અમદાવાદ : નેશનલ મેડિકલ કાઉન્સિલ (NMC)માં અભ્યાસ કરતા MBBSના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે 2023થી રાષ્ટ્રીય એક્ઝિટ ટેસ્ટ (NeXT) લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પરીક્ષાની તૈયારીઓ અને આયોજન અંગે ચર્ચા વિચારણા કરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, યુનીયન મીનીસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર દ્વારા 10 જૂનના રોજ એક સમિક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેશનલ મેડીકલ કમિશન અને દેશના મેડીકલ એજ્યુકેશન નિયમનકારોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા યોજાયેલી આ બેઠકમાં નેશનલ એક્ઝિટ ટેસ્ટ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આયોગ દ્વારા એક્સામિનેશન સેલની સ્થાપના કરવાનો ઠરાવ પસાર કર્યો છે અને મંજૂરી પ્રક્રિયા ઝડપી બનાવવા માટેના પગલા લેવામાં આવી રહ્યા છે, તેમ પણ સૂત્રોએ જણાવ્યું હતું. આગામી છ મહિના અથવા તેથી વધુ સમયમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે.
MBBSનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અને મેડિકલ ઇન્ટર્નશીપ પ્રોગ્રામ ચાલુ હોય તેવા વિદ્યાર્થીઓ તેમજ મેડીસીન અને સર્જરીની પ્રેક્ટિસ માટેના લાઇસન્સ આપવા માટે કોમન એલીજીબીટી અને એન્ટરન્સ ટેસ્ટ હશે.
આ ઉપરાંત પરીક્ષા નેશનલ એલીજીબીટી કમ એન્ટરન્સ ટેસ્ટ (PG)ને બદલે પોસ્ટ ગ્રેજ્યુએશન મેડીકલ ડિગ્રીના અભ્યાસ કરવા માટેની એન્ટરન્સ ટેસ્ટ તરીકે લેવામાં આવે છે. ગત વર્ષે લગભગ 1.40 લાખ વિદ્યાર્થીઓએ NEET(PG)ની પરીક્ષા આપી હતી. NEET(PG) માટે ક્વોલિફાઇંગ સ્કોર 50 પર્સન્ટાઇલ છે. મતલબ કે જો 50 પર્સન્ટાઇલ કરતા ઓછી પર્સન્ટાઇલ હશે, તો NEET(PG)ની પરીક્ષા આપી શકાશે નહીં.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિર્ણય કેન્દ્ર સરકારની વન નેશન, વન એક્સામની યોજના હેઠળ લેવામાં આવ્યો છે. NeXT એક ઓનલાઇન પરીક્ષા હશે અને પ્રશ્નપત્ર એ અંડરગ્રેજ્યુએટ મેડિકલ પ્રોગ્રામના અભ્યાસક્રમ પર આધારિત હશે. NeXT પ્રશ્નપત્રમાં ફક્ત MCQ (બહુ વિકલ્પી પ્રશ્નો) હશે.