બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનને મળવામાં મદદ કરવાના બહાને એક 43 વર્ષીય વ્યક્તિએ પશ્ચિમ બંગાળથી 17 વર્ષની એક કિશોરીની કથિત રૂપે તસ્કરી કરી હતી. અહેવાલો મુજબ રેલ્વે પોલીસે દાદર ટર્મિનસ પરથી કિશોરીને બચાવી હતી. ત્યારબાદ તેને એક આશ્રયગ્રુહમાં મોકલાઈ હતી. પોલીસે એક તસ્કરની ધરપકડ કરી છે.
અહેવાલો મુજબ, આ કિશોરી 12 માં ધોરણની વિદ્યાર્થીની છે અને તે પશ્ચિમ બંગાળના પલાશીપરાની રહેવાસી છે. આરોપી સુભાન શેખે ઇવેન્ટ મેનેજર હોવાનો ઢોંગ કરીને ફેસબુક દ્વારા તેની સાથે મિત્રતા કરી હતી. આ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર તેના પ્રોફાઇલ પિક્ચરમાં તેના પુત્રની તસવીર મુકી હતી. ફેસબુકમાં જોડાયા પછી બંને વચ્ચે સતત વાતચીત થતી હતી. આ દરમિયાન આરોપીએ કિશોરીને શાહરૂખ ખાન સાથે મુલાતાત કરાવવાની વાત કરી હતી. તેને કહ્યું કે તે તેને મુંબઈ લઇ જશે. ત્યારબાદ આરોપીએ કિશોરીને કહ્યું કે તેને કોરોના થયો છે અને તેથી તેના પિતા તેને મુંબઈ લઈ જશે.
અખબારી અહેવાલો મુજબ, પોલીસે જણાવ્યું હતું કે, આરોપી સુભાન શેઠ 15 જુલાઇએ પલાશીપરા પહોંચ્યો હતો. ત્યા તેને કિશોરીને તેના કોચિંગ ક્લાસથી ઉપાડી હતી. ત્યારબાદ તેના સીમકાર્ડને તોડી નાખ્યુ, જેનાથી તે ટ્રેક ન થઈ શકે. જે બાદ તેને કોલકાતા લઈ ગયો અને ત્યાંથી બન્ને હાવડા મેઇલમાં મુંબઈ રવાના થયા હતા.
આ દરમિયાન, કિશોરીના પરિવારે ગુમ થયા અંગે પોલીસમાં ફરિયાદ કરતા રેલ્વે પોલીસ એલર્ટ થઈ હતી. હાવડા જંકશન પર ટ્રેનમાં ચડતા સીસીટીવીમાં કિશોરી દેખાઈ હતી. જે બાદ સીએસએમટી ટ્રેનનું છેલ્લું સ્ટેશન હોવાથી મુંબઇ જીઆરપીને જાણ કરાઈ હતી. જે બાદ રેલ્વે પોલીસે કિશોરીને બચાવી આરોપીની ધરપકડ કરી હતી.