એક વર્ષથી પૂર્વી લદ્દાખમાં ભારત સાથે સૈન્ય તનાવ વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પ્રથમ વખત તિબેટની મુલાકાત લીધી હતી. જિનપિંગે બ્રહ્મપુત્રા નદી પર બની રહેલા દુનિયાના સૌથી મોટા ડેમની પણ મુલાકાત લીધી હતી. એટલું જ નહીં, તેમણે તિબેટમાં હાજર ચીની સેનાના સ્થાનિક જવાનોને યુદ્ધ માટે સજ્જ રહેવા કહ્યું છે. જિનપિંગની મુલાકાત ભારત માટે મહત્વની છે અને સૈન્યને આપવામાં આવેલી આ સૂચનાથી ચીનના મનસુબા પર સવાલ ઉઠે તે સ્વભાવિક છે.
ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે, જિનપિંગે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના તિબેટ લશ્કરી કમાન્ડના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી. અખબારના જણાવ્યા મુજબ રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, તિબેટમાં સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે સ્થાનિક સૈનિકોની તાલીમ અને તૈયારીને મજબૂત બનાવી હકારાત્મકબળ પ્રદાન કરવામાં ફાળો આપવો જોઇએ. નોંધનીય છે કે ભારત સાથેની સરહદની જવાબદારી સેનાની આ જ કમાન્ડને આપવામાં આવી છે.
જિનપિંગે કહ્યું હતું કે તિબેટમાં વિકાસ એ સિદ્ધાંત પર આધારિત હોવો જોઈએ કે તેનાથી સ્થાનિક એકતા અને વિકાસને પ્રોત્સાહન મળે, લોકોને રોજગારી મળે, લોકોને જોડી લાભ, સલામતી અને સુખાકારીની લાવવાની ભાવના વધે. જો કે, આ પ્રવાસ દરમિયાન જિનપિંગનું ધ્યાન ફક્ત તિબેટ પર જ નહોતું. બ્રહ્મપુત્રા નદી અને તેની સહાયક નદીઓની ખીણનું નિરીક્ષણ પણ કર્યું હતું.
ચીનના રાષ્ટ્રપતિની અરૂણાચલ સરહદની મુલાકાત એક એવા સમયે આવી છે જ્યારે ચીને તાજેતરમાં જ પહેલીવાર ઇલેક્ટ્રિક બુલેટ ટ્રેનનું સંચાલન શરૂ કર્યું છે. તેમણે અગાઉ કહ્યું હતું કે નવી બુલેટ રેલ લાઇન સરહદ સ્થિરતામાં મહત્વની ભૂમિકા ભજવશે. તે ભારત સાથેની અરુણાચલ સરહદ તરફ ઈશારો કરી રહ્યા હતા. ન્યિંગચી અરુણાચલ નજીક સ્થિત તિબેટનું સરહદી શહેર છે.
ચીને તાજેતરમાં બ્રહ્મપુત્રા નદી ખીણમાંથી વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હાઈવે બનાવ્યો છે. આ હાઇવે મેડોગ કાઉન્ટીને જોડે છે, જેની સરહદ અરુણાચલ પ્રદેશ સાથે જોડાય છે. એટલું જ નહીં, લદાખથી અરુણાચલ પ્રદેશ સુધી ભારતીય ભૂમિ પર નજર રાખનાર ચીન હવે ભારતીય જળ સંસાધનો કબજે કરવા માટે વિશ્વનો સૌથી મોટો ડેમ બનાવશે.