શ્રીનગર : જમ્મુ -કાશ્મીરમાં પથ્થરમારાની ઘટનાઓને રોકવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે. રવિવારના રોજ કાશ્મીર CID અને સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે મુજબ જો ઘાટીનો કોઈ પણ યુવક પથ્થરમારાની ઘટનામાં સંડોવાયેલો જોવા મળે છે, તો તેની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની સાથે સાથે તેને ઘણી સરકારી સુવિધાઓમાંથી પણ બેદખલ કરવામાં આવશે.
પથ્થરબાજોને નહીં મળે આ સુવિધાઓ
પથ્થરબાજીની પ્રવૃત્તિઓમાં શામેલ યુવાનોને સરકારી નોકરી મળશે નહીં. આ સાથે જ તેમને સરકારી સુવિધાઓનો લાભ પણ મળશે નહીં. આ સિવાય આવા યુવાનોના પાસપોર્ટ વેરિફિકેશન સહિત તમામ સુરક્ષા મંજૂરીઓ પણ આપવામાં આવશે નહીં.
CIDનું સત્તાવાર જાહેરનામુ
કાશ્મીર CIDના નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ, જો કોઈ વ્યક્તિની પાસપોર્ટ સેવા, સરકારી સેવા અથવા જમ્મુ -કાશ્મીરમાં કોઈ અન્ય સરકારી યોજનાના સંદર્ભમાં તપાસ કરવામાં આવે તો તે ધ્યાનમાં રાખવું જોઈએ કે તે વ્યક્તિ પહેલા દેશ વિરોધી ઘટના, પથ્થરબારાની ઘટના અથવા તો રાષ્ટ્રની સુરક્ષાને જોખમમાં મૂકતી પ્રવૃત્તિઓમાં શામેલ નથી. જો આવી કોઈ વ્યક્તિ મંજૂરી માંગે તો તેને મંજૂરી આપવી નહીં. સંબંધિત વિભાગો આ સંદર્ભે સંપૂર્ણ માહિતી પોલીસ સ્ટેશનમાંથી મેળવી શકે છે.
પથ્થરબાજોની ઓળખ ડિજિટલ પુરાવાના આધારે થવી જોઈએ
પરિપત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, CCTV ફૂટેજ, ફોટોગ્રાફ્સ, વીડિયો અને ઓડિયો ક્લિપ્સ અને સુરક્ષા એજન્સીઓની માહિતી જેવા ડિજિટલ પુરાવાઓના આધારે વિભાગ આવા યુવાનોની ઓળખ કરી શકે છે, જે એક સમયે ઘાટીમાં પથ્થરમારાની ઘટનાઓમાં શામેલ હતા. આવા લોકોની સુરક્ષા મંજૂરીને રોકવી જોઈએ.