ભારત અને ચીન પાડોશી દેશો છે. બન્નેનું ક્ષેત્રફળ મોટું છે, બન્નેની વસતી પણ મોટી છે અને બન્ને ઝડપભેર આગળ વધી રહ્યા છે, પરંતુ ઑલિમ્પિક રમતોત્સવની વાત આવે ત્યારે ચીન સાથે સરખામણી કરવાનું ભારતીયો માટે ઘણું શરમજનક હોઈ શકે છે.
ટોક્યોમાં ચાલી રહેલી ઑલિમ્પિક ગેમ્સમાં અત્યાર સુધીનો ટ્રેન્ડ ભૂતકાળની ઑલિમ્પિક ગેમ્સ જેવો જ જણાઈ રહ્યો છે. આ વખતે પણ ચીનનો સમાવેશ ચંદ્રકો મેળવનાર ટોચના પાંચ દેશોમાં થાય છે, જ્યારે ભારતનો સૌથી ઓછા ચંદ્રકો મેળવનારા દેશોમાં.
https://twitter.com/bbcnewsgujarati/status/1421718012235706371
ભારત પાસે આ હતાશાજનક પ્રદર્શનનો અને ચીન કયાં કારણસર આગળ હોય છે તેનો કોઈ પાસે જવાબ છે?
બીબીસીએ દિગ્ગજ ભારતીય એથ્લીટ પીટી ઉષાને સવાલ કર્યો હતો કે ભારતીય રમતવીરો ઑલિમ્પિકમાં ચીનની માફક ચંદ્રકો કેમ જીતી શકતા નથી? પીટી ઉષાએ કહ્યું હતું, "છેલ્લાં 20 વર્ષથી હું પણ મારી જાતને આ સવાલ પૂછી રહી છું, પણ તેનો કોઈ જવાબ મળતો નથી."
પોતાની કારકિર્દીમાં સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં કુલ 103 ચંદ્રકો જિતેલાં પીટી ઉષાએ ઉમેર્યું હતુઃ "હું સાચું કહેવા ઇચ્છું છું. મારાં માતા-પિતાએ મને હંમેશાં સાચું બોલવાની શિખામણ આપી છે, પરંતુ હું સાચું કહીશ તો તે કડવું સત્ય હશે. તેથી હું આ મામલામાં પડવા જ નથી માગતી."
https://www.youtube.com/watch?v=1LtYpu90jP8
એ કડવું સત્ય શું હશે તેનું અનુમાન કરવું મુશ્કેલ નથી. રમતગમત સાથે જોડાયેલા લોકોના જણાવ્યા મુજબ, હકીકત એ છે કે દેશમાં કોઈને ક્રિકેટ સિવાયની એકેય સ્પૉર્ટ્સમાં ખાસ દિલચસ્પી જ નથી.
ટોક્યોમાં ચાલી રહેલી ઑલિમ્પિક પહેલાં ભારતે તેનાં 121 વર્ષના ઑલિમ્પિક ઇતિહાસમાં માત્ર 28 ચંદ્રકો જીત્યા હતા. તેમાં નવ સુવર્ણચંદ્રક હતા અને એ પૈકીના આઠ ભારતે માત્ર હૉકીમાં જ જીત્યા હતા.
ભારતે વર્ષ 1900માં પેરિસમાં યોજાયેલી ઑલિમ્પિકમાં પહેલી વાર ભાગ લીધો હતો અને બે ચંદ્રકો મેળવ્યા હતા.
ભારતથી વિપરીત ચીને 1984માં લોસ એન્જલસમાં યોજાયેલી ઑલિમ્પિકમાં પહેલી વાર ભાગ લીધો હતો, પરંતુ ટોક્યો પહેલાં ચીન 525થી વધુ ચંદ્રકો જીતી ચૂક્યું હતું, જેમાં 217 સુવર્ણ ચંદ્રકોનો સમાવેશ થાય છે.
ટોક્યો ઑલિમ્પિકમાં અત્યાર સુધી ચીનના ખેલાડીઓનું પ્રદર્શન સુપર પાવર જેવું રહ્યું છે. ચીને બીજિંગમાં 2008માં ઑલિમ્પિકનું આયોજન કર્યું હતું અને તેમાં 100 ચંદ્રકો જીતીને પહેલા સ્થાને પણ રહ્યું હતું.
ઑલિમ્પિક અને બીજી આંતરરાષ્ટ્રીય ખેલ સ્પર્ધાઓમાં પશ્ચિમના દેશો હંમેશાં સર્વોપરી રહ્યા છે.
અમેરિકન તરણવીર માઈકલ ફેલ્પ્સે તેમની કારકિર્દીમાં એકલા હાથે 28 ઑલિમ્પિક ચંદ્રકો જીત્યા છે અને તે સંખ્યા ગીચ વસતીવાળા ભારતે (ટોક્યો ઑલિમ્પિક પહેલાં) ઑલિમ્પિકના ઇતિહાસમાં મેળવેલા કુલ ચંદ્રકો જેટલી જ છે.
વાસ્તવમાં ચીન અને ભારત ઑલિમ્પિક મુકાબલાઓની દૃષ્ટિએ અલગ-અલગ સ્થિતિમાં છે. ચીનમાં હવે એવી ચર્ચા ચાલી શરૂ થઈ છે કે શું ચંદ્રકો જીતવાનું જ સૌથી વધુ મહત્ત્વનું છે?
અમેરિકન ખેલાડી સિમોન બાઈલ્સે પોતાના માનસિક સ્વાસ્થ્યને અગ્રતા આપવા માટે ઑલિમ્પિકમાંથી નીકળી જવાનો નિર્ણય કર્યો એ પછી ચીનમાં આ ચર્ચા સઘન બની ગઈ છે.
ઑલિમ્પિક રમતોત્સવના આયોજનનો ખાસ હેતુ ખેલદિલીની ભાવનાને વધારવાનો અને રાષ્ટ્રીય ગૌરવ હાંસલ કરવાનો છે.
બીજી તરફ ભારતમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ભારતીય ખેલાડીઓ ચંદ્રકો કેમ જીતી શકતા નથી.
પીટી ઉષાએ ટ્રેક ઍન્ડ ફીલ્ડની દુનિયામાં પોતાની ક્ષમતા પુરવાર કરી છે, પરંતુ ઑલિમ્પિક ચંદ્રક જીતી નહીં શક્યાનો તેમને બહુ અફસોસ છે.
ચીન આટલા ટૂંકા સમયમાં ઑલિમ્પિક સુપર પાવર કેવી રીતે બની ગયું એવો સવાલ બીબીસીએ પૂછ્યો ત્યારે તેમણે એક શબ્દમાં જવાબ આપતાં કહ્યું હતું, "ડિઝાયર." તેનો અર્થ ઊંડાણભર્યો છે. તેમાં અનેક શબ્દો છુપાયેલા છેઃ મહેચ્છા, ઈરાદો, અભિલાષા, લોભ અને મહત્ત્વાકાંક્ષા અને જુસ્સો પણ.
સવાલ એ છે કે એકેય ભારતીય ખેલાડી "ડિઝાયર" સાથે ઑલિમ્પિક્સ રમતોત્સવમાં ભાગ નહીં લેતો હોય? પીટી ઉષાએ કહ્યું હતું, "ચીની સમાજના તમામ વર્ગોમાં, તે સરકારી હોય કે બિન-સરકારી, ચંદ્રકો હાંસલ કરવાનો જબરો જુસ્સો હોય છે."
પીટી ઉષાના ખેલજીવનનાં ઉત્તમ વર્ષો 80ના દાયકામાં હતાં. તમે એ દાયકાના ચીની મીડિયા પર નજર નાખશો તો ખબર પડશે કે શરૂઆતનાં વર્ષોમાં ચંદ્રકો જીતવાની ઇચ્છા માત્ર જુસ્સો ન હતી, પણ વાસ્તવમાં એક ઝનૂન હતી. એ ઉપરાંત દેશની શાન વધારવાની તમન્ના પણ હતી.
ચીનની આજની પેઢી તેમના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના એ નિવેદનમાંથી પ્રેરણા મેળવે છે, જેમાં તેમણે કહ્યું હતું, "રમતગમતમાં એક મજબૂત રાષ્ટ્ર બનવાનું ચીનના સ્વપ્નનો એક હિસ્સો છે." શી જિનપિંગનું આ નિવેદન "ડિઝાયર" પર જ આધારિત છે.
ભારતીય નાગરિકો તથા નેતાઓ સામાન્ય રીતે દરેક બાબતમાં પોતાની સરખામણી ચીન સાથે કરતા હોય છે અને ચીનની સરખામણીએ પોતાની દરેક નિષ્ફળતાને ચીનના બિન-લોકશાહી દેશ હોવા પર થોપી દેતા હોય છે, પરંતુ ઑલિમ્પિક રમતોત્સવમાં અમેરિકા, બ્રિટન અને ઑસ્ટ્રેલિયા જેવા લોકશાહી દેશો પણ સામર્થ્યવાન છે.
ભારતીયો ચીન સામે આટલી જોરદાર પ્રતિસ્પર્ધા કરે છે તો આપણી રમતગમતનું સ્તર ચીન જેવું કેમ નથી? ભારતીય ખેલાડીઓ માટે ચીન પ્રેરણા સ્વરૂપ કેમ નથી?
1970ના દાયકામાં બે ગરીબ દેશો વસતી અને અર્થતંત્રની બાબતમાં લગભગ સમાન હતા. એ પૈકીનો એક દેશ રમતગમતમાં ઘણો આગળ વધી ગયો અને બીજો દેશ ઘણો પાછળ રહી ગયો એવું કેમ થયું?
એક દેશ અમેરિકા જેવા દેશને ચંદ્રકોની બાબતમાં ટક્કર આપી રહ્યો છે અને બીજો ઉઝબેકિસ્તાન જેવા ગરીબ દેશો કરતાં પણ પાછળ કેમ છે?
દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા મહાસિંહ રાવ સ્પૉર્ટ્સ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાના કુસ્તીના વિખ્યાત કોચ છે.
બીબીસીના આ સવાલોના જવાબ આપતાં તેમણે કહ્યું હતું, "ચીન અને ભારતની વસતીનું પ્રમાણ લગભગ એકસરખું છે અને બન્ને વચ્ચે મોટા ભાગની બાબતોમાં સમાનતા છે. ચીનના ખેલાડીઓને સાયન્ટિફિક અને મેડિકલ સાયન્સના આધારે વધારે ભારપૂર્વક તાલીમ આપવામાં આવે છે. તેથી તેઓ ચંદ્રકો જીતવામાં સફળ થાય છે."
વી શ્રીવત્સ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ સ્પૉર્ટ્સ એડિટર છે અને તેઓ ઑલિમ્પિક તથા બીજી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતની નિષ્ફળતા તથા ક્યારેક મળેલી જીતના રિપોર્ટિંગનો બહોળો અનુભવ ધરાવે છે એમ કહેવું ખોટું નથી.
બીબીસી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ચીનમાં તમામ વ્યવસ્થા રેજિમેન્ટેડ એટલે કે શિસ્તબદ્ધ હોય છે અને તેનું તમામે પાલન કરવાનું હોય છે. ભારતમાં એવું કરવું મુશ્કેલ છે.
વી શ્રીવત્સના જણાવ્યા મુજબ, ચીનમાં માતા-પિતા તેમનાં બાળકને બાળપણથી જ ખેલાડી બનાવવા ઇચ્છતાં હોય છે, જ્યારે ભારતમાં, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં, માતા-પિતા તેમનાં બાળકોને પહેલાં ભણાવવા પર અને પછી તેને નોકરીએ લગાવવા પર વધુ ધ્યાન આપતાં હોય છે.
સિંગાપુરમાં રહેતાં ચીનના વરિષ્ઠ પત્રકાર સુન શી બીબીસી સાથેની વાતચીતમાં ચીનની સફળતા માટે આ બાબતોને કારણભૂત ગણાવી હતી.
સુન શીએ કહ્યું હતું, "પ્રત્યેક ઑલિમ્પિક રમતોત્સવ માટે ચીનમાં નક્કર લક્ષ્યાંક નક્કી કરવામાં આવે છે. ચીને તેના રમતગમતના બુનિયાદી માળખામાં જોરદાર સુધારા કર્યા છે અને હવે તે પોતે ઘણાં પ્રકારનાં રમતગમતનાં ઉપકરણો બનાવી શકે છે."
ઑલિમ્પિકમાં ચીનની સફળતાને ભારતમાં દિલચસ્પી તથા ઈર્ષ્યાના ભાવ સાથે જોવામાં આવે છે તેવી જ રીતે ચીનમાં પણ ભારતની નિષ્ફળતાઓ વિશે ટિપ્પણી કરવામાં આવે છે. 2016ની રિયો ઑલિમ્પિકમાં ભારતને માત્ર બે ચંદ્રકો મળ્યા હતા, જ્યારે ચીનને 70 મળ્યા હતા. ઑલિમ્પિક રમતોત્સવ પછી તરત જ 'ચાઈના ડેઈલી' અખબારે આ સ્થિતિ માટે ભારતના "રમતગમત પ્રત્યેના વલણ"ને દોષી ઠરાવ્યું હતું.
અખબારે લખ્યું હતું, "મેડલ ટેલીમાં ચીન (70 ચંદ્રકો સાથે) ભલે ત્રીજા ક્રમે રહ્યું, પણ ચર્ચા એ વાતની થતી હશે કે ચીન લંડનના 2012 ઑલિમ્પિક રમતોત્સવની તેની કુલ 88 ચંદ્રકોની સંખ્યામાં ઉમેરો કેમ કરી શક્યું નહીં. તેનાથી વિપરીત ભારત બૅડમિન્ટનમાં રજતચંદ્રક મેળવનાર તેની ખેલાડી પીવી સિંધુ અને કુસ્તીમાં કાંસ્યચંદ્રક મેળવનાર તેની ખેલાડી સાક્ષી મલિકને મોટા પ્રમાણમાં નાણાં તથા પ્રતિષ્ઠિત સરકારી પુરસ્કારોથી નવાજી રહ્યું છે. ચંદ્રક મેળવતાં ચૂકી ગયેલાં જિમનાસ્ટ દીપા કરમાકર અને પાછલાં બે વર્ષમાં સુવર્ણ તથા રજત સહિત ડઝનેક ચંદ્રકો જીતી ચૂકેલા નિશાનબાજ જિતુ રાયને પણ સન્માનિત કરવામાં આવ્યા છે, પરંતુ રિયોમાં તેઓ એકેય ચંદ્રક જીતી શક્યાં નથી."
ટોક્યોમાં ઑલિમ્પિક રમતોત્સવ શરૂ થયો તેને એક સપ્તાહથી વધુ સમય થઈ ગયો છે અને ભારતને જે ખેલાડીઓ પાસેથી ચંદ્રકોની આશા હતી એ ખેલાડીઓ અગાઉની સ્પર્ધાઓની માફક ખાલી હાથે સ્વદેશ પાછી ફરી રહ્યા છે. ભારતે અત્યાર સુધીમાં એકમાત્ર રજતચંદ્રક જીત્યો છે, જ્યારે ચીની ખેલાડીઓ પર ચંદ્રકોનો વરસાદ પડી રહ્યો છે.
રમતગમત સાથે જોડાયેલા નિષ્ણાતો કહે છે કે ઑલિમ્પિક રમતોત્સવ પૂર્ણ થયા પછી ભારતીય લોકો દેશની નિષ્ફળતાનો માતમ મનાવશે અને મીડિયા તેનું વિશ્લેષણ કરશે. થોડા દિવસ પછી બધું રાબેતા મુજબનું થઈ જશે.
રમતગમત સાથે જોડાયેલા લોકોના જણાવ્યા મુજબ, ભારતની નિષ્ફળતાનો દોષ માત્ર ખેલાડીઓને જ આપી શકાય નહીં. ભારતમાં જે ગંભીર ખામીઓ તે મોટા ભાગના લોકો જાણે છે અને એ ખામીઓ આ મુજબ છેઃ
આ પૈકીની કેટલીક ખામીઓને આમિર ખાને તેની સફળ ફિલ્મ 'દંગલ'માં બહુ સારી રીતે દર્શાવી હતી.
રમતગમતની આ દશા માટે કોણ જવાબદાર-સરકાર, પરિવાર, સમાજ કે બધાં?
પીટી ઉષાના જણાવ્યા મુજબ, આ માટે બધા જ જવાબદાર છે, કારણ કે રમતગમતને કોઈએ અગ્રતા આપી નથી.
પીટી ઉષાએ કહ્યું હતું "આપણે ઇન્ફેર્મેશન ટેકનોલૉજી અને બીજાં ક્ષેત્રોમાં વિશ્વસ્તરની પ્રતિભાઓ પેદા કરીએ છીએ. આપણે વિશ્વમાં અનેક ક્ષેત્રોમાં અનેક દેશોથી આગળ છીએ તો રમતગમતમાં કેમ નથી? આપણા દેશમાં ટૅલેન્ટની કમી નથી. આપણે ત્યાં રમતગમતને અગ્રતા આપવામાં આવતી નથી."
વી શ્રીવત્સના જણાવ્યા મુજબ, કોઈ પણ યુવા ખેલાડીને શરૂઆતના દિવસોમાં પરિવાર તથા લોકસમૂહનું જોરદાર સમર્થન મળવું જરૂરી હોય છે.
વી શ્રીવત્સે કહ્યું હતું, "રશિયામાં બાસ્કેટ બૉલની રમત સાથે સંકળાયેલા કેટલાક લોકો ભારતમાં પ્રતિભાશાળી ખેલાડીઓને શોધ કરવા આવ્યા હતા. તેમણે છ ફૂટથી વધારે લાંબા હોય તેવા 15-16 વર્ષના 126 છોકરાઓની પસંદગી કરી હતી. તેમણે એ છોકરાઓની ટ્રેનિંગ ઉપરાંત તેમને ભણાવવાની જવાબદારી પણ લીધી હતી. કૉન્ટ્રાક્ટ પર સહીસિક્કા કરવા માટે બીજા દિવસે એ છોકરાઓનાં માતા-પિતાને બોલાવવામાં આવ્યાં હતાં, પરંતુ બધાં પેરન્ટ્સે એવા મુદ્દે ધમાલ કરી હતી કે છોકરાઓ બાસ્કેટબૉલ રમવા જશે તો ખેતરમાં કામ કોણ કરશે, ગાય કોણ ચરાવશે અને તેમને નોકરી કોણ આપશે?"
વી શ્રીવત્સના જણાવ્યા મુજબ, તેમણે તેમની 50 વર્ષની કારકિર્દીમાં નોંધ્યું છે કે માતા-પિતા તેમના બાળકોને સરકારી નોકરીમાં મોકલવાનું પસંદ કરે છે, પણ આજે તો સરકારી નોકરીઓ જ ઓછી છે.
વી શ્રીવત્સે કહ્યું હતું, "રમતગમત તો તેમના માટે માત્ર મનોરંજન છે." જોકે, શહેરમાં રહેતા પરિવારો તેમના બાળકોને રમતગમતના ક્ષેત્રમાં આગળ વધવામાં પૂરતી મદદ કરતા હોવાનું વી શ્રીવત્સ માને છે.
તેઓ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસનો દાખલો આપે છે. લિયેન્ડરની કારકિર્દી ખાતર તેમના પિતાએ પોતાનું સર્વસ્વ ત્યાગી દીધું હતું.
https://www.youtube.com/watch?v=4EQ3bMqDMac
વિશ્વના અનેક મોટા ખેલાડીઓની સફળતાનું શ્રેય તેમનાં માતા-પિતાને આપવામાં આવે છે. વિખ્યાત ટેનિસ ખેલાડી આંદ્રે અગાસીએ તેમની આત્મકથા 'ઓપન'માં તેમની સફળ કારકિર્દીનું શ્રેય તેમના ઈરાની પિતાને આપ્યું છે.
આંદ્રે અગાસીએ પુસ્તકમાં લખ્યું છે કે તેમના પિતા તેમને રોજ સવારે પ્રેક્ટિસ કરવા માટે લઈ જતા હતા. એ સમયે તેમને ટેનિસમાં જરાય રસ ન હતો.
આંદ્રે અગાસીને પ્રોત્સાહિત કરવા માટે તેમના પિતા તેમના મોટા દીકરાને આંદ્રે અગાસી સામેની મૅચ હારી જવા કહેતા હતા, જેથી ટેનિસમાં આંદ્રે અગાસીની દિલચસ્પી વધે. વર્ષો પછી આંદ્રે અગાસીએ વિમ્બલડનનું ટાઇટલ જીત્યું ત્યારે સૌપ્રથમ તેમના પિતાને ફોન કર્યો હતો.
રમતગમત મંત્રાલય હેઠળની સ્પૉર્ટ્સ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાએ દેશમાં રમતગમતના પ્રસાર માટે ઘણું કામ કર્યું છે, પરંતુ પાયાના સ્તરે પરિસ્થિતિ બદલાઈ નથી.
સ્પૉર્ટ્સ ઑથૉરિટી સાથે જોડાયેલા વરિષ્ઠ કુસ્તી કોચ મહાસિંહ રાવે બીબીસીને દુઃખ સાથે જણાવ્યું હતું કે રમતગમત આપણા દેશની અગ્રતા નથી.
તેમણે કહ્યું હતું, "સ્પૉર્ટ્સ દેશ માટે પ્રાયોરિટી ન હોવાનું કારણ એ છે કે કેન્દ્ર કે રાજ્ય સરકારોનું બજેટ અન્ય જરૂરિયાતો મુજબનું છે. લગભગ તમામ રાજ્ય સરકારોનું સ્પોર્ટ્સ બજેટ પ્રતિ વ્યક્તિ 10 પૈસાનું પણ નથી."
સ્પૉર્ટ્સ દેશની અગ્રતા નથી તેમ ખાનગી ઉદ્યોગપતિઓ અને કંપનીઓની અગ્રતા પણ નથી. વી શ્રી વત્સએ કૉન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝની સ્પૉર્ટ્સ સમિતિના સભ્ય તરીકે 10 વર્ષ સુધી કાર્ય કર્યું છે. તેમણે અનેક પ્રાઇવેટ કંપનીઓને ક્રિકેટ સિવાયની બીજી રમતોમાં રસ લેવાની સલાહ આપી હતી.
વી શ્રીવત્સે કહ્યું હતું, "અમે સ્પૉર્ટ્સના મુદ્દે બહુ ગંભીરતાથી ચર્ચા કરતા હતા, પરંતુ અમે કોઈ ઉદ્યોગપતિને કેટલીક સ્પૉર્ટ્સ એડોપ્ટ કરવાની સલાહ આપતા ત્યારે તેઓ કહેતા હતા કે અમે ક્રિકેટને સ્પૉન્સર કરીશું, કારણ કે તેનાથી અમને લાભ થશે. એક ઉદ્યોગપતિએ મને કહ્યું હતું કે તેઓ હોકીમાં પૈસા ઇન્વેસ્ટ કરવા ઇચ્છતા નથી, કારણ કે એ નાણાં હૉકીના ખેલાડીઓ સુધી પહોંચતા નથી."
https://www.youtube.com/watch?v=cIalwca7iaA
બીબીસીએ જે ખેલાડીઓ અને અધિકારીઓ સાથે વાત કરી એ બધાનું કહેવું હતું કે દેશમાં સ્પૉર્ટ્સને દરેક સ્તરે એક ઝુંબેશની માફક આગળ વધારવાની જરૂર છે અને સમાજના તમામ વર્ગોએ તેને અગ્રતા આપવી પડશે.
તેમનું કહેવું છે કે ચીનની માફક આપણે ત્યાં પણ એક સિસ્ટમ સ્થાપવી જરૂરી છે અને એ કામ છેક નીચલા સ્તરેથી શરૂ કરવું પડશે.
મહાસિંહ રાવે કહ્યું હતું, "સ્પૉર્ટ્સને છેક નીચલા સ્તરેથી પ્રોત્સાહન આપવું જરૂરી છે."
તેમના જણાવ્યા મુજબ, ભારતમાં સ્પૉર્ટ્સ ક્ષેત્રે ધીમે-ધીમે સુધારો થઈ રહ્યો છે અને તે કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓને આભારી છે. એ ભૂતપૂર્વ ખેલાડીઓ ઑલિમ્પિકમાં તો ચંદ્રકો જીતી શક્યા ન હતા, પણ અનેક આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ચંદ્રકો તથા ખિતાબો જરૂર જીત્યા હતા.
એ ખેલાડીઓમાં ભૂતપૂર્વ બૅડમિન્ટન ચૅમ્પિયન પ્રકાશ પાદુકોણ અને બિલિયર્ડ્ઝના વિખ્યાત ખેલાડી ગીત સેઠી તથા ચેસ ચૅમ્પિયન વિશ્વનાથન આનંદનો સમાવેશ થાય છે. તેમણે સાથે મળીને 'ઑલિમ્પિક ગોલ્ડન ક્વેસ્ટ' નામનું એક કોચિંગ સેન્ટર શરૂ કર્યું છે. તેમાં લગભગ 10 સ્પૉર્ટ્સમાં કોચિંગ તથા ટ્રેનિંગ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં પોતે આઠ ઑલિમ્પિક ખેલાડીઓ તૈયાર કર્યા હોવાનો આ કોચિંગ સેન્ટરનો દાવો છે.
પીટી ઉષા તેમનાં રાજ્ય કેરળમાં મહિલા ઍથ્લીટ્સ માટે એક કોચિંગ સેન્ટર ચલાવી રહ્યાં છે. તેમાં હાલ 20 છોકરીઓ તાલીમ લઈ રહી છે અને રાજ્ય સરકારે સહાયતા તરીકે કોચિંગ સેન્ટર માટે 30 વર્ષની લીઝ પર જમીન આપી હોવાનું પીટી ઉષાએ જણાવ્યું હતું.
https://www.youtube.com/watch?v=tsnBLGFFrxU&t=1s
મહાસિંહ રાવના જણાવ્યા અનુસાર, ભારતમાં ખેલ તથા ખેલાડીઓનું સ્તર સુધારવા માટે તેમનું ઉચ્ચ કક્ષાનું પરીક્ષણ કરાવવાની તથા તેમને રોજગાર આપવાની જરૂર છે.
ચીનની માફક ભારતમાં પણ 2000ની સાલથી ખેલાડીઓને સાયન્ટિફિક તથા મેડિકલ સાયન્સની જાણકારીના આધારે ટ્રેનિંગ આપવામાં આવી રહી હોવાનું મહાસિંહ રાવે જણાવ્યું હતું.
વી શ્રીવત્સે જણાવ્યું હતું કે પરિસ્થિતિ સુધરી રહી છે, પણ મોદી સરકારે પાછલાં કેટલાંક વર્ષોમાં ત્રણ સ્પૉર્ટ્સ મિનિસ્ટર બદલ્યા છે. તેને કારણે નીતિનો અમલ કરવામાં તકલીફ થાય છે.
તેઓ માને છે કે ખાનગી ક્ષેત્રએ આગળ આવવું જોઈએ અને સ્પૉર્ટસ પ્રત્યેની પોતાની ભૂમિકા ભજવવી જોઈએ.
પીટી ઉષાને ખાતરી છે કે ભારતીય ખેલાડીઓ આગામી 10-12 વર્ષોમાં આંતરરાષ્ટ્રીય અને ઑલિમ્પિક રમતોત્સવમાં ચંદ્રકો જીતતા થશે. ચંદ્રકો ચીન જીતે છે તેટલા નહીં હોય, પણ તેની સંખ્યા અગાઉ કરતાં વધારે જરૂર હશે.
પીટી ઉષાએ જણાવ્યું હતું કે આગામી પીટી ઉષા તેમના કોચિંગ કેન્દ્રમાંથી જ બહાર પડે એટલા માટે તેઓ ઘણાં વર્ષોથી અથાક મહેનત કરી રહ્યાં છે.
https://www.youtube.com/watch?v=UbsgPa2mF58
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો