JRD Tata 117th birth anniversary : રતન તાતાએ વાગોળ્યા જૂના સંભારણા
JRD Tata 117th birth anniversary : આજે જહાંગીર રતનજી દાદાભોય ટાટા એટલે કે JRD તાતાની 117મી જન્મજયંતી છે. આ પ્રસંગે રતન ટાટાએ JRD તાતા સાથે તેમની તેમની આઇકોનિક તસવીર શેર કરતા જૂની યાદોને વાગોળી હતી. તાતા મોટર્સના સ્થાપક JRD તાતાને શ્રદ્ધાંજલિ આપતાં રતન તાતાએ મોટર કંપની માટેની JRD તાતાની દિર્ઘ દ્રષ્ટિ વિશે લખ્યું હતું. રતન તાતાએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે, JRD તાતાએ એક તાતા કાર બનાવવાનું સપનું જોયું, સુમંત મૂળગાઓકરે તે સ્વપ્ન સાકાર કરવા યોગદાન આપ્યું, અને વર્ષ 1992માં તાતા એસ્ટેટની શરૂઆત સાથે JRD તાતાનું સ્વપ્ન હકીકત બન્યું હતું.
29 જુલાઇ, 1904માં જન્મેલા, JRD તાતા 1938-88 દરમિયાન ટાટા ગ્રૂપના અધ્યક્ષ રહ્યા હતા. તેમને રાષ્ટ્રને આપેલા અમુલ્ય યોગદાન બદલ રાષ્ટ્રનું સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાઝવામાં આવ્યા છે. રતન તાતા જેમણે તેમના પુરોગામી JRD તાતાને પોતાના રોલ મોડેલ અને માર્ગદર્શક ગણાવ્યા છે. અગાઉ ભારતીય ઉદ્યોગપતિ અને વિમાનચાલક JRD તાતાનો એક અન્ય ફોટો શેર કર્યો હતો, જેમાં ટેક્નોલોજી, ઉત્પાદન અને વિજ્ઞાન પ્રત્યેનો પોતાનો જુસ્સો અને પ્રેમ દર્શાવ્યો હતો.
JRD તાતાનો જન્મ ફ્રાન્સમાં થયો હતો અને તેમણે લંડનમાં શિક્ષણ પૂરું કર્યું હતું. અભ્યાસ બાદ તેમને ફ્રેન્ચ આર્મીમાં જોડાયા હતા. જ્યાં તેમને એક વર્ષ સેવા પણ આપી હતી. તેમને હંમેશાં ફ્લાઇટ ઉડાવવામાં વિશેષ રસ હતો. JRD તાતા વર્ષ 1929માં પાયલોટ લાઇસન્સ મેળવનારા પ્રથમ ભારતીય બન્યા હતા. 1932માં તેમણે તાતા એરલાઇન્સ બનાવી હતી, જે આજે એર ઇન્ડિયા તરીકે ઓળખાય છે.
JRD તાતા 50 વર્ષ સુધી તાતા એન્ડ સન્સના અધ્યક્ષ રહ્યા હતા. એ સમય દરમિયાન તેમને તાતા ગ્રુપને ઉંચાઈ પર લઇ ગયા હતા. એક સફળ ઉદ્યોગપતિ અને એક સ્વપ્નદ્રષ્ટા JRD તાતાએ સમાજ સુધારણા માટે સિંહ ફાળો આપ્યો છે. તેમને 50 વર્ષ સુધી દોરબજી તાતા ટ્રસ્ટના ટ્રસ્ટી પણ હતા. દોરબજી તાતા ટ્રસ્ટે એશિયામાં પ્રથમ કેન્સર હોસ્પિટલની સ્થાપના કરી હતી.
વર્ષ 1941માં તાતા મેમોરિયલ સેન્ટર ફોર કેન્સર JRD તાતાના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી હતી. ભારતમાં કુટુંબ નિયોજનની ચળવળ શરૂ કરવા અને તેને અમલમાં મૂકવા બદલ તેમને સંયુક્ત રાષ્ટ્ર વસ્તી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. JRD તાતા દ્વારા કામદારો માટે મોકલાયેલી અનેક યોજનાઓ પૈકી ઘણી યોજનાઓ ભારત સરકારે સ્વીકારી હતી. ભારત વિશેની તેમની દ્રષ્ટિ સમૃદ્ધ રાષ્ટ્ર કરતાં વધુ સુખી રાષ્ટ્રની હતી.
1945માં સ્થપાયેલી તાતા મોટર્સ, ભારે વાહન સેગમેન્ટમાં લોકોમોટિવ્સના ઉત્પાદનમાં પહેલેથી જ મોટુ નામ ધરાવતી હતી. જે બાદ તાતા એસ્ટેટ પેસેન્જર કાર બનાવવાનો કંપનીનો પહેલો પ્રયાસ તાતા સીએરા હતી. જેનું લોન્ચ વર્ષ 1991માં થયું હતું. થ્રોબેક ફોટો શેર કરતા રતન તાતાએ લખ્યું કે, આ તસવીર પૂણે પ્લાન્ટ ખાતે તાતા એસ્ટેટના લોકાર્પણ પ્રસંગે લેવામાં આવી હતી. જ્યારે JRD તાતાના ઘણા સપનાઓમાંથી એક હકીકત બનવા જઇ રહ્યું હતું.