અમેરિકન સૈન્ય ઇરાકમાંથી પરત ફરશે તો ઇસ્લામિક સ્ટેટને મોકળું મેદાન મળી જશે?

By BBC News ગુજરાતી
|

પહેલાં અફઘાનિસ્તાન અને હવે ઇરાક.

ઇરાકના વડા પ્રધાન અમેરિકાના પ્રમુખ બાઇડન સાથે ચર્ચા માટે વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા.

આ દરમિયાન અમેરિકાએ ઇરાકમાંથી બધા જ અમેરિકી સૈનિકોને પરત બોલાવી લેવાની જાહેરાત કરી. અમેરિકાએ કહ્યું છે કે 'અમેરિકા-ઇરાક રાજદ્વારી ચર્ચા' અનુસાર આ વર્ષના અંત સુધીમાં ઇરાકમાંથી બધા સૈનિકોને પાછા બોલાવી લેવાશે.'

આ જાહેરાતથી બે મહત્ત્વના સવાલો ઊભા થાય છે - ઇરાકમાં પ્રાદેશિક સ્થિતિમાં શું ફરક પડશે અને શું આના કારણે ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટને ફરીથી પગપેસારો કરવાની તક મળી જશે.

થોડા વર્ષો પહેલાં સુધી ઇસ્લામિક સ્ટેટ સમગ્ર મધ્ય પૂર્વમાં આતંક ફેલાવી રહ્યું હતું. આ ઉદ્દામવાદી સંગઠન સાથે લંડનથી માંડીને ઑસ્ટ્રેલિયા સુધી ઉગ્રવાદીઓ આવીને જોડાયા હતા.

ઇરાક પર અમેરિકાએ આક્રમણ કર્યું તેનાં 18 વર્ષ પછી હવે ઇરાકમાં માત્ર અમેરિકાના અઢી હજાર સૈનિકો છે. આ ઉપરાંત ઇસ્લામિક સ્ટેટ સામે લડી રહેલી ગુપ્ત નાની ટુકડીઓ પણ છે, પરંતુ તેના વિશેની માહિતી જાહેરમાં ઉપલબ્ધ નથી.

ઇરાક પર આક્રમણ પછી અમેરિકાના 1 લાખ 60 હજાર સૈનિકોની મજબૂત હાજરી ઇરાક પર કબજો કરીને બેઠી હતી. હવે માત્ર અઢી હજાર સૈનિકો વધ્યા છે જે માત્ર ત્રણ છાવણીઓમાં છે. આ છાવણીઓ પર પણ ઈરાન તરફી લડાયક જૂથોએ રૉકેટ અને ડ્રોનથી હુમલા કર્યા છે.

અત્યારે ઇરાકમાં હાજર અમેરિકાની સેનાનું કામ ઇરાકની સેનાને તાલીમ આપવાનું છે. ઇરાકની સેના અત્યારે વારેવારે માથું ઉચકતા ઇસ્લામિક સ્ટેટના જેહાદીઓ સામે લડી રહી છે.

ઇરાકમાં અમેરિકાના સૈનિકોની હાજરીને કારણે વિવાદો પણ થતા રહ્યા છે.


ભાવનાત્મક મુદ્દો

ઈરાનને ટેકો આપતા ઉગ્રવાદી જૂથો અમેરિકાને દેશની બહાર તગેડી મૂકવા માગે છે. ખાસ કરીને અમેરિકાની સેનાએ ઈરાનના રેવોલ્યૂશનરી ગાર્ડની કુદ્સ ફૉર્સના વડા મેજર જનરલ કાસિમ સુલેમાનીની હત્યા કરી તે પછી અમેરિકાની હાજરી સામે વિરોધ વધ્યો છે.

અમેરિકાએ જાન્યુઆરી 2020માં બગદાદ ઍરપોર્ટ પાસે જ કાસિમ સુલેમાનીના કાફલા પર હવાઈ હુમલો કર્યો હતો.

કોઈ એક પક્ષની સાથે ના હોય તેવા ઇરાકના નાગરિકો પણ વિદેશી સૈનિકો દેશની બહાર જતા રહે તેમ ઈચ્છે છે. તેમના માટે વિદેશી સૈનિકોની હાજરી એક ભાવનાત્મક મુદ્દો છે.

અમેરિકામાં પણ ઇરાકથી સૈનિકો પરત ફરે તે માટે સૌ તૈયાર છે, પરંતુ તેનો અર્થ એવો ના થવો જોઈએ કે ઇરાક પર ઈરાનનો કબજો થઈ જાય.

અમેરિકા ઘણા સમયથી મધ્ય પૂર્વના મામલામાંથી નીકળી જવા માટે કોશિશ કરી રહ્યું છે. વર્તમાન પ્રમુખ બાઇડન આ સ્થિતિને 'કાયમી યુદ્ધની સ્થિતિ' ગણાવે છે.

અમેરિકા અફઘાનિસ્તાનમાંથી પણ ઝડપથી બહાર નીકળી રહ્યું છે. અમેરિકા અને તેના સાથી દેશો હવે માત્ર એશિયા પ્રશાંત ક્ષેત્ર અને દક્ષિણ ચીન સમુદ્ર પર જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, કેમ કે ત્યાં ચીનનો પ્રભાવ ઝડપથી વધી રહ્યો છે.


નવું ઇસ્લામિક સ્ટેટ?

એક તરફ અમેરિકા ઇરાકમાંથી નીકળી જવાની તૈયારીમાં છે, ત્યારે આ વિસ્તારમાં ફરીથી ઇસ્લામિક સ્ટેટ કબજો જમાવે તેવું જોખમ માથે તોળાવા લાગ્યું છે.

ઇતિહાસ અહીં પુનરાવર્તન પામે તેવું પણ લાગે છે.

2011માં અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ અમેરિકાના સૈનિકોને ઇરાકમાંથી પાછા બોલાવી લેવાની જાહેરાત કરી હતી.

તે પછી ઇરાકમાં અમેરિકાના સૈનિકોની હાજરી ઓછી થવા લાગી હતી. પરંતુ અમેરિકનો પાછા ફર્યા તે સાથે જ ઇરાકમાં ઝેરીલી રાજનીતિ શરૂ થઈ અને પડોશી સીરિયામાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ પેદા થઈ. તેના કારણે ઇસ્લામિક સ્ટેટે માથું ઊચક્યું. આ સંગઠનનું જોર એટલું વધી ગયું કે ઇરાકના બીજા સૌથી મોટા શહેર મોસુલ પર કબજો કરી લીધો. એક સમયે કોઈ યુરોપના રાષ્ટ્ર જેટલો મોટો વિસ્તાર ઇસ્લામિક સ્ટેટના કબજામાં આવી ગયો હતો.

હવે સવાલ એ છે કે શું ફરીથી તેવી સ્થિતિ પેદા થઈ શકે છે? શું ઇસ્લામિક સ્ટેટ નવેસરથી કબજો જમાવી શકે છે? અમેરિકાના સૈનિકોની ગેરહાજરીથી ઇરાકની સેનાનું મનોબળ તૂટે તેવું બની શકે છે.

જોકે આવી સ્થિતિ પેદા થાય તેવી શક્યતા ઓછી છે અને તેના ઘણા કારણો છે.

એક સમયે ઇરાકના વડા પ્રધાન નૂર અલ મલિકીની સરકારે સુન્નીઓ સામે પક્ષપાતની નીતિ અપનાવી હતી. તેના કારણે સુન્નીઓમાં ભારે અસંતોષ હતો. 2006થી 2014 વચ્ચે મલિકીના શાસનકાળમાં સુન્નીઓ કોરાણે ધકેલાઈ ગયા હતા. ઇસ્લામિક સ્ટેટે તેનો ફાયદો ઉઠાવ્યો હતો અને મોટી સંખ્યામાં સુન્નીઓ ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાઈ ગયા હતા.

આજે ભલે ઇરાકમાં આદર્શ રાજકીય સ્થિતિ ના હોય, પરંતુ અગાઉ કરતાં ઇરાકમાં વંશીય જૂથોને પણ હવે વધારે સારી રીતે સ્વીકારવામાં આવી રહ્યા છે.

ઇસ્લામિક સ્ટેટની હાર પછી અમેરિકા અને બ્રિટને ઇરાકી સેનાની ટુકડીઓને તાલીમ આપવા પાછળ ધ્યાન આપ્યું હતું. નાટોના સમર્થનથી ઇરાકી સેનાની તાલીમનું કામ ચાલતું રહેવાનું છે. તેના કારણે અગાઉ કરતાં ઇરાકી સેના વધારે સારી રીતે ઉગ્રવાદીઓનો સામનો કરવા માટે તૈયાર છે.

બીજું કારણ એ પણ છે કે ઇસ્લામિક સ્ટેટના નેતા અત્યારે આફ્રિકા અને અફઘાનિસ્તાન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આ વિસ્તારમાં તે અડ્ડો જમાવવા માગે છે, કેમ કે ત્યાં કોઈ સરકાર જેવું નથી. આરબ દેશોના તાલીમ પામેલા સૈનિકો સામે લડવાના બદલે સંગઠનનું ધ્યાન હવે આવા વિસ્તારો પર વધારે છે.

ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સ્ટ્રૅટેજિક સ્ટડીઝ સાથે જોડાયેલા બ્રિટનની સેનાના ભૂતપૂર્વ અધિકારી બ્રિગેડિયર બૅન બૅરી કહે છે, 'ઇરાકની સેના ઇસ્લામિક સ્ટેટના હુમલાઓને રોકી શકવા સક્ષમ છે.'

જોકે તેઓ ઉમેરે છે કે, 'જ્યાં સુધી ઇરાકમાં સુન્નીઓ સાથે રાજકીય સમાધાન નહીં થાય, ત્યાં સુધી હિંસા માટેનું મૂળ કારણ ઊભું જ રહેવાનું છે.'


પશ્ચિમી દેશોની ભૂમિકા

2014માં ઇસ્લામિક સ્ટેટે બહુ ઝડપથી ઇરાક અને સીરિયાના વિશાળ પ્રદેશો કબજે કરી લીધા હતા. તેનું કારણ એ હતું કે ઇરાકની સ્થિતિની બહુ ચિંતા પશ્ચિમના દેશોએ કરી નહોતી.

ત્યારબાદ ઇસ્લામિક સ્ટેટને હરાવવા માટે 80 દેશોએ સહયારા પ્રયાસો શરૂ કર્યા હતા અને તેની પાછળ અબજો ડૉલરનો ખર્ચ થયો હતો. તેથી ફરી તેવી સ્થિતિ ઊભી થાય તેમ કોઈ નહીં ઈચ્છે.

આવી સ્થિતિમાં અમેરિકાની સેનાની વાપસી પછી પણ પશ્ચિમી દેશોની નજર ઇરાક પર રહેશે. ઇસ્લામિક સ્ટેટ જેવું જેહાદી સંગઠન ફરીથી માથું ઊચકે એવું તેઓ નહીં ઇચ્છે.

બૅન બૅરી કહે છે, 'અમેરિકાને એમ લાગશે કે ઇરાકમાં રહીને ઇસ્લામિક સ્ટેટ ઇરાકની બહાર અમેરિકાના હિતો પર હુમલો કરી રહ્યું છે તો અમેરિકા ઇસ્લામિક સ્ટેટ સામે પોતાની રીતે કાર્યવાહી કરશે.'

અખાતના દેશોમાં ખાસ કરીને અખાતી સમુદ્રમાં અમેરિકા પાસે એટલી સૈન્ય તાકાત છે કે તે ઇચ્છે ત્યારે હુમલો કરી શકે છે.


ઈરાનનો લાંબા ગાળાનો ખેલ

ઇરાકની સ્થિતિને કારણે લાંબા ગાળે ઈરાનને ફાયદો થાય તેવું પણ લાગી રહ્યું છે.

1979માં ઇસ્લામિક ક્રાંતિ પછી ઈરાન પોતાની આસપાસના દેશોમાંથી અમેરિકાની સૈનિકોને હઠાવીને પોતાને આ ક્ષેત્રમાં એકમાત્ર સત્તા તરીકે મજબૂત બનાવવા માગે છે.

ઈરાનને અખાતના આરબ દેશો સામે થોડી સફળતા મળી છે. આમાંથી ઓછામાં ઓછા છ દેશોમાં અમેરિકાની હાજરી છે. અમેરિકાના નૌકાદળનું પાંચમું સૌથી મોટું કેન્દ્ર બહેરીનમાં છે.

2003માં અમેરિકાએ ઇરાક પર હુમલો કરીને સદ્દામ હુસૈનને હઠાવ્યા તે પછી ઈરાન સામે તે સૌથી મોટો અવરોધ બનીને રહ્યું છે. તે પછી પણ આ વિસ્તારમાં પોતાની સત્તા અને તાકાત દેખાડવાનો એકે પણ મોકો ઈરાને છોડ્યો નથી.

https://www.youtube.com/c/BBCNewsGujarati

ઈરાન પોતાને ટેકો આપનારા શિયા લડાયકોને ચાલાકીપૂર્વક ઇરાકની સેનામાં સ્થાન અપાવી શક્યું છે. એટલું જ નહીં, ઇરાકની સંસદમાં પણ ઈરાનને ટેકો આપનારા છે. ઈરાનના આ સમર્થકોનો મજબૂત અવાજ ઇરાકની સંસદમાં છે.

એટલું જ નહીં, સીરિયાના ગૃહ યુદ્ધને કારણે પણ ત્યાં પોતાની સેનાની હાજરી વધારવામાં ઈરાનને સફળતા મળી છે. પડોશી લેબનોનમાં પણ ઈરાન સમર્થિત હિઝબુલ્લા સૌથી મજબૂત બન્યા છે.

ઈરાન લાંબા ગાળાનો ખેલ ખેલી રહ્યું છે. ઈરાનના નેતાઓને લાગે છે કે મધ્યપૂર્વમાં પોતાની તાકાત જમાવતું રહેશે તો આગળ જતા આ વિસ્તારમાં અમેરિકાની સેના સક્રિય રહી શકશે નહીં.

આ જ કારણસર ઈરાનને ટેકો આપનારા લડાયક જૂથો અમેરિકાની છાવણીઓ પર રૉકેટથી હુમલા કરતાં રહે છે. ઈરાનના નાગરિકોને અમેરિકી સૈનિકોની હાજરી સામે પ્રદર્શન કરવા માટે પ્રેરવામાં આવતા હોય છે.

આવી સ્થિતિમાં ઇરાકમાંથી અમેરિકી સૈનિકો જતા રહે તેને ઈરાનમાં ઘણા બધા લોકો ફાયદાકારક પગલું ગણશે.



https://www.youtube.com/watch?v=3BB_lxkYNI4

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો