નવી દિલ્લીઃ દેશમાં સતત બીજા દિવસે જાનલેવા મહામારી કોરોના વાયરસના 42 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 42,982 નવા કેસ નોંધવામાં આવ્યા છે. બુધવારની સરખામણીમાં આજે 357 નવા દર્દી સામે આવ્યા હતા જ્યારે મંગળવારે માત્ર 30549 કોરોનાના નવા કેસ નોંધવામાં આવ્યા હતા. દેશમાં એવા ઘણા જિલ્લા છે જ્યાં કોવિડ-19ના કેસોમાં વધારો જોવા મળ્યો છે.
કેન્દ્રીય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ આજે(ગુરુવારે) સામે આવેલા નવા 42,982 કેસ સાથે હવે દેશમાં કોરોનાના કુલ કેસો વધીને 3,18,12,114 થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં મહામારીથી 533 લોકોએ દમ તોડી દીધો છે. જ્યારે આ દરમિયાન 41,726 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ ઉપરાંત દેશમાં કોરોનાથી મરનારની કુલ સંખ્યા વધીને 4,26,290 થઈ ગઈ છે. વળી, અત્યાર સુધી કોરોના વાયરસથી કુલ 3,09,74,748 લોકો રિકવર થયા છે. સક્રિય કેસોની વાત કરીએ તો દેશભરમાં 4,11,076 કોરોનાના સક્રિય દર્દી છે.
આ રાજ્યોમાં ફરીથી ડરાવી રહ્યો છે કોરોના
કોરોનાની ત્રીજી સંભવિત લહેરની તૈયારીઓ વચ્ચે રસીકરણ અભિયાન પણ યુદ્ધના ધોરણે ચાલુ છે. અત્યાર સુધી દેશના 48,93,42,295 લોકોને કોવિડ વેક્સીનની પહેલો અને બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશના પાંચ રાજ્યોમાં કોરોના વાયરસના કેસોમાં ઉછાળો નોંધવામાં આવ્યો છે. આ લિસ્ટમાં 22,414 નવા કેસો સાથે કેરળ સૌથી ઉપર છે. ત્યારબાદ બીજા નંબરે 6126 નવા કેસો સાથે મહારાષ્ટ્ર અને પછી આંધ્ર પ્રદેશમાં 2442 કેસ, તમિલનાડુમાં 1949 કેસ અને કર્ણાટકમાં 1769 નવા કેસ સામે આવ્યા.