કોરોનાનું 'R વેલ્યૂ' શું છે?
કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિ અન્ય જેટલા લોકોને સંક્રમિત કરે તે સંખ્યાને તેને તેની R વેલ્યૂ કહેવામાં આવે છે. એટલે કે, જો કોવિડ-19 થી સંક્રમિત વ્યક્તિ એક વ્યક્તિને સંક્રમિત કરે છે, તો R વેલ્યૂ 1 હશે અને જો સંક્રમિત વ્યક્તિ સરેરાશ 2 લોકોમાં ફેલાવે છે, તો R વેલ્યૂ બે હશે. 1 કરતા ઓછી R વેલ્યૂ સૂચવે છે કે, એક દર્દી સરેરાશ એક કરતા ઓછા વ્યક્તિને સંક્રમિત કરી રહ્યો છે. એટલે ડોકટરો ઈચ્છે છે કે R વેલ્યૂ 1 કરતા ઓછું હોય. ગયા અઠવાડિયે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પણ પુષ્ટિ કરી હતી કે R વેલ્યૂ 1 થઈ ગયુ છે.
27 થી 31 જુલાઈ દરમિયાન અંદાજિત R વેલ્યૂ 1.03
ચેન્નાઈના ગણિત વિજ્ઞાન સંસ્થામાં કોમ્પ્યુટેશનલ બાયોલોજી અને સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર સીતાભારા સિન્હાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, R વેલ્યૂ 27 જુલાઈએ પ્રથમ વખત 1 નંબરને પાર ગઈ હતી. 7 મી મે પછી પહેલી વખત આ જોવા મળ્યું છે. 27 થી 31 જુલાઇના સમયગાળામાં અંદાજિત R વેલ્યૂ 1.03 રહેવાનો અંદાજ છે.
આ રાજ્યોમાં કોરોનાની 'R વેલ્યૂ' વધી રહ્યી છે
મણિપુર, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરા સિવાય, પૂર્વોત્તરના મોટાભાગના રાજ્યોમાં R વેલ્યૂ 1 કરતા વધારે છે. નિષ્ણાતોએ કેરળ, કર્ણાટક, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વધતા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં R વેલ્યૂ પણ 1 ની નજીક છે. દિલ્હી, ચેન્નાઈ, બેંગ્લોર અને કોલકાતામાં R વેલ્યૂ એક કરતા વધારે છે.
વધી રહેલી R વેલ્યૂ કોરોનાની ત્રીજી લહેર માટે કેમ ચિંતાજનક?
કોરોનાની ત્રીજી લહેરમાં વધતા R વેલ્યૂના મહત્વ વિશે વાત કરતા જીવ વિજ્ઞાન અને સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર સીતાભરા સિન્હાએ કહ્યું, ચોક્કસપણે 1 કરતા વધારે R વેલ્યૂ કોરોનાની ત્રીજી લહેરનો સંકેત સૂચવે છે. જો કે, એ પણ સાચું છે કે R વેલ્યૂ 1 થી વધારે હોવું એ માત્ર એક અસ્થાયી ઘટના હોઈ શકે છે અને શક્ય છે કે આગામી થોડા દિવસોમાં તે ફરીથી 1 થી ઓછી થઈ શકે. પરંતુ હકીકત એ પણ છે કે હાલમાં ઘણા રાજ્યોમાં R વેલ્યૂ 1 ને વટાવી ગયું છે, જે દર્શાવે છે કે કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વધી રહી છે.