દેશમા કોરોના મહામારીને પગલે કેટલાય રાજ્યોમાં ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ કાંવડ યાત્રા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ વર્ષે પણ સરકારે કોરોના સંક્રમણના ખતરાને જોતાં કાંવડ યાત્રા રદ કરી દીધી છે. પરંતુ કોરોનાના સતત વધી રહેલા મામલાઓ છતાં કેરળની સરકારે બકરી ઈદ માટે પ્રતિબંધોમાં રાહત આપવાનો ફેસલો લીધો છે. રાજ્યમાં કોરોનાના મામલા તેજીથી વધી રહ્યા છે. છતાં સરકાર બકરી ઈદ માટે પ્રતિબંધોમાં છૂટ આપવા જઈ રહી છે, જેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેરળ સરકાર પાસે જવાબ માંગ્યો છે અને 20 જુલાઈએ આ મામલે સુનાવણી થશે.
જણાવી દઈએ કે રવિવારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી કહેવામાં આવ્યું હતું કે જો કેરળ સરકાર બકરી ઈદના અવસર પર મહામારી કાળમાં લોકોની ભીડને એકઠી થવા દેવાનો પોતાનો ફેસલો પાછો નહી લે તો તેઓ સુપ્રીમ કોર્ટ જશે. નોંધનીય છે કે બકરી ઈદના અવસર પર ત્રણ દિવસ માટે કોરોના પ્રતિબંધોમાં ઢીલ આપવાનું એલાન કરાયું હતું. પરંતુ સરકારના આ ફેસલા બાદ આઈએએમે કેરળ સરકારને ભીડ એકઠી થવા દેવાની મંજૂરી ન આપવાની અપીલ કરી હતી.
આઈએમએએ ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશનો હવાલો આપતા કહ્યું કે આ વર્ષે અહીં કોરોનાને પગલે કાંવડ યાત્રા રોકી દેવામાં આવી છે. લોકોની સુરક્ષાને જોતાં રાજ્યોએ કાંવડ યાત્રા રોકી મૂકવાનો ફેસલો લીધો. પરંતુ આ દુર્ભાગ્યપૂર્ણ છે કે કેરળ જેવા સમજદાર રાજ્યએ આવા પ્રકારના ફેસલા લીધા અને લોકોની ભીડ એકઠી થવા દેવાની મંજૂરી આપી. અગાઉ પણ આઈએમએએ દેશભરમાં ધાર્મિક અને પર્યટન સ્થળે એકઠા થઈ રહેલી ભીડ માટે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. આ બાબતે આઈએમએએ રાજ્ય સરકારોને પત્ર પણ લખ્યો હતો.