નવી દિલ્હી : ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા અને હૈદરાબાદ લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મોદી સરકાર પર પેગાસસ જાસૂસી કેસની ચર્ચાથી દૂર ભાગવાનો આરોપ લગાવ્યો છે. AIMIM નેતા ઓવૈસીએ પૂછ્યું કે, મોદી સરકાર પેગાસસ મુદ્દે ચર્ચા ન કરીને શું છૂપાવવાનો પ્રયાસ કરી રહી છે?
હૈદરાબાદના સાંસદ જણાવ્યું કે, સરકાર સંસદમાં પેગાસસ મુદ્દે ચર્ચા કરવાથી કેમ ડરે છે? તમે શું છૂપાવવાનો પ્રયાસ કરી રહ્યા છો? અમે સંસદને કાર્યરત થવા દેવા માંગીએ છીએ પરંતુ સરકાર એવું ઈચ્છતી જ નથી. તમે ઈચ્છો છો કે માત્ર બિલ પાસ થવા જોઈએ, શું આ લોકશાહી છે? અમને અમારા વિચારો વ્યક્ત કરવાની તક મળી રહી નથી.
પેગાસસ પર બોલતા અસદુદ્દીન ઓવૈસીએ આરોપ લગાવ્યો છે કે, સરકારે પેગાસનો ઉપયોગ કરીને હેકિંગ કર્યું છે, જે ગેરકાયદેસર છે. જો ઈઝરાયલમાં તપાસ શરૂ થઈ શકે છે, તો અહીંયા પણ તપાસ થવી જોઈએ. ઓવૈસીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, જો સરકાર સમિતિ બનાવે છે, ફોન હેક થયો છે કે નહીં તે ચેક કરવા માટે કમિટી સામે પોતાનો ફોન રજૂ કરવા પણ તૈયાર છે.
મીડિયા સાથે વાત કરતા ઓવૈસીએ કહ્યું કે, સરકાર કેમ નથી કહી રહી કે તે ચર્ચા કરવા માટે તૈયાર છે. સરકાર પાસે 300 સાંસદ હોવા છતાં કેમ ડરેછે? હું કહું છું કે સરકારે ચર્ચા શરૂ કરવી જોઈએ, અમે અમારી વાત પણ રજૂ કરી શકશું.
સરકારને LAC મુદ્દે પણ ઘેરી
AIMIM સાંસદે LAC અંતર્ગત ભારત અને ચીન વચ્ચેની વાટાઘાટોને લઈને પણ સરકાર પર નિશાન સાધ્યું હતું. ઓવૈસીએ કહ્યું કે, સરકાર કેમ નથી જણાવતી LAC પર કોઈ નથી. ચીની સૈન્ય આપણા દેશની સરહદની અંદર આવી ચૂક્યું છે, આપણા વડાપ્રધાન ચીનનું નામ નથી લેતા. ઓવૈસીએ માંગણી કરી હતી કે, ભારત સરકારે સાંસદો અને પત્રકારોને ત્યાં લઈ જઈને હાલની પરિસ્થિતિ દેશ સમક્ષ રજૂ કરવી જોઇએ.
શું છે સમગ્ર પેગાસસ સ્પાયવેર વિવાદ?
સમગ્ર વિશ્વના મીડિયા સંગઠનો દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં એવું બહાર આવ્યું હતું કે, ઇઝરાયલી સ્પાયવેર પેગાસસ દ્વારા દેશના પ્રતિષ્ઠિત નાગરિકો, રાજકારણીઓ અને પત્રકારોની જાસૂસી કરાવવામાં આવતી હતી. ભારતમાં સરકારી એજન્સીઓ દ્વારા પેગાસસનો ઉપયોગ જાસૂસી માટે કરવામાં આવી રહ્યો છે. આ કેસમાં અરજદાર એન રામે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત અથવા નિવૃત્ત જજ દ્વારા આ સમગ્ર મામલે સ્વતંત્ર તપાસની માંગ કરી છે. પીઆઈએલએ કેન્દ્રને એ જણાવવાનો નિર્દેશ પણ માંગ્યો છે કે, શું સરકાર કે તેમની કોઈ એજન્સીએ પેગાસસ સ્પાયવેર માટે લાયસન્સ લીધું છે અને તેનો ઉપયોગ સીધી કે આડકતરી રીતે સર્વેલન્સ માટે કરવામાં આવ્યો છે કે કેમ?
કઈ રીતે શરૂ થયો પેગાસસ સ્પાયવેર વિવાદ ?
એક આંતરરાષ્ટ્રીય મીડિયા સંગઠન દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે, ઈઝરાયેલની એક કંપનીએ બનાવેલા જાસૂસી સોફ્ટવેર પેગાસસ દ્વારા ભારતના 2 કેન્દ્રીય પ્રધાનો, 40થી વધુ પત્રકાર, વિપક્ષના 3 નેતાઓ તેમજ એક ન્યાયાધીશ સહિત કુલ 300 લોકોની જાસૂસી કરવામાં આવી હતી.
તપાસની અરજી સુપ્રીમ કોર્ટ સ્વીકારી
કોંગ્રેસ નેતા અને વરિષ્ઠ એડવોકેટ કપિલ સિબ્બલે શુક્રવારના રોજ પેગાસસ સ્પાયવેર કેસની તપાસ માટે ચીફ જસ્ટિસ એનવી રમન્નાની અધ્યક્ષતાવાળી બેચ સમક્ષ દલીલ કરી હતી. કપિલ સિબ્બલની દલીલ સાંભળીને ખંડપીઠે નોંધ્યું કે, કથિત જાસૂસીની મોટી અસરોને ધ્યાનમાં રાખીને સુનાવણી જરૂરી છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ પેગાસસ સ્પાયવેર કેસની તપાસની માંગ કરતી અરજી વરિષ્ઠ પત્રકાર એન રામ દ્વારા દાખલ કરવામાં આવી હતી. આ અરજીને માન્ય રાખીને ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, આ કેસની સુનાવણી આગામી સપ્તાહથી કરવામાં આવશે.
શું છે પેગાસસ સ્પાયવેર સોફ્ટવેર?
પેગાસસ સ્પાયવેર સોફ્ટવેર છે, જે મોબાઈલ તેમજ કમ્પ્યુટરમાંથી કોન્ફિડેન્સિયલ અને પર્સનલ ડેટાની ચોરી કરીને હેકર્સ સુધી પહોંચાડી શકે છે. આ સોફ્ટવેરને કોઈપણ વ્યક્તિના ફોનમાં મોકલીને તેની જાસૂસી કરી શકાય છે, તેથી તેને સ્પાયવેર કહેવામાં આવે છે. પેગાસસ બનાવનારી કંપની NSOના જણાવ્યા અનુસાર તેમને આ સ્પાયવેર ઓફિસિયલી માત્ર સરકારોને જ વેચવામાં આવે છે. પેગાસસ દ્વારા iOS તેમજ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા કોઈપણ ફોન હેક કરી શકાય છે. જ્યારબાદ તેમાંથી ફોનનો ડેટા, ઈ-મેઈલ, કોલ રેકોર્ડ્સ, ફોટોગ્રાફ્સ સહિત તમામ ગતિવિધિઓ હેકર્સ સુધી પહોંચાડવામાં આવે છે.
કેવી રીતે જાસૂસી થઇ શકે છે?
જો પેગાસસ સ્પાયવેર તમારા ફોનમાં આવી ગયો હોય તો તમારા 24 કલાક હેકર્સ નજર રાખી શકશે. તમને મળતા મેસેજિસને પણ હેકર્સ કોપી કરી શકશે. આ સ્પાયવેર તમારા ફોનમાં રહેલા ફોટોસ અને ફોન કોલ્સના રેકોર્ડિંગ્સ સુધી તમામ ડેટાને હેકર્સને પહોંચાડે છે. આ સ્પાયવેરમાં માઈક્રોફોન એક્ટિવ કરવાની ક્ષમતા હોવાથી તમારા ફોનની નજીક તમે શું બોલી રહ્યા છો, તે હેકર્સ સાંભળી શકે છે. આ સ્પાયવેર માત્ર એક મિસ્ડ કોલથી જ એક્ટિવેટ થઈ શકે છે.
આ અંગે કાયદાઓમાં જોગવાઈ શું છે?
ભારતમાં ઈન્ડિયન ટેલિગ્રાફ એક્ટ, 1885ના સેક્શન 5(2) મુજબ, કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે માત્ર ફોન ટેપિંગ કરવાનો અધિકાર છે. કાયદાઓનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું સરકારના પોલીસ કે ઈન્કમ ટેક્સ વિભાગને જણાય તો તેમને ફોન ટેપ કરી શકે છે. આઈટી એક્ટ અંતર્ગત મોબાઈલ કે કમ્પ્યુટરમાં કોઈપણ પ્રકારના વાયરસ અને સોફ્ટવેર થકી જાસૂસી કરવી એ ગેરકાયદેસર પ્રવૃતિ છે. જેને હેકિંગની શ્રેણીમાં ગણીને ગુનાહિત કૃત્ય માનવામાં આવે છે.