By BBC News ગુજરાતી
|

અફઘાનિસ્તાનના હેલમંદ પ્રાંતમાં તાલિબાન અને અફઘાન સેના વચ્ચે ભયંકર લડાઈ ચાલી રહી છે.

તાલિબાનના લડવૈયાઓ હેલમંદ પ્રાંતની રાજધાની લશ્કરગાહમાં દાખલ થઈ ગયા છે જ્યાં તેમણે સરકારી રેડિયો અને ટીવીના પ્રાંત સ્તરના કાર્યાલય પર કબજો કરી લીધો છે અને 20 વર્ષ પછી પોતાનું પ્રસારણ ફરી શરૂ કર્યું છે.

એ સિવાય ગવર્નર હાઉસ અને શહેરના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં અફઘાન સેના અને તાલિબાન વચ્ચે ભીષણ લડાઈ ચાલી રહી છે.

લશ્કરગાહના સ્થાનિક લોકોનું કહેવું છે કે શહેરના જે વિસ્તારો પર તાલિબાનનો કબજો છે ત્યાં સરકારી વાયુસેના તરફથી ભારે બૉમ્બવર્ષા થઈ રહી છે જેમાં એક યુનિવર્સિટીને પણ નિશાન બનાવવામાં આવી હતી.

અફઘાન તાલિબાનના મુખ્ય પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદે શનિવારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર દાવો કર્યો હતો કે અફઘાન સેનાએ ભારત સરકાર તરફથી આપવામાં આવેલા ફાઇટર વિમાનથી લશ્કરગાહની એક મોટી હૉસ્પિટલને નિશાન બનાવ્યું હતું.

અમેરિકન ઍરફોર્સની બૉમ્બવર્ષા

વરિષ્ઠ અફઘાન પત્રકાર બિલાલ સરવરી પ્રમાણે મંગળવારની સવારે અમેરિકન ફાઇટર વિમાને પણ લશ્કરગાહમાં તાલિબાનના લડવૈયાઓ પર બે વખત બૉમ્બ વરસાવ્યા હતા.

લશ્કરગાહમાં તાલિબાન મલ્ટીમીડિયા પંચના પ્રમુખ અસદ અફઘાને ત્યાંની પરિસ્થિતિ વિશે જણાવ્યું કે ગવર્નર હાઉસ, સેન્ટ્રલ જેલ ,પોલીસ, ઇન્ટેલિજન્સ અને સેનાના પ્રાંતીય મુખ્યાલય સિવાય લશ્કરગાહની બધી સરકારી ઇમારતો પર તાલિબાને કબજો કરી લીધો છે.

સ્થાનિક લોકોએ અસદ અફઘાનના આ દાવાની પુષ્ટિ કરતાં કહ્યું કે તાલિબાને બધી ઇમારતોને ઘેરી લીધી છે જેને કારણે અફઘાન સૈનિકો એકબીજાની મદદ માટે નથી પહંચી શકતા.

અસદ અફઘાને દાવો કર્યો કે તાલિબાને લશ્કરગાહમાં સ્થિત પ્રાંતના એકમાત્ર ઍરપૉર્ટને પણ ઘેરી લીધું છે અને તેમના ફાઇટર વિમાનને ઉડવા કે ઊતરવા નથી દઈ રહ્યા.


લશ્કરગાહનું મહત્ત્વ શું છે?

તાલિબાનની નજીક માનવામાં આવતા એક અફઘાન પત્રકાર નસીબ જદરાન પ્રમાણે, ઐતિહાસિક રૂપથી હેલમંદ પર જેનું પણ નિયંત્રણ હોય છે તેમને અફઘાનિસ્તાનના દક્ષિણી અને પશ્ચિમી પ્રાંત પર લીડ મળે છે.

જરદાન કહે છે કે લશ્કરગાહ પર તાલિબાનનો કબજો હોવાથી અફઘાનિસ્તાનના દક્ષિણી અને પશ્ચિમી પ્રાંત ખાસ કરીને હેરાત અને કંધાર, તાલિબાનના નિયંત્રણમાં આવી જશે. એટલે તાલિબાન અને સરકાર બંને વચ્ચે લશ્કરગાહ પર નિયંત્રણ માટે ભયંકર લડાઈ ચાલી રહી છે.

ગત વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકાની સાથે દોહામાં યુદ્ધ અંગેનો કરાર થયો હતો. ત્રણ મહિના પહેલાં જ્યારે તારીખ પહેલી મેના રોજ કરાર લાગુ કરવાનો સમય નક્કી થયો ત્યારે તાલિબાને હુમલાની શરૂઆત હેલમંદથી કરી હતી.

પ્રાંતના પાટનગર લશ્કરગાહ સિવાય તાલિબાને નવા અને નહર-એ-સિરાજ જિલ્લાઓ પર પણ હુમલો શરૂ કર્યો છે. આ હુમલામાં તાલિબાનને શરૂઆતમાં અફઘાન સેનાની વિરુદ્ધ કેટલીક સફળતા મળી છે પરંતુ કેટલાક દિવસો બાદ સેનાએ ભારે હવાઈ હુમલાથી તાલિબાનને પાછળ ખદેડ્યું અને તેમને ભારે નુકસાન પણ પહોંચાડ્યું. પરંતુ અત્યારે તાલિબાને હેલમંદના બધા 15 જિલ્લાઓ પર કબજો કરી લીધો છે.

હેલમંદ દક્ષિણી અફઘાનિસ્તાનમાં દેશનો સૌથી મોટો પ્રાંત છે જેની સરહદ પાકિસ્તાનના બલૂચિસ્તાન અને અફઘાનિસ્તાનના સાત પ્રાંતોની સાથે જોડાયેલી છે, જેમાં કંધાર, નિમરોજ, ફરાહ, ગૌર, દાઈકંદી, અર્ઝગાન અને ઝાબુલ પ્રાંત સામેલ છે.

https://www.youtube.com/watch?v=0B0qjZ-HClE&t=2s

હેલમંદ અફઘાન તાલિબાનનો એક ઐતિહાસિક ગઢ છે જે 9/11 પછી અફઘાનિસ્તાનના એ પ્રાંતોમાં સામેલ હતું જ્યાં તાલિબાને ઝડપથી પોતાનું વર્ચસ્વ વધાર્યું હતું. અમેરિકા અને તેની સહયોગી સેનાને તાલિબાનના ઐતિહાસિક વિરોધનો સામનો કરવો પડ્યો હતો. હેલમંદની એક વિશેષતા એ પણ છે કે અફીણની ખેતી અને તેના ઉત્પાદન માટે આ મહત્ત્વનું સ્થાન છે.

પત્રકાર અને વિશ્લેષક ડૉક્ટર દાઉદ આઝમીએ જણાવ્યું કે છેલ્લાં 20 વર્ષોમાં આ પ્રથમ વખત છે જ્યારે તાલિબાન લશ્કરગાહની અંદર પ્રમુખ સ્થળો સુધી પહોંચી ગયું છે. જોકે તાલિબાનની વિરુદ્ધ કેટલાક વિસ્તારોમાં અફઘાન સેના નિષ્ફળ રહી છે પરંતુ તેમને હવાઈ હુમલાની મદદ મળે છે.

ડૉક્ટર દાઉદ આઝમી માને છે કે આ હવાઈ હુમલા તાલિબાનની ગતિને ધીમી પાડી શકે છે અને તેને પાછળ હઠવા માટે મજબૂર કરી શકે છે.

અફઘાનિસ્તાનમાં ઇન્ટરનેશનલ ક્રાઇસિસ ગ્રૂપના એક નિષ્ણાત ઍન્ડ્ર્યૂ વાટકિંસનું કહેવું છે કે લશ્કરગાહની પરિસ્થિતિ બહુ ખરાબ છે. આ શહેર સાથે સંપર્ક તૂટી ગયો છે અને જો તાલિબાનથી શહેરને બચાવી લેવામાં આવે તો પણ સેના તેને લાંબા સમય સુધી નહીં સાચવી શકે.

તેઓ કહે છે કે લશ્કરગાહ પર કબજો એ તાલિબાનની પ્રાથમિકતા છે.

વાટકિંસ ભૂતકાળમાં અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્રના વિશેષ રાજકીય મિશનનો ભાગ પણ રહ્યા છે.

બીબીસી ઉર્દૂને તેમણે જણાવ્યું કે લશ્કરગાહ પર તાલિબાનનો સંભવિત કબજો તેમના હાલના દાવાને નકારે છે. જેમાં તાલિબાને કહ્યું હતું કે તેઓ અફઘાનિસ્તાનની જનતાને નુકસાનથી બચાવવા માગે છે એટલે પ્રમુખ શહેરો પર કબજો કરવાનો પ્રયત્ન હાલ નહીં કરે કારણ કે આમાં લોકોને જાનમાલનું મોટું નુકસાન થઈ શકે છે.


હેલમંદ, અલ-કાયદા અને પાકિસ્તાની તાલિબાન

અફઘાન લશ્કરના કમાન્ડરે ચેતવણી આપી છે કે જો તાલિબાન આ પ્રદેશ જીતી લેશે તો વૈશ્વિક સુરક્ષા માટે તે મોટું જોખમ હશે.

જો તમે પાકિસ્તાની તાલિબાન અને અલ-કાયદાના પ્રસારણ અને પ્રચાર સામગ્રીની સમીક્ષા કરો તો અફઘાન તાલિબાનનાં બંને સહયોગી જૂથોએ શરૂઆતથી જ હેલમંદમાં અમેરિકા તેના સહયોગીઓની વિરુધ અફઘાન સેનાના યુદ્ધમાં તાલિબાનનું સંપૂર્ણ સમર્થન કર્યું છે.

વર્ષ 2007 થી જ્યારે તાલિબાને આ યુદ્ધ મોરચો સક્રિય કર્યો ત્યારથી આ બંને સમૂહ પોતાના લડવૈયાઓને અફઘાન તાલિબાનની સાથે મળીને લડવા માટે મોકલતાં રહ્યાં છે.

અફઘાન સેનાના જનરલ સમી સાદાતે પણ એક ઑડિયો ઇન્ટરવ્યૂમાં આ ખુલાસો કર્યો હતો કે અલ-કાયદા અને તેની શાખાના સભ્યો હજી તાલિબાનની સાથે હેલમંદમાં શરણ લઈ રહ્યા છે જે અફઘાન સેનાની સામે યુદ્ધમાં આર્થિક અને અન્ય મદદ પણ પહોંચાડી રહ્યા છે.

અલકાયદાના આધિકારિક અને પ્રચાર એજન્સીઓથી પ્રકાશિત સામગ્રીની સમીક્ષાથી જનરલ સાદાતના દાવાની પુષ્ટિ થાય છે.

જેમકે, 2015માં વજીરિસ્તાનથી અલ-કાયદાના નીકળ્યા પછી હેલમંદમાં શરૂઆતમાં તેના સભ્યઓએ તાલિબાન પાસે શરણ લીધી. તેઓ પોતાના સહયોગીઓ અને પરિવાર સાથે એક સ્થાનિક અફઘાન તાલિબાન કમાન્ડરના ઘરે રહ્યા હતા.

આ રીતે જ આની પહેલા જૂન મહિનામાં પંજાબના ખાનેવાલ જિલ્લાના રહેવાસી અલકાયદાના વિદેશ મામલાના પ્રમુખ અને 9/11 પછી પાકિસ્તાનમાં અલ-કાયદાના પ્રમુખ સંસ્થાપક રાણા ઉમેર અફઝલ પણ અમેરિકા અને અફઘાન સેનાના એક સંયુક્ત હુમલામાં અહીંયા જ માર્યા ગયા હતા.

એ સિવાય સપ્ટેમ્બર 2016 માં અલ-કાયદાના પ્રસારક અલ-સહાબના પ્રમુખ એન્જિનિયર ઓસામા ઇબ્રાહિમ ગોરી જે પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદના હતા તેઓ પણ અમેરિકાના ડ્રોન હુમલામાં માર્યા ગયા હતા.



https://www.youtube.com/watch?v=R_UTkpkjHz8&t=2s

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો